ખાસ-ખબર સંવાદદાતા
મહારાષ્ટ્રમાં નાંદેડ, ઔરંગાબાદ તથા નાગપુરની સરકારી હોસ્પીટલોમાં દર્દીઓના મોતના સિલસિલાથી ગભરાટ અને આક્રોશનો માહોલ છે ત્યારે રાજયમાં એક વર્ષથી ઓછી ઉંમરના દરરોજ 40 બાળકો મોતને ભેટી રહ્યાનો ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. મોતને ભેટતા આ બાળકોમાંથી ત્રીજા ભાગનાની ઉંમર તો એક મહિનાથી પણ ઓછી હોય છે.નાંદેડની સરકારી હોસ્પીટલમાં 24 કલાકમાં મોતને ભેટેલા 24 લોકોમાંથી 12 નવજાત બાળકો હતા અને જન્મ સાથે શ્ર્વાસોશ્ર્વાસની તકલીફ ધરાવતા હતા.
રાજયના આરોગ્ય મંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે નાના બાળકોના મોત પાછળનું મોટુ કારણ પ્રિમેચ્યોર ડીલીવરી હતી અને તે ચિંતાનો વિષય છે. છેલ્લા કેટલાક વખતથી પ્રિમેચ્યોર ડીલીવરીમાં વધારો થઈ રહ્યો છે. આરોગ્યપ્રદ ખોરાકની ઉણપ અને તે વિશે પર્યાપ્ત જાગૃતિ ન હોવાનું મુખ્ય કારણ છે. ગર્ભવતી લાખો ઝીંક-આયર્ન જેવા તત્વો ધરાવતા ખોરાકની મહત્વતા સમજતી નથી જે બાળકના વિકાસ માટે મહત્વપૂર્ણ હોય છે. તબીબોને એવો દાવો છે કે દર્દીઓને છેલ્લી ઘડીએ અત્યંત ગંભીર હાલતમાં જ લાવવામાં આવતા હોવાના કારણે બચાવી શકાતા નથી.
આમાં ખાનગી હોસ્પીટલોનો પણ ઘણો વાંક છે. કેસ બગડી ગયો હોય અને દર્દીના બચવાની સંભાવના ન હોય ત્યારે સરકારી હોસ્પીટલમાં ધકેલી દેવામાં આવતા હોય છે.
રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે નાના બાળકોને મૃત્યુદર પ્રમાણમાં ઉંચો છે. દેશ લેવલે 77 ટકા બાળમૃત્યુ શહેરી વિસ્તારોમાં જ નોંધાય રહ્યા છે. આરોગ્ય નિષ્ણાંત ડો. રવિ દુગ્ગલના કહેવા પ્રમાણે સ્વાસ્થ્ય એ રાજકીય મુદો ન હોવાને કારણે પ્રાથમીકતા આપવામાં આવતી નથી અને કુલ બજેટમાં આ ક્ષેત્રને માંડ 4 ટકાની ફાળવણી થાય છે.
મહારાષ્ટ્રમાં રોજ એક વર્ષથી ઓછી ઉંમરના 40 બાળક મોતને ભેટે છે !
