થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં કોલસા માફિયાઓ બેલગામ
તંત્રની નિષ્ક્રિયતાના આક્ષેપો, શ્રમિકો અને ગ્રામજનોના જીવ પર જોખમ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લાની ખનિજ સંપત્તિમાં સૌથી કિંમતી ગણાતું કોલસાનું ખનન છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહ્યું છે. ખાસ કરીને થાનગઢ, મૂળી અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જમીનના પેટાળમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવી રહ્યું છે.
ખનિજ માફિયાઓ દ્વારા કોઈપણ પ્રકારની પરવાનગી વગર જમીનમાં આશરે 100થી 150 ફૂટ જેટલા ઊંડા કુવા ખોદી કોલસો બહાર કાઢવામાં આવે છે. આ ખનનમાં મોટા પ્રમાણમાં પરપ્રાંતીય શ્રમિકોને કોઈપણ પ્રકારની રજિસ્ટ્રેશન, આધાર કાર્ડ અથવા સરકારી દસ્તાવેજ વિના કામે લગાડવામાં આવે છે, જે શ્રમ કાયદાનો ખુલ્લેઆમ ભંગ છે. અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એ પ્રશ્ન પણ મોટો બન્યો છે.
સોશિયલ મીડિયા દ્વારા દરોડાની રેકી
- Advertisement -
ખનિજ માફિયાઓ હવે ટેકનોલોજીનો પણ પુરેપુરો ઉપયોગ કરી રહ્યા છે. વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા અધિકારીઓની હલચલ પર નજર રાખી દરોડા પહેલા જ પોતાના વાહનો અને સામગ્રી હટાવી દેવામાં આવે છે. જેના કારણે તંત્રના દરોડા માત્ર ઔપચારિક પૂરતા જ સીમિત રહી જાય છે.
કડક કાર્યવાહી કરવાની માંગ
સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા ગેરકાયદેસર કોલસા ખનન સામે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય અને ખનિજ માફિયાઓના ગેરકાયદેસર કારોબારને કાયમ માટે બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
વીજચોરી અને વિસ્ફોટકનો ગેરકાયદે ઉપયોગ
કોલસાનું ખનન કરવા માટે ખનિજ માફિયાઓ દ્વારા અનેક જગ્યાએ વીજચોરી કરવામાં આવે છે. વીજ પુરવઠા માટે ગેરકાયદેસર રીતે આખું ટ્રાન્સફોર્મર ઊભું કરી ખનન કાર્ય ચલાવવામાં આવે છે. સાથે સાથે જમીનના પેટાળમાં રહેલા કોલસાને બહાર કાઢવા માટે ભારે પ્રમાણમાં વિસ્ફોટક જથ્થાનો ઉપયોગ થાય છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. સ્થાનિકોનું કહેવું છે કે એટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટકનો ઉપયોગ થતો હોય છે કે કોઈ પણ સમયે આખું ગામ જોખમમાં મુકાઈ શકે. છતાં તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી થતી નથી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે.
બે હજારથી વધુ ખાણો સરકારી ચોપડે નોંધાયેલી
ચોંકાવનારી વાત છે કે સરકારી ચોપડે થાનગઢ, મૂળી અને સાયલા પંથકમાં આ પ્રકારની બે હજારથી પણ વધુ કોલસાની ખાણો ચાલતી હોવાનું નોંધાયેલું છે. છતાં આ ખાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે. તાજેતરમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજભાઈ મકવાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે એક કોલસાની ખાણ દીઠ તંત્રના વિવિધ વિભાગોને દર મહિને અંદાજે 1.70 લાખ રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. આ આક્ષેપોએ સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે.



