પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
દુ:ખ, દર્દ, પીડા, અપમાન, ઈર્ષા આ બધું પ્રેમની જ્વાળાને
સ્પર્શીને રાખ થઈ જાય છે
- Advertisement -
પ્રસ્થાન:
હર ચીઝ હૈ દૌલત વાલો કો,
મુફલિસ કા સહારા દિલ હી તો હૈ,
દુનિયા મેં હમારા દિલ હી તો હૈ.
– સાહિર લુધિયાનવી
એક હતો રાક્ષસ. તે પોતાના કિલ્લામાં લહેરથી રહે. કિલ્લાની આસપાસ મસ્તમજાનો બગીચો; ત્યાં મસ્તમસ્ત ફૂલો ખીલે, પરોઢીએ પક્ષીઓ કલરવ કરે. રાક્ષસભાઈ આમ પાછા સ્વાર્થી, કોઈને બગીચામાં ગરવા ન દે. પછી બન્યું એવું કે તે ગયા પોતાના મિત્ર દાનવને મળવા અને તેનો કિલ્લો અને બગીચો થયા રેઢા. પછી તો શાળાએ જતા બાળકો છૂટીને ત્યાં જ ધામ નાખવા લાગ્યા. એ મોજથી બગીચામાં રમે. બગીચાના બધા વૃક્ષોને પણ બાળકો બહુ વહાલા એટલે તેઓ પણ બાળકોને પોતાની પર ચડીને રમવા દે. પણ .. પણ.. પણ.. સુખના દાડા ક્યાં કોઈના ટક્યા છે! એક દિવસ તે રાક્ષસ આવ્યો પાછોને જોયું તો બધા બચ્ચાઓ તેના બાગમાં ખેલતા હતા.આ જોઈને તો રાક્ષસભાઈ આવી ગયા પોતાની જાત પર. ધુંઆપુંઆ થઈને તેને બધાને તગેડ્યા અને ચણી દીધી એક મોટીબધી દીવાલ બગીચાની આસપાસ. બાળકો તો બધા હિબકે ચડીને ત્યાંથી ગયા પણ આ રાક્ષસને કઈ ફેર પડે! તે તો પાછો મોજથી રહેવા લાગ્યો. આ તરફ બગીચો બાળકો વગર સાવ સૂનો પડી ગયો એટલે ત્યાં દુષ્ટ શિયાળાએ પગપેસારો કર્યો. અને તે કઈ એકલો થોડો આવે! તે પોતાના બે સાગરીતોને સાથે લઈ આવ્યો: હિમ અને પવન. તે બંને ત્યાં હાહાકાર મચાવવા લાગ્યા. વખાના માર્યા રાક્ષસભાઈ ચુપચાપ પોતાની બારીમાંથી આ બધો તાલ જોયા કરે. બહાર નીકળવાના વેંત તો હવે હતા નહી.
એકદિવસ નિદ્રાધીન એવા રાક્ષસભાઈને કાને પક્ષીનું મધુર ગીત પડ્યું અને તે સફાળા જાગ્યા. આશ્ચર્યથી પહોળી થયેલી આંખોને ચોળીને બહાર ગયા તો મનમાં એક જ પ્રશ્ન: આવા ભેંકાર શિયાળામાં આ પક્ષીઓનો કલરવ ક્યાંથી? બારીની બહાર જોયું તો ખબર પડી કે તે બધા બાળગોપાલોએ દીવાલની સાવ નીચે એક નાનકડું છીંડું પાડીને ત્યાંથી બગીચામાં ઘૂસણખોરી કરેલી. બાળકોના કિલકિલાટને કારણે ત્યાં પાછી વસંત આવી ગઈ હતી. રાક્ષાસભાઈના રુદિયામાં વળી રામ વસ્યા કે તે તલ્લીન થઈને આ બાલુડાઓની લીલા જોવા લાગ્યા. પણ ઉદ્યાનના એક ખૂણામાં હજી શિયાળો યથાવત હતો. રાક્ષસે જોયું તો ત્યાં એક નાનું ભટૂરિયું વૃક્ષ પર ચડવા મમતે ફાંફા મારતું હતું. વૃક્ષે પણ મમતાવશ પોતાની શાખા તેની તરફ લંબાવી હતી પણ અરેરે! તે ટાબરિયું એટલું નાનું હતું કે ત્યાં પહોંચી શકતું ન હતું. અને આ જ ક્ષણ હતી કે તે રાક્ષસના પાષાણહ્રદય પર એવો પ્રહાર થયો કે તે ચીરાઇ ગયું. ક્રૂર અને સ્વાર્થી એવા તેણે પોતાના હાથે તે બાળકને તેડીને તે વૃક્ષ પર ચડાવ્યું. પછી તેને એક હથોડો લઈને તે દીવાલને જમીનદોસ્ત કરી નાંખી અને સદાને માટે બાળકોને પોતાના બગીચામાં રમવાની છૂટ આપી.
આની પહેલાના લેખમાં સતરંગી રે ગીત વિશે ચર્ચા કરી તો આજે એવા જ બીજા અત્યંત અસરકારક ગીત વિશે વાત કરીએ.
- Advertisement -
” દિલ હૈ તો ફિર દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા.”
ઓસ્કાર વાઈલ્ડ દ્વારા લિખિત અને મેં અનુવાદ કરેલી ઉપરની વાર્તા અને ગુલઝારે લખેલા આ ગીતમાં સંદર્ભો થોડા અલગ હશે તેમાં મોજુદ તત્વ તો શાશ્વત જ છે: પ્રેમ. હ્ર્દયના કોઈ ખૂણે આતમરામ ભલે સૂતા તો સૂતા હશે પણ વેદનાનો એક પ્રહાર તેમને સહસા જગાડશે અને એ વેદનાની અનુભૂતિ જ એ વાતનો પુરાવો છે કે હજી ક્યાંકને ક્યાંક કેટલાય મેલા પડળોની નીચે ’જળકમળવત’ એવું એ દિલ હશે.
ગુલઝારે દિલ સે… ફિલ્મના શીર્ષકગીતમાં કરેલી કમાલ તો વિસ્તારથી ચર્ચવી પડે. એક પ્રેમીના દિલમાંથી ઉઠતી એક અદની ટીસ પણ કેવી શક્તિશાળી હોય છે!
ઈક સૂરજ નિકલા થા, કુછ તારા પીઘલા થા;
એક આંધી આયી થી, જબ દિલ સે આહ નીકલી થી.
દિલ સે રે……
દિલ તો આખિર દિલ હૈ ના, મીઠી સી મુશ્કિલ હૈ ના.
પિયા પિયા પિયા ના પિયા, જીયા જીયા જીયા ના જીયા.
આગળ સાંભળીએ એટલે ખબર પડે કે સ્ટાર ક્રોસ્ડ લવર્સ અથવા મળેલા જીવની કેવી આકરી કસોટી વિધાતા/કુદરત/ભગવાન લે છે.
દો પત્તે પતઝડ કે પેડો સે ઉતરે થે, પેડો કી શાખો સે ઉતરે થે;
ફિર ઇતને મૌસમ ગુઝરે , વો પત્તે દો બેચારે;
ફિર ઉગને કી ચાહત મેં, વો સહરાઓ સે ગુઝરે.
વો પત્તે દિલ દિલ દિલ થે;
વો દિલ થે દિલ દિલ થે.
ગાલિબે પણ પોતાની પ્રિયતમાને ઉદ્દેશીને કહ્યં છે કે,
તુજ સે કિસ્મત મેં મીરી સુરત એ કુફલે અબ્ઝદ,
થા લિખા બાત કે બનતે હી જુદા હો જાના.
(તારા અને મારા નસીબમાં તાળા અને ચાવી જેવા જ સંજોગો લખાયેલા છે, જેવા આપણા પાસા સવળા પડતા દેખાય કે તેવા જ આપણે અલગ થઇ જઈએ છીએ.) ગીતની વાત આગળ વધારીએ તો..
દિલ હૈ તો ફિર દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા;
મૌસમ ગુઝરતે હી રહતે હૈ….
દિલ સે દિલ સે….
આ પીડા બહુ પવિત્ર છે. વેદના અને પ્રેમની ચાળણીમાંથી ચળાયેલ માણસનું સત્વ બહાર આવે છે. દુ:ખરૂપી જળ માનસમાં હ્ર્દયને માંજીને સાફ કરવાનું કામ કરે છે. ફરીવાર ગાલિબ….
“રોને સે ઓર ઇશ્ક મેં બેબાક હો ગયે, ધોયે ગયે હમ ઇતને કી બસ પાક હો ગયે.”
આતતાયીઓના અત્યાચારોને ચુપચાપ સાંખી લેતી આ દુનિયા બે પ્રેમી એકબીજાને મળે તો જગતકાજીના કિરદારમાં આવી જાય છે ને હવનમાં હાડકા નાખવાનું જ કામ કરે છે પણ મોહબબત જેનું નામ! તે કોઈ બંદીશને ગણકારતી નથી. ગમે તેવી મજબૂત દીવાલને પણ ફાડીને એક નાની કૂંપળ ઉગી તો જાય જ છે.
બંધન હૈ રિશ્તો મેં કાંટો કી તારે હૈ, પત્થર કે દરવાજે દીવારે;
બેલે ફિર ભી ઉગતી હૈ ઔર ગૂંચે ભી ખીલતે હૈ;
ઔર ચલતે હૈ અફસાને, કિરદાર ભી મિલતે હૈ.
વો રિશ્તે દિલ દિલ દિલ થે,
વો દિલ થે દિલ દિલ થે.
મોટેભાગે બને એવું કે આ સમાજ જીવતેજીવ તો મળેલા જીવોને સુખેથી જીવવા દેતો નથી પણ પાછળથી રાંડ્યા પછીનું ડહાપણ લાધે ત્યારે તેમની સમાધિઓ બનાવે છે. સાચો પ્રેમ કાળની થપાટો ખાઈને પણ ટકી જાય છે. દુ:ખ, દર્દ, પીડા, અપમાન, ઈર્ષા આ બધું પ્રેમની જ્વાળાને સ્પર્શીને રાખ થઈ જાય છે. પૂછો મીરાબાઈને, નરસૈયાને કે રાધાને.
ગામ દિલ કે પાસ ચુલબુલે હૈ, પાની કે એ બુલબુલે હૈ;
બુઝતે હૈ બનતે રહતે હૈ, દિલ સે દિલ સે દિલ સે….
ગુલઝારે દિલ થી આ ગીત લખ્યું છે તો રહેમાને દિલથી આ ગીતને સ્વરબદ્ધ કરીએ ગાયું છે. ગીતનું ફિલ્માંકન પણ ઉત્તમ છે. અત્યારે બોલીવુડના કોઈ ફાલતુ ગીતમાં વિદેશના કલાકારોને પરફોર્મ કરતા જોઈ ઉછળતા બચ્ચાઓને કહેવાનું કે પિન્ક ફ્લોયડ તથા માઈકલ જેક્શન જેવા દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલા ધુરંધુર બેસ ગિટારિસ્ટ ગાય પ્રેટ સાથે આ ગીત માટે રહેમાને કોલાબરેશન કરેલ. ગાય પ્રેટે આ ગીતમાં બેસ ગિટાર વગાડેલ.
પૂર્ણાહુતિ:
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– ગની દહીંવાલા