મનુષ્ય માત્રની અંતિમ ઝંખના સુખની પ્રાપ્તિ અને આનંદની અનુભૂતિ હોય છે. આવો આનંદ મેળવવા માટે મનુષ્ય સ્વાદિષ્ટ વ્યંજનો, કિંમતી વસ્ત્રો, સુવર્ણનાં અલંકારો, વિશાળ આવાસો અને સુંદર સ્ત્રીઓની પાછળ દોડતો રહે છે. આ દરેક ભૌતિક કામનાની એક મર્યાદા હોય છે. સ્વાદિષ્ટ વાનગીઓની પણ મર્યાદા, વસ્ત્રોની પણ મર્યાદા, આવાસની પણ મર્યાદા, અન્ન અને સુંદર સ્ત્રીમાંથી મળતાં દેહસુખની પણ એક મર્યાદા હોય છે. જો આપણે માત્ર સ્ત્રીસુખની જ વાત કરીએ તો આપણી સામે રાજા ભર્તૃહરિથી લઈને મુકેશ અગ્રવાલ સુધીના પુરુષોના દાખલા હાજર છે. પિંગળા જેવી ખૂબસૂરત સ્ત્રીને પામીને પણ રાજા ભર્તૃહરિને આખરે શું મળ્યું? દુ:ખ અને આઘાત. આધુનિક યુગની સુંદર અભિનેત્રી રેખાના પતિએ આત્મહત્યા શા માટે કરવી પડી? આપણે બધાંની અંગત જિંદગીમાં ડોકિયું કરી શકતા નથી એટલે કોઈ એક સ્ત્રીને દોષ ન આપીએ, પણ એટલું તારણ તો જરૂર કાઢીએ કે પિંગળા હોય, રેખા હોય, લિઝ ટેલર હોય કે લિઝ ટેલરના આઠ આઠ પતિઓ હોય. એ બધાને આખરે તો દુ:ખ જ મળ્યું. આમ થવાનું કારણ શું? શ્રી નાથાભાઈ જોશી કહી ગયા છે કે ભૌતિક વિશ્વની સીમિત વસ્તુઓ કે વ્યક્તિઓ પાસેથી આપણે અસીમિત આનંદ લેવાની ઈચ્છા રાખીએ છીએ જે ભૂલભરેલી છે. જે વસ્તુઓ પોતે જ નાશવંત છે, જે વાનગી થોડા કલાકો પછી વાસી થઈ જાય છે, કોહવાઈ જાય છે. જે ધન ચંચળ છે, આપણી પાસેથી બીજા પાસે પગ કરી જાય છે. જે વિશાળ આવાસો જર્જરિત થઇ જાય છે. જે વસ્ત્રો જીર્ણશીર્ણ થઈ જાય છે. એમાં આપણે અમર્યાદિત સુખની પ્રાપ્તિ માટેની ઈચ્છા સેવીએ છીએ. અહીં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ. અસીમિત સુખ મેળવવું હોય તો આપણે અસીમિત, અનાદિ, અનંત એવા ઈશ્વરના શરણે જવું જોઈએ.