ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
હેરાની થાય છે કે જૂનાગઢ મનપાના પૂર્વ કમિશનર દ્વારા બાંધકામ મંજૂરી આપેલ 29 ફાઈલોની બાંધકામ મંજૂરી વર્તમાન કમિશનરે સ્થગિત કરી દીધી છે. તેની ખરાઈ કરવાની બાબત પણ ખોરંભે પડી છે, જેના લીધે જૂનાગઢના મોટાભાગના બાંધકામ પ્રોજેક્ટ ઠપ્પ થઈ ગયા છે. આશ્ર્ચર્યની વાત એ છે કે આ મંજૂરી વખતે સરકારની બધી જાતની ફી પણ ચૂકવવામાં આવી હતી. લોકોએ લોન પણ મંજૂર કરાવી લીધી છે અને બાંધકામ શરૂ કરવાની તૈયારીમાં હતા પણ સરકારે 29 ફાઈલોની બાંધકામ મંજૂરી સ્થગિત કરીને હેરાન કરવાનો નવો રસ્તો શોધ્યો છે.
- Advertisement -
બાંધકામ મંજૂરી માટે વર્ષોથી બદનામ જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂડા દ્વારા ગત વર્ષે અપાયેલી 29 મંજૂરીઓ સ્થગિત કરી ફરીથી તેની ખરાઈ કરવા અને તે સમયે જે સ્થિતિ હતી તે જાળવવા હુકમ કર્યો હતો અને ત્યારબાદ સરકાર દ્વારા ઝાંઝરડાની ટી.પી. સ્કીમ 5 અને 7 દ્વારા રિફ્યુઝ કરવામાં આવી હતી. હવે સવાલ એ છે કે જે મંજૂરી સ્થગિત કરવામાં આવી છે તેમાં જુડા, મનપાનો અભિપ્રાય પણ આવી ગયો હતો અને એની સાથે સાથે તમામ ખાતરી બાદ અરજદારોને વેલીડેશન સર્ટિફીકેટ, લે આઉટ પ્લાન, સ્ક્રુટી ફી, એમિનીટી ફી સહિતની ફી સરકારમાં ચૂકવવામાં આવતી ગઈ હતી. લોકો બાંધકામ માટે લોન પણ લઈ લીધી છે અને બાંધકામ શરૂ પણ કરવામાં હતા અને પાછળથી બાંધકામ સ્થગિત કરી લોકોની પીઠ પાછળ ઘા માર્યો છે.આ અંગે બાંધકામ ધંધાર્થીઓએ મુખ્યમંત્રી અને કમિશનરને રજૂઆત કરી હતી. જેમાં એક કમિશનરે મંજૂરી આપી છે અને બીજા કમિશનરે જ બાંધકામ મંજૂરી સ્થગિત કરી છે. કમિશનર દ્વારા 1-6-2024ના બાંધકામ મંજૂરી સ્થગિત કરવા હુકમ કર્યો હતો, પરંતુ તે તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ થયો હતો. અમુક સ્થળે તો રસ્તા અને ગટર પણ બની ગયા છે. ટેનામેન્ટની મંજૂરી મળી ગઈ છે તો આવા કિસ્સામાં શું કરવું? એ એક પ્રશ્ર્ન છે. કમિશનર દ્વારા કરવામાં આવેલા નિર્ણયમાં ફેરવિચારણા કરવા માંગ કરવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે ઝાંઝરડા ટી.પી. સ્કીમ નં. 5 અને 7 રિફ્યુઝ કરવામાં આવી છે, આથી હવે જે અરજદાર અરજી કરશે તેની મંજૂરી અંગે પુન:વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે એટલે કે ફરીથી એકડો ગોઠવો છો?
- મુખ્યમંત્રી પોતે રિયલ એસ્ટેટથી સંકળાયેલા છતાં કોઈ નિવારણ નથી!
- સંવેદનશીલ સરકારના સાંસદ અને ધારાસભ્ય ધ્યાન આપશે ખરા?
- 1500 પ્લોટ ધારકોનું નિવેશ અંધારામાં, કોઈ સંભાળવાવાળો નથી
- પૂર્વ કમિશનરે મંજૂર કરેલી બાંધકામની ફાઈલ સ્થગિત કરાઈ
- લોકોની પીઠ પાછળ મનપાએ ખંજર ભોંક્યું, લોકોમાં રોષ