શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણાં બંધન અને મુક્તિનું કારણ આપણું મન જ છે. આપણા સુખ અને દુ:ખનો જન્મ આપણાં મનમાં થાય છે. જો મન ઉપર કાબુ પ્રાપ્ત કરી લેવામાં આવે તો સુખ અને દુ:ખ, જય અને પરાજય, હર્ષ અને શોક આ બધું એક સમાન બની રહે. આપણો અનુભવ છે કે પોતાને સાધક તરીકે ઓળખાવતા મનુષ્યો સામાન્ય જિંદગીમાં સ્થિતપ્રજ્ઞ હોય તેવા દેખાય છે, પરંતુ જ્યારે એમના પરિવારમાં કોઈ દુ:ખદ ઘટના બને છે ત્યારે તેઓ ખળભળી ઉઠે છે. માતા કે પિતાનું મૃત્યુ, યુવાન ભાઈનો ગંભીર અકસ્માત, ધંધામાં મોટી આર્થિક ખોટ કે દીકરીના લગ્નજીવનમાં ભંગાણ જેવી ઘટનાઓ બને છે ત્યારે આ કહેવાતા સાધકો વિચલિત થઈ જાય છે. આમ થવાનું શું કારણ? પૂજ્ય રમણ મહર્ષિ કહેતા કે મોટા ભાગના સાધકો પોતાના મનને સુષુપ્ત કરી નાખે છે, પણ મારી નાખતા નથી. જ્યારે દુ:ખનો પ્રસંગ આવે છે ત્યારે સુષુપ્ત મન ફરી પાછું સક્રિય બની જાય છે. જે સાધકે પોતાના મનને મારી નાખ્યું છે તે જ સાચો સ્થિતપ્રજ્ઞ કહેવાય. એના જીવનમાં કે એની આસપાસના જગતમાં ભયંકરમા ભયંકર દુ:ખદ અથવા ભારેમા ભારે સુખદ ઘટના બને તો પણ તેનું મન પ્રતિક્રિયા આપતું નથી. મારા અને તમારા જીવનમાં પણ કેટલીક દુ:ખદ ઘટનાઓ બનવાની જ છે. આપણે ગમે એટલા ધમપછાડા કરી એ કે વિલાપ કરીએ તો પણ એ બનેલી ઘટનાના ચક્રો પાછા ફેરવી શકતા નથી, માટે શ્રેષ્ઠ ઉપાય એક જ છે કે મનને મારવાનું શીખો.
મન ઉપર કાબુ તો સુખ- દુ:ખ, જય -પરાજય, હર્ષ-શોક એક સમાન બની રહે

Follow US
Find US on Social Medias