તાલાલા-જામવાળા માર્ગ પહોળો કરવો પ્રજાના આબાધિત અધિકાર છે: વનવિભાગ અવરોધ બંધ કરે
તાલાલા તાલુકા કિસાન સંઘનું મામલતદારને આવેદનપત્ર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા ગીરથી જામવાળા,ઉના જતો સ્ટેટ હાઇવે નાં માર્ગ પૈકી બામણાસા ગીરથી જામવાળા ગીર વચ્ચે ગીરના જંગલમાંથી પસાર થતો 13 કિ.મી માર્ગ પહોળો કરવાની કામગીરી સામે જંગલખાતા એ શરૂ કરેલ આડોડાઈ પ્રજા તથા ખેડૂતોનાં આબાધિત અધિકારો ઉપર તરાપ મારવા બરાબર હોય આ માર્ગ પહોળો કરવા સરકાર તુરંત દરમ્યાનગીરી કરે તેવી માંગણી સાથે તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
તાલાલા,ગીર ગઢડા,ઉના અને કોડીનાર તાલુકાની પ્રજા તથા ખેડૂતો વતી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને મોકલેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે તાલાલા-ઉના સ્ટેટ હાઇવે છે.અંગ્રેજોના વખતથી આ માર્ગનો રાહદારીઓ ઉપયોગ કરે છે અત્યારે આ માર્ગ ઉપર દિવસે દિવસે ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થતો હોય સાંકડા માર્ગને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે જેમાં ચોમાસામાં આ માર્ગ ઉપરથી વાહનો ઉતરી જવા,ઉથલી પડવાનાં બનાવો અવિરત બની રહ્યા છે માટે આ માર્ગ પહોળો કરવો ખૂબ જ જરૂરી બન્યો છે પરંતુ જંગલખાતાના મનઘડીત કાયદાઓ માર્ગ પહોળો કરવામાં અવરોધરૂપ બની રહ્યા છે.પરિણામે તાલાલા થી ઉના જતાં માર્ગ પૈકી બામણાસા ગીર થી જામવાળા ગીર વચ્ચે 13 કિ.મી માર્ગ પહોળો બનતો નથી..
આવેદનપત્રમાં ઉમેર્યું છે કે 1972 માં જ્યારે વન અને પર્યાવરણનાં આબાધિત હક્કોની વહેંચણી કરવામાં આવી ત્યારે જંગલમાંથી પસાર થતી રેલ્વે અને વિવિધ માર્ગો માટે જે નિયમ બનાવવામાં આવેલ જેમાં તાલાલા ગીરથી ઉના જતા માર્ગ પૈકી બામણાસા ગીર થી જામવાળા ગીર માર્ગ 80 ફુટ પહોળાં નાં સ્પષ્ટ ઉલ્લેખ સાથે આ માર્ગના સંપૂર્ણ અધિકાર આર એન્ડ બી ને સોંપવામાં આવેલ છે છતાં પણ પર્યાવરણનાં બહાનાં હેઠળ આ માર્ગ પહોળો બનાવવા માટે જંગલ ખાતું નવાં નવાં નિયમો બનાવી તાલાલા,ગીર ગઢડા,ઉના,કોડીનાર તાલુકાની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોનાં આબાધિત હક્ક ઉપર તરાપ મારી રહ્યું છે જે હળાહળ અન્યાયકારક હોય આ અંગે તુરંત તપાસ કરી 1972 માં બનાવેલ નિયમો ધ્યાને લઈ ચાર તાલુકાની પ્રજા તથા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવો જોઈએ.
અંગ્રેજોના વખતમાં આ વિસ્તારમાં જે માનવ વસ્તી અને સાધનો હતાં તેની સામે અત્યારની વસ્તી તથા સાધનોમાં અકલ્પનીય વધારો થયો છે જે ધ્યાને લઈ તાલાલા ગીરથી ઉના વચ્ચેના 13 કિ.મી સાંકડા માર્ગને પહોળો કરવા જંગલખાતા તરફથી ઉભાં કરવામાં આવતા અવરોધ દૂર કરી તુરંત સહાનુભૂતિપૂર્વક નિર્ણય કરી પ્રજાને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો આ વિસ્તારના ચાર તાલુકાની પ્રજા તથા ખેડૂતો ઉગ્ર જન આંદોલન સાથે રોડ ઉપર ઉતરશે તેવી ચિમકી પણ આવેદનપત્રના અંતમાં આપવામાં આવી છે.
- Advertisement -
આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભરતભાઈ સોજીત્રા,તાલુકા કિસાન સંઘ પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયા સહિત કિસાન સંઘના કાર્યકરો જોડાયા હતા.