રાજકોટ કલેક્ટર તંત્ર જાગે, તો જ કૌભાંડીયાઓ ભાગે
મધ્યાહ્ન ભોજનની સામગ્રી બારોબાર વેંચી મારતાં બાબરિયા-સોલંકી નામનાં ઉંદરડા…
- Advertisement -
સરકારી શાળા નંબર 81 સામે બે ગોડાઉનમાં ચાલતો ગોરખધંધો, તેલનાં ડબ્બા પરથી સ્ટિકર કાઢીને બજારમાં વેંચી મારવામાં આવે છે, અનાજ અને અન્ય સામગ્રી પણ વેંચી નાંખે છે!
ગુજરાતમાં આશરે 30 હજાર શાળાઓમાં 30 લાખ જેટલા બાળકોને રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના થકી પોષ્ટીક નાસ્તો અને ભોજન આપવામાં આવી રહ્યું છે એવું કહેવાય રહ્યું છે જોકે આ અંગેની હકીકત કંઈક અલગ છે. ખાસ કરીને રાજકોટમાં સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ અને પોષણક્ષમ ખોરાક પૂરો પાડી આરોગ્ય સુધારવા, શાળામાં દાખલ કરવા, હાજરી વધારવા,અધવચ્ચે અભ્યાસ છોડી દેતાં અટકાવવાનો હેતુ સર થયો નથી. શાળામાં બાળકોને નાસ્તો તો મળતો જ નથી, એક સમયનું ભોજન મળે છે પણ એ ભોજન માટે ફાળવાતા અનાજમાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદ વારંવાર ઉઠતી આવી છે. આટલું જ નહીં, આ ભોજન પણ બાળકોને પૌષ્ટિક નહીં, રોગિષ્ટ બનાવે તેવું હોય છે. મધ્યાહન ભોજન યોજનાનો ગુજરાતમાં 1980ના દાયકામાં પ્રારંભ થયો ત્યારથી માંડીને એક- દોઢ દાયકા સુધી સ્વનિર્ભર શાળાઓનું ચલણ નહોતું પરંતુ 70 ટકા છાત્રો મધ્યાહન ભોજનનો લાભ લેતા નહોતા એટલે ઘણુંખરૂં અનાજ કેન્દ્ર સંચાલકો વેંચી મારતા હતા. હવે મોટાભાગના ગરીબ છાત્રો જ સરકારીમાં ભણતા હોવાથી લાભાર્થી સંખ્યા પણ મોટી રહેતી હોય છે પરંતુ સંચાલકોને મેલી મથરાવટી હોય તેઓ બાળકોના ભાગના ભોજનનું અનાજ ખુદ ચાઉ કરી જાય છે, બારોબર વેંચી મારે છે.
રાજકોટમાં મધ્યાહન ભોજન એટલે કે મિડ ડે મિલનું એક સેન્ટર ધરાવતા સોલંકીભાઈ અને બાબરીયાભાઈ નામના બે શખ્સો દ્વારા મધ્યાહન ભોજનનું અનાજ બારોબાર વેંચી નાખવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે એવું ચર્ચાઈ રહ્યું છે. આ કૌભાંડ કરવા માટે સોલંકી અને બાબરીયા દરરોજ હજારો રૂપિયાનો હપ્તો પણ મધ્યાહન ભોજન સાથે સંકળાયેલા અધિકારીઓથી લઈને પોલીસને આપી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સોલંકી અને બાબરીયા મધ્યાહન ભોજનનું અનાજ શાપરમાં આવેલી એક કરિયાણાની દુકાન પર પહોંચતું કરે છે. સોલંકી અને બાબરીયાના સરકારી શાળા નંબર 81 સામે બે ગોડાઉન આવેલા છે જે ગોડાઉન બહારથી કારખાના જેવા છે પરંતુ અહીં મધ્યાહન ભોજનના અનાજનું પેકીંગ લૂઝ કરી નાખવામાં આવે છે, તેલના ડબ્બાઓ પરથી સ્ટીકર ઉખેડી નાખવામાં આવે છે અને પછી એ અનાજ સોલંકી અને બાબરીયા બારોબાર વેંચી મારે છે!
- Advertisement -