ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને જૂનાગઢ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં ગેરકાયદેસર અને લાયસન્સ વગર ફટાકડા (સ્ફોટક પદાર્થ)ના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતા ઈસમો પર વોચ રાખી કાર્યવાહી કરવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઈન્સ. જે.જે. પટેલ અને પોલીસ ઈન્સ. આર.બી. ગઢવી તથા સ્ટાફ દ્વારા ખાનગી બાતમી મળી હતી કે, જૂનાગઢ દાતાર રોડ, શ્યામ ચેમ્બરની સામે આવેલા ભવાની હોલમાં બાકીરભાઈ અઝગરઅલી ભગત રહે. જૂનાગઢ નામનો ઈસમ પોતાના ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના પરવાના વગર ગેરકાયદેસર રીતે ફટાકડા રાખીને વેચાણનો ધંધો કરે છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. દ્વારા ઉપરોક્ત સ્થળે રેઈડ કરવામાં આવી હતી. આરોપી બાકીરભાઈની પૂછપરછ કરતા તેઓ ફટાકડા વેચાણ કરવા કે સંગ્રહ કરવા અંગેનો કોઈ પરવાનો ધરાવતા ન હતા.
એસ.ઓ.જી. દ્વારા તેમના ગોડાઉનમાંથી અલગ-અલગ 22 બ્રાન્ડના કુલ 31 બોક્સ ફટાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની ખરીદ કિંમત રૂપિયા 1,11,430નો મુદામાલ કબ્જે કરી કર્યો હતો. આરોપીએ ગોડાઉન ઉપર ફાયર સેફટીના કોઈ પણ સાધનો ન રાખીને પોતાની તથા અન્ય લોકોની માનવ જિંદગી જોખમાય તે રીતે ગુનો આચરેલ છે. આરોપી બાકીરભાઈ અસગરઅલી ભગત રહે. સુંઘાડીયા બજાર જૂનાગઢ વિરુદ્ધ એ. ડિવિઝન પો.સ્ટે.માં સ્ફોટક પદાર્થ અધિનિયમ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.