2010માં દેશના વર્કફોર્સમાં 26% મહિલા હતી
ખાસ-ખબર સંવાદદાતા
કોરોના મહામારીએ દેશના જોબ માર્કેટને બહુ ખરાબ રીતે અસર કરી છે. કોરોનાની પહેલી લહેર વચ્ચે 25 માર્ચ, 2020થી દેશવ્યાપી લોકડાઉન શરૂ થયું હતું. તેના પગલે લગભગ તમામ ઉદ્યોગો, વેપાર-ધંધા એકાએક ઠપ થઇ ગયા હતા. કેટલાંક અઠવાડિયાંમાં જ દેશભરમાં અંદાજે 10 કરોડ લોકોએ રોજગારી કે નોકરીથી હાથ ધોવા પડ્યા. લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં શ્રમિકોએ વતનમાં પાછા ફરવું પડ્યું. આ દરમિયાન મોટી સંખ્યામાં વર્કિંગ વિમેન્સ વર્કફોર્સમાંથી બહાર થઇ ગઇ. વિશ્ર્વબેન્કના આંકડા મુજબ 2010માં ભારતના વર્કફોર્સમાં વર્કિંગ વિમેન્સ 26% હતી, જે 2020માં 19% થઇ ગઇ હતી અને કોરોના મહામારીથી સ્થિતિ વધુ બગડતા 2022માં વર્કફોર્સમાં વર્કિંગ વિમેન્સ ઘટીને 9% થઇ ચૂકી છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓ વર્કફોર્સમાં પાછી ફરવાની શક્યતા ઓછી છે. તેનાથી વૈશ્વિક અર્થતંત્રને અબજો ડોલરનું નુકસાન થઇ શકે છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશમાં મહિલાઓને ફરી વર્કફોર્સમાં જોડાવાની તકો સાવ ધૂંધળી છે.
- Advertisement -
મહિલાઓ 48% પણ જીડીપીમાં યોગદાન 17%
ભારતની કુલ વસતીમાં મહિલાઓ 48% છે પણ દેશના જીડીપીમાં તેમનું યોગદાન માત્ર 17% છે. ચીનમાં મહિલાઓનું જીડીપીમાં યોગદાન 40% સુધી છે. જાતિ અસમાનતા દૂર કરીને વર્કિંગ વિમેન્સની સંખ્યા વધારાય તો 2050 સુધીમાં વૈશ્વિક જીડીપીમાં 20 લાખ કરોડ ડોલર (અંદાજે 1,552 લાખ કરોડ રૂપિયા) જોડવામાં મદદ મળશે.