હરીપર ગામે ખેડૂતોના 281 ફોર્મમાંથી માત્ર 20 ફોર્મ જ માન્ય રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.28
રાજ્યમાં ગત ચોમાસા દરમિયાન પડેલા અતિભારે વરસાદના લીધે મોટાભાગના ખેડૂતોના વાવેતર કરેલ પાક નિષ્ફળ ગયા હતા જે અંગે રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતોને વળતર ચૂકવવા માટે સર્વે હાથ ધરવા સૂચના આપી હતી. પરંતુ હરીપર ગામે ખેડૂતોને થયેલ પાક નુકશાની બાદ વળતર માટે ભરેલા ફોર્મ રદ કરતા ખેડૂતોમાં રોષ જીવ મળ્યો હતો. ફોર્મ રદ થયેલ હરીપર ગામના ખેડૂતો દ્વારા બુધવારે ધ્રાંગધ્રા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે દોડી જઇ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતો દ્વારા જણાવાયું હતું કે હરીપર ગામના પાસે આવેલ ઈસદ્રા અને વાવડી સહિતના ગામમાં ખેડૂતોને પાક નુકશાની નહિ હોવા છતાં પણ ફોર્મ રદ નથી થયા અને વળતર મળી ગયું હતું જ્યારે હરીપર ગામે ખેડૂતો દ્વારા વળતર માટે કુલ 281 ફોર્મ ભર્યા હતા જેમાંથી માત્ર 20 ફોર્મ જ માન્ય રખાયા હતા અને 261 ખેડૂતોના ફોર્મ રદ કરાયા હતા. ખેતીવાડી અધિકારી પાક નુકશાની અંગે સર્વે પણ હાથ ધરાયો નથી અને ખેડૂતના ખેતર સુધી પણ આવ્યા વગર જ ફોર્મ રિજેક્ટ કર્યા હતા જેથી ખેડૂતોને નુકશાન છતાં ફોર્મ રદ કરી ખેડૂતો સાથે વ્હાલા દવલાની નીતિ અપનાવી હોવાનો ખેતીવાડી અધિકારી પર આક્ષેપ કરાયો હતો આ સાથે ખેડૂતો દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે ટી.ડી.ઓને લેખિત રજુઆત પણ પણ કરાઈ હતી.