ઇકોનોમિક્સ વિષયમાં તુષ્ટિકરણનો નિયમ ભણાવવામાં આવે છે. તુષ્ટિ અર્થાત સંતૃપ્તિ. અત્યંત ભૂખ્યો થયેલો મનુષ્ય જ્યારે ભોજનનો પ્રથમ કોળિયો આરોગે છે ત્યારે એને જે સંતૃપ્તિ મળે છે તે એ પછીના પ્રત્યેક કોળીએ ક્રમશ: ઘટતી જાય છે. પ્રથમ કોળિયો આરોગતા પહેલા એની હોજરી પૂર્ણ પણે ખાલી હોય છે. પહેલો કોળિયો હોજરીમાં પડે છે એ સાથે જ એ ખાલીપો ધીમે ધીમે ભરાતો જાય છે. આઠમો કોળિયો, દસમો કોળિયો, વિસમો કોળિયો એમ કરતાં કરતાં આખરે એ સ્થિતિ આવે છે કે માણસ પૂરે પૂરો સંતુષ્ટ થઈ જાય છે. એ પછી તે એક પણ કોળિયો આરોગી શકતો નથી. જો આરોગવાની ફરજ પાડવામાં આવે તો કદાચ ખાધેલા પૂરા ભોજનનું વમન થઈ જાય છે. જગતના તમામ ભૌતિક સુખોનું પણ આવું જ છે.
જે.કૃષ્ણમૂર્તિ કહી ગયા છે કે મનુષ્યને આ તુષ્ટિકરણનો નિયમ ખૂબ નડે છે. કારણ કે જે પદાર્થમાંથી, જે સંબંધમાંથી, જે ક્રિયામાંથી તેને પહેલી વાર અપાર આનંદ પ્રાપ્ત થયો છે એ જ વસ્તુઓનું વારંવાર પુનરવર્તન કરવા માટે તે પ્રયત્ન કરતો રહે છે. પરંતુ આ આનંદ કે સુખ ધીમે ધીમે ઘટતું જાય છે. ભોજનનું ઉદાહરણ તો આ વાતને સમજાવવા માટે છે. સત્ય એ છે કે આ વાત વસ્ત્રો, આભૂષણો, મકાન, સંબંધો અને સેક્સ આ તમામ પદાર્થો અને ક્રિયાઓને લાગુ પડે છે. જ્યારે એકને એક ઘટના કે સંબંધ કે પદાર્થમાંથી મળતો આનંદ વારંવાર રિપિટ થતો જાય તો પછી એનું પ્રમાણ શૂન્યવત બની જાય છે. એટલા માટે જ આપણા શાસ્ત્રો કહે છે કે ત્યાગીને ભોગવી જાણો અને ધીમે ધીમે સમજીને, ચેતીને બાહ્ય સુખોમાંથી મનને ભીતરની દિશામાં વાળી દો. આપણી અંદર સુખનો અને આનંદનો એવો અખૂટ ભંડાર ભરેલો પડ્યો છે કે જેને તુષ્ટિકરણનો નિયમ લાગુ પડતો નથી.