વારસાઈ જમીનમાં થ્રેસર ચલાવવા મુદ્દે પાઇપથી હુમલો કરનાર 2 મહિલા સહિત 4 સામે ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જિલ્લાના જસદણના આંબરડી ગામે વારસાઈ જમીનમાં હક્ક હિસ્સા અંગે ચાલતી અદાવતમાં ભત્રીજા પર કાકાના પરિવારજનોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે થ્રેસર ચલાવતા કાકાને અટકાવતાં કાકી અને તેમની પુત્રીએ આંખમાં મરચાની ભૂંકી છાંટી કાકા અને પિતરાઈએ પાઇપના ઘા ઝીંકી હાથ-પગ ભાંગી નાખતા જસદણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જસદણના આંબરડી ગામે કાંસકોલીયા રોડ પર રહેતા દિનેશભાઈ વલ્લભભાઈ ઓતરાદી નામના 41 વર્ષીય ખેડૂતએ કાકા હિંમત ઓતરાદી, કાકી હેમુબેન, પિતરાઈ રાહુલ અને કાજલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. 07ના તે આંબરડી ગામે કૌટુંબિક ભાઈ ઘનશ્યામભાઈના દીકરાના લગ્ન હોય ત્યાં રસોડે કામકાજમાં મદદ કરાવતો હતો. બાદ લગ્ન પતાવી બપોરે તે દુકાને મસાલો ખાવા જતો હોય ત્યારે જાણવા મળેલ કે, અમારી સંયુક્ત વારસાઈની જમીનમાં મારા કાકા થ્રેસર ચલાવે છે આ જમીન તેના પિતા, કાકા હિંમતભાઈ તથા ફઈઓના ભાગમાં હોય જેથી ઘરે જઈને જમીનના વારસાઈના કાગળ લઈ બાઈકમાં પાછળ ભાઈના દીકરા વિવેકને બેસાડી કાકાને જમીનના કાગળ બતાવવા ગયો હતો. ત્યાં નવાગામનો કરમશીભાઈ તેનું ટ્રેક્ટર અમારી ભાગની જમીનમાં ચલાવતો હતો જેથી તેને ટ્રેક્ટર બંધ કરવા કહેતા કાકા હિંમતભાઈના ભાઈના પત્ની હેમુબેન અને તેમની દીકરી કાજલબેને ઉશ્કેરાઈને તેની આંખોમાં મરચાનો પાવડર નાખી દીધો હતો. બાદ થોડીવારમાં કાકા હિંમતભાઈ, તેનો દીકરો રાહુલ લોખંડના પાઇપ લઈને ધસી આવ્યા હતા અને લોખંડના પાઇપ વડે મને તમાર માર્યો હતો દરમિયાન યુવકને આંખમાં મરચાનો પાવડર જતા બળતરા થવા લાગી હતી દેકારો થતા આજુબાજુમાંથી લોકો એકઠા થઈ જતા સામાવાળા ગાળો બોલતા બોલતા ત્યાંથી જતા રહ્યા હતા અને યુવાનને સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો અને જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.



