SOG પોલીસે ગણતરીની કલાકોમાં જૂનાગઢમાંથી ઝડપી પાડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
- Advertisement -
જૂનાગઢ હનીટ્રેપમાં ફસાવતી ગેંગનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં બે મહિલા સહિત ચાર શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. હનીટ્રેપના બનાવ મામલે જોઇએ તો રાજકોટમાં રહેતા અને ક્ધટ્રકશનનું કામ કરતા ધર્મેશ પ્રવિણભાઇ પંડયાને અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવેલ હતો અને વોટસએપના માઘ્યમથી વાતચીત કરી મેસેજ કરીને રાજકોટના યુવાનને ફસાવ્યો હતો.
આ હનીટ્રેપમાં ધર્મેશ પ્રવિણભાઇ પંડયાને જૂનાગઢ બોલાવી જોષીપરા વિસ્તારના એક મકાનમાં લઇ જઇને મહિલાએ ફસાવવાનો પ્રયાસ કર્યો હતો એ સમયે અન્ય એક મહિલા અને બે શખ્સો આવી ચડયા હતા અને ધર્મેશભાઇ પંડયાને ધાક ધમકી આપી દુષ્કર્મની ફરિયાદ નોંધવાની ધમકી આપી રૂપિયા 25 લાખનું લખાણ કરાવીને ધર્મેશભાઇ પંડયાએ પહેરેલ સોનાની વીટી બળજબરી પૂર્વક કઢાવી લીધી હતી. અને ત્યાર બાદ રાજકોટના યુવકને મુકત કર્યો હતો. આ સમગ્ર બનાવ મામલે હનીટ્રેપમાં ફસાયેલ ધર્મેશ પંડયાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ તેજ કરી હતી.
જૂનાગઢ હનિટ્રેપની ઘટના બનતા એસઓજી પીઆઇ પી.કે.ચાવડા તથા પીએસઆઇ એસ.એ.સોલંકી અને પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી ફુટેજ તેમજ ટેકનિકલ સોર્સના આધારે જૂનાગઢ બાયપાસ ચોકડી પાસેથી હનીટ્રેપના બે આરોપીમાં નિયોજીત નરસિંહભાઇ ઠુંમર રહે.ખીરસરા ઘેડ અને રાહુલ સુરેશ પરમાર રહે.જૂનાગઢવાળાને બાઇક જી.જે.03.એમ.ડી. 3999સાથે બાયપાસ પાસેથી ઝડપી પાડેલ હતા અને આ હનીટ્રેપમાં અન્ય બે મહિલામાં હિનાબેન કાનજીભાઇ વાઢેર રહે.ચોબારી ફાટક પાસે ચાંદ ટાવર જૂનાગઢ અને હીનાબેન રમેશભાઇ વિરડીયા રહે.ખલીલપુર રોડ જૂનાગઢની આ બંને મહિલાને જોષીપરા વિસ્તારમાંથી એસઓજી પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી. હાલ ઝડપાયેલ બે મહિલા સહિત ચારેય શખ્સોને બી-ડીવીઝન પોલીસ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય કોઇ ગુનામાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.