અગાઉ નાગવા બીચ ઉપરનું એક સ્પા તેમજ અન્ય એક ખાનગી હોટેલ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું’તું
રજા અને કમાવવાની સિઝન વખતે જ પ્રશાસનની કાર્યવાહીથી ધંધાર્થીઓ અને દિવ વાસીઓમાં ફફડાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના વણાકબારામાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરતા એક આઈસ ફેક્ટરીને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત એક હોટેલ અને એક સ્પાને તોડી પાડવામાં આવ્યા છે તેમજ અમુક દારૂના બારને પણ બંધ કરવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રશાસને તવાઈ બોલાવી છે. દીવના નાગવા બીચમાં ગેરકાયદે ચાલતા સ્પા પર બુલડોઝર ફેરવી દેવાયું છે તો દીવ શહેરમાં એક ખાનગી હોટેલને તોડી સરકારે જમીન હસ્તગત કરી છે અને હવે દીવના વણાકબારામાં તંત્ર દ્વારા બરફની ફેક્ટરીને સીલ કરી દેવામાં આવતા ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ, દીવના વણાકબારા ગામમાં આવેલી અને 1978 થી ધમધમતી જય મહાકાલ નામની આઈસ ફેક્ટરી પર કાર્યવાહી કરવામાં આવી છે. દીવ મામલતદાર દ્વારા ગત સાંજે આઈસ ફેક્ટરીને તાળા મારી સીલ કરી દેવામાં આવી છે. જાણવા મળતી વિગતો મુજબ આઈસ ફેક્ટરી દ્વારા પોલ્યુશન વાયોલેશન થતું હતું જેના કારણે ફેક્ટરીને પ્રદૂષણ વિભાગ દ્વારા નોટિસ ઇસ્યૂ કરવામાં આવી હતી અને વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું.
જો કે ફેક્ટરી સંચાલક દ્વારા જનરેટર દ્વારા ફેક્ટરીનું કામકામ શરૂ રાખવામાં આવ્યું હતું જેના પગલે પ્રદૂષણ વિભાગ દમણ દ્વારા ફેક્ટરીને સીલ કરવાનો હુકમ કરાતા દીવ મામલતદાર દ્વારા ગઈકાલ સાંજે ફેક્ટરીને સીલ મારી દેવાયું છે. આ ઉપરાંત દીવમાં આવેલી જય શંકર નામની હોટેલને પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવી છે અને જમીનનો કબજો સરકારે લઈ લીધો છે.
એવું પણ જાણવા મળી રહ્યું છે કે દીવના વણાકબારા નજીક અને નાગવા બીચ પર આવેલા ખાનગી દારૂના બાર પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. દારૂના બારની તપાસ હાથ ધરાતા બાર સંચાલકો દ્વારા નોમ્સનું ઉલંઘન કરાયું હોવાનું અને સ્ટોક મુજબ દારૂ ન હોવાનું સામે આવતા બાર ને બંધ કરવામાં આવ્યા છે.
દીવ પ્રશાસન દ્વારા અનેક મામલે તવાઈ બોલાવવામાં આવી રહી છે. જેમાં અનેક લોકોના ગેરકાનૂની બાંધકામોને નોટિસો પણ ઇસ્યૂ કરવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. જો કે આ સમગ્ર મામલે દીવ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. હાલ તો દીવ પ્રશાસન ની કામગીરી ને લય દારૂ ના બાર સંચાલકો અન પરમિશન ધંધા ચલાવતા ઇસમો માં ફફડાટ ફેલાયો છે.