ખાસ-ખબર સંવાદદાતા
ઉતરાયણનો પર્વ નજીક આવતા જ ગુજરાત સરકાર દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉપયોગ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અલગ અલગ માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરી વેચતા ઈસમોને પણ પોલીસ લાલ આંખ કરીને કાયદાના પાઠ ભણાવી રહી છે ત્યારે મોરબી તાલુકાના નાની વાવડી ગામની કુમાર પ્રાથમિક શાળામાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
મોરબી તાલુકાના નાની વાવડી ગામની કુમાર પ્રાથમિક શાળામાં આજરોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર કે. એ. વાળા દ્વારા વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી તથા તુક્કલનો ઉપયોગ ન કરવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેનાથી થતા નુકશાન અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પણ ક્યારેય ચાઈનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવાની ખાતરી આપી હતી તેમજ પોતાના મિત્રો, સગા સંબંધી અને પડોશીઓને પણ ચાઇનીઝ દોરી કે તુક્કલનો ઉપયોગ ન કરવા અંગે સમજાવશે તેવી વિદ્યાર્થીઓએ બાંહેધરી આપી હતી.