ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ નજીક આવેલ ભારતનગરમાં રહેતો ચેતન કાંતિલાલ બજાણીયા નામનો યુવક ઉતરાયણ પર્વના દિવસે કંડલા બાયપાસ પાસે આવેલ ક્રિષ્ના હોટેલમાં નાસ્તો કરતો હતો તે દરમિયાન બાઈકમાં આવેલા યોગેશ કાસુન્દ્રા અને રઘા મેરજા નામના બંને શખ્સો ચેતનને ક્રિષ્ના સ્કુલ સામે આવેલ હરીદર્શન નામના એપાર્ટમેન્ટના બ્લોક બી 702 માં લઈ ગયા હતા અને ત્યાં રૂમમાં ગોંધી રાખ્યો હતો. બંને શખ્સોએ ચેતનને જણાવ્યું હતું કે, જીગ્નેશભાઇ કૈલાના ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવાના છે તું કેમ આપતો નથી તેમ કહી ઢીકા પાટુ અને ધોકાથી માર માર્યો હતો તેમજ યોગેશે માથાના ભાગે તેમજ શરીરના ભાગે મુંઢ માર ઈજા પહોંચાડી હતી ત્યારબાદ બંને શખ્સો ફરી યુવાનને ત્યાંથી બાઈકમાં શનાળા બાયપાસ લઈ ગયા હતા અને ત્યાંથી એક કારમાં પીપળીયા ચાર રસ્તા તરફ લઇ ગયા હતા ત્યારે રસ્તામાં બંને શખ્સોએ કાર ઉભી રાખતા યુવક બંનેની નજર ચૂકવી ભાગી જઈને મોરબી આવી ગયો હતો અને તેના પરિવારના સભ્યોને આ બનાવ અંગે જાણ કરતા યુવકના પરિવારજનો તેને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારબાદ યુવકે હોસ્પીટલના બિછાનેથી બંને આરોપીઓ વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ચેતને નોંધાવેલ ફરિયાદ મુજબ પોતે 2010 માં જીગ્નેશ કૈલાના સંપર્કમાં આવ્યો હતો અને ટાઈલ્સનો વ્યવસાય કરતો હતો જે તે વખતે યુવાને જીગ્નેશ કૈલા પાસેથી રૂ. 3.34 લાખ જેટલી રકમ લીધી હતી જેમાંથી 2.70 લાખ પરત આપી દીધા હતા જ્યારે બાકીની રકમ ચુકવવાની બાકી હોય બાકીની રકમની ઉઘરાણી કરવા આરોપીઓએ યુવાનનું અપહરણ કરીને માર મારતા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.