કથામૃત: કાશ્મીર વિધિવત રીતે ભારત સાથે જોડાઇ ગયું હતું. આમ છતાં કાશ્મીરમાં શાંતિ સ્થાપવાના ઉદ્દેશથી લોર્ડ માઉન્ટબેટન આ પ્રશ્ન યુનોમાં લઈ જવા માંગતા હતા અને યુનોની દેખરેખ હેઠળ લોકમત લેવાય એવું ઇચ્છતાં હતા. જવાહર આ માટે સહમત હતા, પણ સરદારનો સખત વિરોધ હતો. સરદાર એવું માનતા હતા કે, આપણો પ્રશ્ન છે અને એને આપણે ઘરમેળે જ પતાવી લેવો જોઇએ. કોઈની મધ્યસ્થીની બિલકુલ જરૂર નથી. આવા કટોકટીના સમયે કાશ્મીરની પ્રજાને સાંત્વના આપવા માટે ભારતના વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરૂ રેડિયો પરથી સંદેશો આપે, એવો એક પ્રસ્તાવ માઉન્ટબેટને રાખ્યો. અને જવાહરલાલે એ સ્વીકાર્યો. સરદાર તે વખતે માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી પણ હતા. પરંપરા પ્રમાણે રેડિયો પરથી પ્રસરિત કરવાના સત્તાવાર પ્રવચનની એક નકલ અગાઉથી માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી તરીકે સરદારને મોકલવામાં આવતી. જવાહરલાલનું વ્યાખ્યાન રાતના સવાઆઠ વાગ્યે હતું, અને સરદારને આ પ્રવચનની નકલ સાંજે સાડાસાત વાગ્યે મળી. રેડિયો પરથી જવાહર જે સંદેશો કાશ્મીરની પ્રજાને આપવાના હતા, એ વાંચતા જ સરદાર ચોંકી ઉઠ્યા. કારણ કે સરદાર હંમેશા જેનો વિરોધ કરતા એ કાશ્મીર પ્રશ્નને યુનોમાં લઈ જવાની વાત જવાહરના પ્રવચનમાં લખેલી હતી. સરદારે એમના સેક્રેટરી શંકરને તાત્કાલિક વડાપ્રધાનના ઘેર ટેલિફોન જોડવાની સૂચના આપી. ટેલિફોન લાગ્યો ત્યારે જવાહરલાલ પ્રવચન આપવા માટે ઘેરથી નીકળી ચૂક્યા હતા.સરદારે શંકરને બીજી સૂચના આપી, શંકર, તમે એક ક્ષણ ગુમાવ્યા વગર રેડિયો સ્ટેશન પહોંચો અને જવાહરને આ વાત બોલતા અટકાવો. એમના પ્રવચનમાં યુનોની દેખરેખ નીચે લોકમત લેવાની વાત કોઈપણ સંજોગોમાં પ્રસરિત થવી ન જોઇએ. નહીંતર દેશ પર આફત આવી પડશે. શંકર ગાડી લઈને રેડિયો સ્ટેશન જવા માટે નીકળી ગયા. સાંજના સમયને કારણે રસ્તામાં ટ્રાફિક પણ ખૂબ હતો. શંકર જ્યારે રેડિયો સ્ટેશન પહોંચ્યા, ત્યારે જવાહરલાલ પેલું અત્યંત વિવાદાસ્પદ વિધાન બોલી ચૂક્યા હતા. સરદારે પણ આ વાક્ય રેડિયો પર ઘેર બેઠાબેઠા સાંભળ્યું અને બાજુમાં બેઠેલા મણિબેનને કહ્યું, મણિબેન, જવાહર એની આ ભૂલ બદલ પેટ ભરીને પસ્તાશે.
અર્થામૃત
- Advertisement -
ઝેરનો રસ એકને મારે છે અને શસ્ત્રથી એક જ માર્યો જાય છે પરંતુ રાજાની મંત્રણામાં કદી ગરબડગોટો વળે છે, તો તેથી તે પ્રજા અને રાષ્ટ્ર સહિત રાજાનો નાશ થાય છે.
બોધામૃત
જીવનના કેટલાક પ્રશ્નો થોડી મથામણ પછી આરામથી ઉકેલી શકાય તેમ હોય; પણ આવા પ્રશ્નોને વધુ ખેંચવામાં આવે તો એ એવો ગુંચવાય જાય કે, કાયમનો માથાનો દુ:ખાવો બની જાય. ઝઘડાઓના નીવેડાઓ બને ત્યાં સુધી આપમેળે જ લાવવા જોઇએ. કારણ કે મધ્યસ્થીની મદદ લેવા જઇએ તો ઘણી વખત ‘ઉલમાંથી ચૂલમાં’ પડવા જેવી સ્થિતિ થાય છે.