ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022થી હિટ એન્ડ રનના કેસમાં સહાય યોજના જાહેર કરવામા આવી છે. જોકે, રાજકોટમા આ યોજના અંતર્ગત 2 વર્ષ બાદ હિટ રનના કિસ્સામાં સહાય આપવાનું શરૂ થયું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા હિટ એન્ડ રનના 2 કિસ્સામાં સહાય મંજૂર કરવામા આવી છે. અત્યારસુધીમાં આ પ્રકારની 10 અરજીઓ કલેક્ટર પાસે આવી ચૂકી છે.
રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનમાં મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને સહાય વધારી રૂ. 2 લાખ કરવામા આવી છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત હિટ એન્ડ રનમાં મૃત્યુના 2 કિસ્સામાં પરિવારજનોને સહાય આપવા માટે જનરલ ઇનસ્યોરન્સ એજન્સીને વિગતો રિપોર્ટ મોકલી આપ્યો છે. આ પ્રકારના કિસ્સાઓમાં કોઈ હતભાગી હોય તો કલેક્ટર તંત્રને જાણ કરે તો અહીંથી ટીમ હતભાગીના પરિવારના ઘરે જશે અને હિટ એન્ડ રનમાં સહાય માટેનું ફોર્મ ભરી આપશે.
રાજકોટ કલેક્ટરે વધુમાં જણાવ્યુ હતું કે, હિટ એન્ડ રનના કિસ્સામાં સહાય માટે અત્યારસુધીમાં 10 અરજીઓ આવી છે. જેમાં જે વ્યક્તિને હિટ એન્ડ રનમાં ઈજા પહોંચી હોય તેઓ અને મૃત્યુના કિસ્સામાં પરિવારજનોએ અરજી કરવાની રહે છે. ઉલ્લેખનીય છે કે, અક્સ્માત સર્જી વાહનચાલક નાસી જાય તેને હિટ એન્ડ રન કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022માં હિટ એન્ડ રન કેસમાં સહાયની યોજના જાહેર કરવામા આવી. જેમાં વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં રૂ. 2 લાખ અને ગંભીર ઈજાના કેસમાં રૂ.50,000ની સહાય ચૂકવવામાં આવે છે.
મામલતદાર 30 દિવસમાં ઇન્વેસ્ટિગેશન કરશે
જેમાં અકસ્માતમાં હતભાગી અથવા પરિવારજનો દ્વારા ફોર્મ 1 ભરવાનું હોય છે. જેમાં નામ, સરનામું, આધારકાર્ડ અને હોસ્પિટલનું નામ લખવાનું હોય છે. જે અરજી ક્લેમ ઇન્કવાયરી ઓફિસર એટલે કે, તાલુકા મામલતદારને સબમિટ કરવાનું હોય છે. જેમાં મામલતદાર 30 દિવસમાં ઇન્વેસ્ટિગેશન કરશે અને ત્યારબાદ કલેક્ટર વળતર ચૂકવવા માટેની અરજીને મંજૂરી આપશે. તે પછી 15 દિવસમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા વળતર ચૂકવવાનું રહે છે.