યુવાનને વાડલા ફાટક પાસે બેગ સાથે ઉભો રાખી ટોળકીને પોલીસે જાળમાં ફસાવી
ખાસ-ખબર સંવાદદાતા
મેંદરડાનાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે મેંદરડાનાં યુવાનને વાડલા ફાટક પાસે બેગ સાથે ઉભો રાખી ખંડણી માંગનાર ટોળકીને પોતાની જાળમાં ફસાવી હતી અને જૂનાગઢ એલસીબીએ મહિલા સહિત 3ની અટક કરી હતી.
- Advertisement -
બનાવની મળતી વિગત મુજબ મેંદરડાનાં મનીષભાઇ વઘાસીયાને મહિલાએ ફસાવ્યાં હતાં. કિરણબેન નામની મહિલાએ યુવાન સાથે વાત કરી તેની અટકાયત કરી રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી. મેંદરડાનાં પીએસઆઇ કે.એમ. મોરી સહિતની ટીમે ખંડણી માંગનાર ટોળકીને પકડી લેવા કવાયત હાથ ધરી હતી. પોલીસે યુવાનને જે નંબરમાંથી ફોન આવ્યો હતો તેના પર વાત કરાવી હતી અને રૂપિયાની વ્યવસ્થા થઇ ગયાની ખાતરી અપાવી હતી. બાદ યુવાનને જૂનાગઢનાં વાડલા ફાટક આગળ બેગ સાથે ઉભો રાખ્યો હતો અને તેની આસપાસ પોલીસે નજર રાખી હતી. ત્યારે રૂપિયા લેવા આવતા એલસીબીએ ખંડણી માંગનારને ઝડપી લીધા હતાં. પોલીસે ભાવેશ ઉર્ફે ભાવીન ગાંગાભાઇ દાસા (રે.કેશોદ), પરેશ મંછારામ દેવમુરારી (રે. રાજકોટ), દિનેશ ઉર્ફે દિનીયો અમૃતભાઇ ઠેસીયા (રે. મજેવડી) અને કિરણબેન હિતેષભાઇ ખટારીયા (રે.જૂનાગઢ)ની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.