માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે કરોડોની ધીકતી કમાણી અને કેનેડાનું વૈભવી જીવન છોડીને તેઓ ભારત આવ્યા અને સરકારની મદદથી અમદાવાદ ખાતે એક અનોખી કિડની હોસ્પિટલની શરૂઆત કરી
શૈલવાણી
-શૈલેષ સગપરિયા
-શૈલેષ સગપરિયા
ડો. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી એટલે કે ડો. એચ. એલ. ત્રિવેદીને કિડનીની સારવાર બાબતના એના પ્રદાનને બધા જ જાણે છે. ડો. ત્રિવેદીને એના સામાજિક પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ સહીત અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ કેનેડા ખાતે પોતાની સેવાઓ આપતા હતા પરંતુ માતૃભૂમિનું ઋણ અદા કરવા માટે કરોડોની ધીકતી કમાણી અને કેનેડાનું વૈભવી જીવન છોડીને તેઓ ભારત આવ્યા અને સરકારની મદદથી અમદાવાદ ખાતે એક અનોખી કિડની હોસ્પિટલની શરૂઆત કરી.
સેવાનો ભેખ ધરીને વતનમાં આવ્યા બાદ આ સંસારી સંન્યાસી અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા હતા. કિડની હોસ્પિટલના જ એક મકાનમાં રહેતા અને ઓછામાં ઓછી જરૂરિયાત સાથે જીવન જીવતા.
- Advertisement -
એક વખત કોઈ બેંકનો એક કર્મચારી ડો. ત્રિવેદીને મળવા માટે આવ્યો. ડોક્ટર સાહેબનું નામ બહુ મોટું હતું એટલે ખર્ચાઓ પણ એટલા જ મોટા હશે એવી માન્યતા સાથે આ ભાઈ ડો. ત્રિવેદીને મળવા માટે આવેલા.
સાહેબે એમણે મળવા આવવા માટેનું કારણ પૂછયું એટલે પેલા ભાઈએ કહ્યું, “સાહેબ, આપનું નામ બહુ સાંભળ્યું છે. આપ જે સેવા કરો છો તેની નોંધ લઈને અમારી બેંક આપને એક ક્રેડિટકાર્ડ આપવા ઈચ્છે છે.”
- Advertisement -
ડોક્ટર ત્રિવેદીએ કશું જ ન જાણતા હોય એવા ભોળા ભાવથી પૂછયું, “ભાઈ, એ ક્રેડિટકાર્ડથી શું ફાયદો થાય ?”બેંક કર્મચારીએ કહ્યું, “સાહેબ, આપની પાસે હાથ પર રૂપિયા ન હોય તો પણ આપ ખરીદી કરી શકો અને પછી અમુક મુદત બાદ આપ એ પૈસા બેન્કને ચૂકવી શકો. આ માટે આપે કોઈ વ્યાજ આપવાની પણ જરૂર નથી.”
ડો. ત્રિવેદીએ એ ભાઈને કહ્યું, “તો તો મારે આવા કાર્ડની કોઈ જરૂર જ નથી.”
પેલા કર્મચારી પૂછયું, “કેમ જરૂર નથી સાહેબ ? ક્રેડિટકાર્ડ સાથે હોય તો વગર પૈસાએ પણ ખરીદી કરી શકાય.”
ડો. ત્રિવેદીએ એ ભાઈને કહ્યું, “જો ભાઈ, હું અહીં આ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ રહું છું. ખરીદી કરવાનું કામ મારા ધર્મપત્ની કરે છે. એ મોટા ભાગે આજુબાજુના વિસ્તારમાંથી જ વસ્તુઓ ખરીદે છે, જ્યાં રહેતા મોટા ભાગના લોકો અમને નામથી અને કામથી ઓળખે છે. કેટલીકવાર એવું બને કે જેટલી રકમની વસ્તુઓ ખરીદી હોય એના કરતા ઓછા પૈસા પાસે હોય. આવા સંજોગોમાં વેપારીઓ મારા ધર્મપત્નીને કહે છે કે બહેન, અમે સાહેબને ઓળખીએ છીએ તમતમારે વસ્તુ લઇ જાવ અને પૈસા પછી આવતા જતા આપી જજો. હવે તમે જ મને કહો કે મારે તમારા કાર્ડની શું જરૂર ? મારી પાસે કાર્ડ ભલે ન હોય પણ ક્રેડિટ બહુ છે.”
આપણા જીવન અને કાર્ય દ્વારા આબરૂ ઉભી કરવી કારણ કે એના કરતા મોટી સંપત્તિ બીજી એક પણ નથી. જો આપણી પાસે ક્રેડિટ‘હાર્ટ’ હશે તો ક્રેડિટ‘કાર્ડ’ની જરૂર નહીં પડે.