સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છતાં તંત્રે કોઈ કામગીરી કરી નહીં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજના ભરપૂર ભંડાર સામે ખનિજ લૂંટનારા લૂંટારા પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે બે વર્ષ પૂર્વે ચાલતા ગેરકાયદે રેતીના ખનન બાદ હવે અહીંના ખનિજ માફિયા દ્વારા કાયદેસર કરી રેતી વોશનો પ્લાન્ટની મંજૂરી લઈ લીધી છે પરંતુ આ મજૂરીની આડમાં ગામના ગૌચર અને સરકારી જમીનમાંથી રેતીનું ખનન કરી ખનિજ માફીયાઓ પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. રાવળીયાવદર ગામે મંજૂરી ધરાવતા રેતી વોશ પ્લાન્ટની આડમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે અનેક વખત ગામના જાગૃત નાગરિકો અને સરપંચ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે પરંતુ તંત્ર આ ખનિજ માફિયાઓને રીતસરનું છાવરતુ હોય તેવું નજરે પડે છે. આ સાથે અહીંથી રેતી ભરેલા ઓવર લોડ વાહનો ફુલ સ્પીડમાં નીકળી ભયજનક રીતે ચલાવતા હોય છે જેના લીધે અનેક વખત અકસ્માતના બનાવો પણ બને છે ત્યારે ખનિજ વિભાગ દ્વારા પણ મજૂરી આપેલ રેતી વોશના પ્લાન્ટ અંગે કેટલાક નિયમો હોય છે જેમાંથી મોટા ભાગના નિયમોનો ઉલળિયો થતો અહીં નજરે પડે છે અને આ તમામ બાબત અંગે વારંવાર ગ્રામજનો લેખિત રજૂઆત પણ કરે છે છતાં પણ તંત્ર દ્વારા “આપના કામ બનતા, ભાડ મે જાયે જનતા” જેવો વ્યવહાર અધિકારીઓનો નજરે પડે છે.