ખાસ-ખબર સંવાદદાતા
મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે મોરબીના જાંબુડીયા ગામ પાસેથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરનાર ચોરને ચીલઝડપમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય 23 મોબાઈલ સહિત અન્ય મુદામાલ મળી કુલ રૂ. 1,30,000 ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી કાનજી ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા (ઉં.વ. 21, રહે, રામકૃષ્ણનગર, પટેલ સોસાયટી સામે, સામાકાંઠે, મોરબી-02) ને અલગ અલગ કંપનીના કુલ 23 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડીને મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી મોબાઈલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ પોતે પોતાના મિત્રો સાથે મળી અલગ અલગ તારીખ સમયે મોરબી તાલુકાના બેલા, રંગપર, ઘુંટુ રોડ, લખધીરપુર રોડ, જાંબુડીયા, સરતાનપર રોડ, માટેલ-ઢુવા રોડ પર આવેલ કારખાના વિસ્તારમાંથી મજુર પાસેથી ચિલઝડપ કરી આંચકી પડાવીને મેળવેલ હોય જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઈ કરતા મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસેથી મજુરનો રીયલ મી કંપનીનો મોબાઇલ ફોન પણ આંચકીને ચિલઝડપ કરી મેળવેલ હોય જે બાબતે ગુન્હો નોંધાયો હોય જેથી આરોપી પાસેથી ચિલઝડપમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી કુલ 23 મોબાઈલ (કિં. રૂ. 1,15,000) તેમજ 15 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી કુલ રૂ. 1,30,000 નો મુદામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીને મોરબી તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
મોરબીમાં મોબાઈલની ચીલઝડપ કરતો શખ્સ 23 ચોરાઉ મોબાઈલ સાથે ઝડપાયો
