ચાઈનીઝ ડ્રેગન નામે ઓળખાતા ફળનું નવું નામકરણ ‘કમલમ’ યોગ્ય છે.
માર્કેટિંગ એક્સપર્ટ ચીને ચાલાકીપૂર્વક અમેરિકાનાં ફળને પોતાનું ફળ સાબિત કરી નિકાસ વધારી, ચીની દંતકથાઓએ અમેરિકાનાં પિતાયા ફળને ચાઈનીઝ ડ્રેગન બનાવી દીધું!
સેક્યુલરોથી લઈ લિબરલોને ‘કમલમ’ નામ કમળમાં રહેલા કાંટાની જેમ ચૂભ્યું છે.
– ભવ્ય રાવલ
ચીની દંતકથા અનુસાર, ચીનમાં એક અજગરનો ભયંકર ત્રાસ હતો. તે પોતાના મોઢામાંથી આગની જ્વાળાઓ કાઢી બધું ભસ્મીભૂત કરી નાખતો. જ્યારે એ અજગર જેવો રાક્ષક પોતાના મોઢામાંથી આગ કાઢી શક્યો નહીં ત્યારે બહું પ્રયત્નો બાદ તેના મોઢામાંથી આગની જગ્યાએ માંસનાં લોચા જેવું કશુંક નીકળ્યું. એ રાક્ષસનાં મોઢામાંથી માંસનાં લોચા જેવું કશુંક નીકળતાની સાથે જ રાક્ષસ ગાયબ થઈ ગયો. એ માંસનાં લોચા એ જ રાક્ષસને માર્યો અને એ માંસનો લોચો જ આપણી અંદર રહેલા રાક્ષસોને પણ મારશે એવી માન્યતા બંધાઈ ગઈ. તેથી એ માંસનાં લોચાને જમીનમાં ડાટી દેવામાં આવ્યો. તેની પૂજા કરવામાં આવી. એ જમીનમાં દાટેલા માંસનાં લોચામાંથી ફૂલ થયા અને ફૂલમાંથી ફળ થયા. હવે આ ફળનું નામ શું રાખવું? એ ફળની ત્વચા ડ્રેગન જેવી હતી એટલે ચીનનાં રાજાનાં કહેવાથી એનું નામ ચીનમાં ડ્રેગન રાખવામાં આવ્યું.
આ ફળની નિકાસમાં અમેરિકા, વિયતનામ, ઈઝરાયેલ દેશ અગ્રેસર હતા પરંતુ એશિયન માર્કેટિંગ એક્સપર્ટ ચીને વધુ એક અન્ય દંતકથા પ્રચલિત કરી આ ફળને ચાઈનીઝ ડ્રેગન બનાવી દીધું. આ દંતકથા અનુસાર, હજારો વર્ષો પહેલા યુદ્ધ દરમિયાન જ્યારે ડ્રેગને છેલ્લો શ્વાસ લીધો ત્યારે તે અંતિમ શ્વાસમાંથી આગની જગ્યાએ આ ફળ આવ્યું. જ્યારે ડ્રેગનની હત્યા કરવામાં આવી હતી ત્યારે વિજેતા સૈનિકો દ્વારા આ ફળ લઈ કિંમતી ખજાના તરીકે રજૂ કરવામાં આવ્યું. આ ફળની ખેતી કરી એવું જાહેર કરવામાં આવ્યું કે. આ ફળ ખાવાથી ડ્રેગન જેવી તાકાત – શક્તિ મળે છે. ફળમાં રહેલા ગુણોને કારણે આ દંતકથા લોકપ્રિય પણ થઈ. અંતે 1960 આસપાસ તે ફળ ચીન અને આસપાસ દેશોમાં ’ચાઈનીઝ ડ્રેગન’ તરીકે ઓળખવા લાગ્યું. પરંતુ આ ફળ તો હજારો વર્ષોથી અમેરિકામાં હતું જ અને હજુ પણ એનું મૂળ અને કુળ અમેરિકામાં જ છે. ચીને ચાલાકીપૂર્ણ આ ફળ પોતાના દેશનું હોવાનું સાબિત કરી તેને ચાઈનીઝ ડ્રેગન નામ આપ્યું અને ભારતમાં પણ તે ફળ ચાઈનીઝ ડ્રેગન તરીકે ઓળખાયું. ભારતે પણ તે ફળને ચાઈનીઝ ડ્રેગન તરીકે સ્વીકારી લીધું.
બસ આ જ વાત છે, દંતકથાઓનાં આધારે અને જે ફળની ત્વચા ડ્રેગન જેવી લાગી તો તેનું નામ ડ્રેગન રાખી દેવામાં આવ્યું તો ગુજરાતમાં જે ફળની ત્વચા કમળ જેવી લાગે છે તેનું નામ કમલમ રાખી દેવામાં આવે તો ખોટું શું છે? હકીકતમાં ચીની દંતકથામાં જે ફળનું નામકરણ ડ્રેગન કરવામાં આવ્યું છે એ ફળનું નામ બધા દેશ-પ્રદેશોએ પોતાની મનસૂફી મુજબ અલગ-અલગ પાડ્યું છે. મૂળ અમેરિકાની શોધ એવા આ કેકટસ પ્રજાતિનાં પિતાયા ફળનું વૈજ્ઞાનિક નામ હિલોસેરસ અંડસ છે. જેની ત્રણેક જેટલી પ્રજાતિઓ છે. આ ફળ રાતનાં પણ વૃદ્ધિ પામે છે એટલે તેને ’ક્વીન ઓફ નાઈટ’નાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ સિવાય તે ’હોનોલુલુ રાણી’ તરીકે પણ ઓળખાય છે. મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં આ ફળને ’સુપર ફૂડ’ તરીકે સંબોધવામાં આવે છે. આ સિવાય જુદા-જુદા દેશોમાં ’પિતાયા’, ’પિતાહાયા’, ’સ્ટોબેરી પિયર’, ’નાશપતિ’ વગેરે ડઝનેક અલગ-અલગ નામે આ ફળ ઓળખાય છે. અને ગુજરાતમાં આ ફળ હવેથી ’કમલમ’નાં નામે ઓળખાશે.
- Advertisement -
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ફળનું નામ કમલમ બહુ જ સમજી-વિચારી બરાબર રાખ્યું છે. કારણ કે આ ફળ તો સૌ પ્રથમ એક ફૂલ જ હોય છે અને ફૂલમાંથી ફળ બને છે. કમળ પણ ફૂલ છે જેનું સંસ્કૃત નામ કમલમ છે. આ ફળ પણ સૌ પ્રથમ ફૂલ જ છે અને વળી, કમળ જેવું દેખાઈ છે એટલે આનું નામ કમલમ યોગ્ય છે. બહુ સીધી-સરળ વાત છે, પિતાયાનું નામ ચીન વાહિયાત દંતકથાને આધારે ડ્રેગન રાખી શકે તો આપણે વાસ્તવિક તથ્યોને આધારે કમલમ કેમ ન રાખી શકીએ? કોઈ ફળનું નામ ડ્રેગનમાંથી કમલમ પાડવામાં આવે તો એમાં રાજનીતિકરણ નહીં, રાષ્ટ્રનીતિકરણ છે. લોજીક લગાવવાની બાબતમાં આપણને લમણા લેવા ગમે છે અને જ્યાં કોમનસેન્સ જોઈએ ત્યાં આપણને કોમેડી કરવી સૂઝે છે. ગૂગલ હાથવગુ હોવા છતાં કોઈને ઊંડો અભ્યાસ કરવો નથી.
મૂળ અમેરિકાનાં ફળ પિતાયા, જેનું નામ ચીને ડ્રેગન પાડ્યું છે એ જ નામથી એ ફળને આપણે કેમ સંબોધવું? હવે તો સંતાનોનાં નામ ફૈબા પાડતા એ જમાનો પણ ગયો. આપણા બાળકોનું નામ આપણે પાડીએ છીએ એમ આપણે આપણા ફળનું નામ ન રાખી શકીએ? ચાઈનીઝ ભેળ જ લઈ લ્યો. અમેરિકન મકાઈ લઈ લ્યો. સિંગાપુરી નુડલ્સ અને હૈદરાબાદી બિરયાની! કોણે પાડ્યા છે આ નામ? અંગ્રેજીમાં એપલ, હિન્દીમાં સેબ અને ગુજરાતીમાં સફરજન, અંગ્રેજીમાં બનાના, હિન્દીમાં કેલા અને ગુજરાતીમાં કેળા, અંગ્રેજીમાં ગ્રેપ્સ, હિન્દીમાં અંગૂર અને ગુજરાતીમાં દ્રાક્ષ. વગેરે વગેરે.. કોણે પાડ્યા આ ફળોનાં ગુજરાતી નામ? અને આવી જ રીતે ગુજરાતીમાં પિતાયા કે ડ્રેગનનું નામ કમલમ કેમ ન પાડી શકાય? કાળાને કાળું, ધોળાને ધોળું કહેવામાં ખોટું શું છે? તો પછી કમળ જેવા દેખાતા ફળને કમલમ કહેવામાં ખોટું શું છે? પણ ના, અમુકને તો માત્ર કોઈપણ બાબતે ઉધામા જ લેવા છે. અને આ અમુક લોકોની માનસિકતા જ છતી કરે છે કે તેઓ ચીન તરફી છે, તેમને પાકિસ્તાન સાથે પ્રેમ છે. દુશ્મનો એમને દોસ્ત લાગે છે અને હિતેચ્છુઓને તેઓ હરિફ સમજે છે.
ટૂંકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ ફળનું નામ કમલમ સિવાય ગમે તે રાખતા તો બધાને બહુ ગમતું પરંતુ તે કમળ જેવું દેખાય છે અને કમલમ રાખ્યું એટલે લોકોને ગમ્યું, ન ગમ્યું કે હાંસીપાત્ર ઘટના બની હોય એવું નથી. હકીકતમાં ચૂનંદા લોકોને આ ફળનું નામ કમલમ પડ્યું એ એટલે નથી ગમ્યું કારણ કે, ભાજપ કાર્યાલયનું નામ કમલમ છે. ભાજપનું ચૂંટણી ચિન્હ કમળ છે. અને એટલે જ અમુક લોકોને આ ફળનું નામ કમલમ રાખવામાં આવતા તે નામ કમળમાં રહેલા કાંટાની જેમ ચૂભ્યું છે. બુદ્ધિહીન લોકો આ ફળનું નામ કમલમ રાખવા પાછળનો આશય સમજી શકતા નથી અને તેને પણ રાજનીતિ સાથે જોડી દે છે! ન માત્ર સેક્યુલરો પરંતુ બોલિવૂડની લિબરલ ગેંગને પણ કમલમ નામ પસંદ પડ્યું નથી. ખેર, જેમને વાહિયાત વિરોધ જ કરવો છે, તપાસની જગ્યાએ તથ્યહીન તર્ક જ કરવા છે તેમના માટે તો આ લેખ પણ વાસ્તવિકતાથી જોજનો દૂર લાગવાનો પરંતુ જેને ખરેખર નિષ્પક્ષતાથી કશું જાણવું છે, તટસ્થતાથી કશું સમજવું છે તેમને જ આ લેખમાં રજૂ કરેલી વાત વાસ્તવિક લાગવાની. મારી દૃષ્ટિએ ચાઈનીઝ ડ્રેગન નામે ઓળખાતા ફળનું નવું નામકરણ કમલમ યોગ્ય છે.
- Advertisement -
‘ડ્રેગન’ ફ્રૂટનો ઇતિહાસ
સૌ પ્રથમ અમેરિકાએ આ ફળની ખેતી શરૂ કરી હતી. ત્યારબાદ તે એશિયાનાં અમુક દેશોમાં આવ્યું. આજે પણ અમેરિકા, થાઈલેન્ડ, જાપાન, વિયતનામ, શ્રીલંકા, ઈઝરાયલ, મેક્સિકો, કંબોડિયા, મલેશિયા, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં અને હવે તો ભારતમાં પણ આ ફળની ખેતી થાય છે. પણ હા, એનું મૂળ અને કુળ તો અમેરિકા જ છે. આ ફળ ખરેખર મધ્ય અને દક્ષિણ અમેરિકાનું છે અને એનું નામ ‘ડ્રેગન’ નહીં ’પિતાયા’ – ‘પિતાહાયા’ છે. અલગ-અલગ દેશ-પ્રદેશમાં તે વિવિધ નામે જાણીતું છે.