ન્યૂડ ડાન્સ પાર્ટી બાદ ટોક ઓફ ધ ટાઉન બનેલી ઈમ્પિરિયલ હોટલમાંથી ક્રાઈમ બ્રાન્ચે હિંમતભેર જુગારીઓને ઝડપી લીધાં
જુગાર રમતાં 10 ‘શકુની’ ઉપરાંત ઈમ્પિરિયલ હોટલના મેનેજર અને રિસેપ્શનિસ્ટ સામે પણ ગુનો નોંધાયો: મેનેજર ફરાર
ઈમ્પિરિયલમાં ડીસીપી કક્ષાનાં અધિકારીઓને નો-એન્ટ્રી હતી!
રાજકીય ઓથ ધરાવતાં ઈમ્પિરિયલ હોટલમાં દરોડા પાડવા કે ચેકીંગ કરવું હોય તો થોડા સમય પહેલાં ડીસીપી કક્ષાના અધિકારીઓને નો-એન્ટ્રી હતી. દોઢેક વર્ષ પહેલાં શહેરના ડીસીપી સ્ટાફ સાથે બાતમીના આધારે આ હોટલમાં ચેકીંગ કરવા ગયા ત્યારે હોટલ માલિકને આ અંગેની જાણ તેના ઉપરી અધિકારીને કરતાં તુરંત જ તે સમયના ડીસીપીને ઉપલા અધિકારીએ ફોન પર ખખડાવી નાખ્યા હતા અને કોની મંજૂરીથી હોટલમાં ગયા છો? અને ચેકીંગ ન કરવાની સૂચના આપી હતી.
હોટેલમાં ઘણા સમયથી જુગારધામ ચલાવે છે ખાટડી નામનો શખ્સ?
રાજકોટની નામાંકિત કમ બદનામ વધુ થઈ ગયેલી ફાઈવસ્ટાર હોટેલમાં એક ખાટડી નામનો શખ્સ જુગારધામ ચલાવતો હોવાની વાતે ચકચાર મચાવી છે. આ શખ્સ ઘણા સમયથી ફાઈવસ્ટાર ગણાતી હોટેલમાં મોટાપાયે જુગાર રમાડવાનો ગોરખ ધંધો કરે છે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકારણી, સરકારી અધિકારીઓ, સેલિબ્રિટીઓ વગેરે સહિતનાની ‘ફેવરિટ’ ગણાતી શહેરની ઈમ્પિરિયલ હોટલ ફરી ટોક ઓફ ધ ટાઉન બની છે. આ ફાઈવ સ્ટાર હોટલ છે કે ગેરકાયદે પ્રવૃત્તિનો અડ્ડો? એ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક સમય એવો હતો કે ઉપરી અધિકારીના દબાણના લીધે ડીસીપી કક્ષાના અધિકારી આ હોટલમાં ચેકીંગ માટે જઈ શકતા નહીં પરંતુ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. વિરલ ગઢવીની અધ્યક્ષતામાં બાતમીના આધારે ઈમ્પિરિયલ હોટલમાં દરોડો પાડી જુગારીઓને ઝડપી પાડ્યાનો બનાવ શહેરમાં વાયુવેગે ફેલાતાં શહેરીજનોએ ક્રાઈમ બ્રાન્ચે કરેલી કામગીરીને બિરદાવી હતી. થોડા સમય પહેલાં જ આ હોટલમાંથી ન્યૂડ ડાન્સ પાર્ટીનો મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
હોટેલ ઈમ્પિરિયલમાંથી જૂગારધામ પકડાયા બાદ ડીસીપી ઝોન-1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પિરિયલ પેલેસના સ્યુટ રૂમ નં.605માં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડીને જુગાર રમતાં રાતૈયા ગામના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા, મનિષ રસિકભાઈ સોંડાગર, વિપુલ કાંતિભાઈ બેચરા, રસિક દેવજીભાઈ ભાલોડિયા, રાજન દિલીપભાઈ મહેતા, ભરત મગનભાઈ દલસાણીયા, કરણ ઓધનભાઈ પરમાર, કમલેશ દયાલજીભાઈ પોપટ, અરવિંદ વશરામભાઈ ફળદુ અને પ્રદીપ ધીરૂભાઈ ચાવડાને તીનપત્તીનો જુગાર રમતાં પકડી પાડી તેમની પાસેથી રૂા.10,24,000 રોકડ સહિત કુલ 35 લાખ 17 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
- Advertisement -
ઉપરાંત ઈમ્પિરિયલ હોટેલના મેનેજર જોન કુરિયા કોશને ‘ફોડી’ને રૂમની વ્યવસ્થા થઈ હતી. આ માટે જુગારીઓએ સોહિલ જયેશકુમાર કોઠિયા નામના શખ્સનું આઈડી કાર્ડ પૂરાવા તરીકે ઈ-મેઈલ મારફતે જોનને મોકલ્યું હતું. આ પછી મેનેજર જોને રિસેપ્શનીસ્ટ પ્રિતી રામગુલાબ પટેલને કહ્યું હતું કે નરેન્દ્રસિંહ અથવા વિપુલમાંથી ગમે તે આવે તેને રૂમ આપી દેવાનો રહેશે. જેથી હોટેલના મેનેજર જોન કુરીયા કોશ અને રિસેપ્શનીસ્ટ પ્રિતી રામગુલાબ પટેલની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ છે.