શાહનામા
– નરેશ શાહ
આજથી ત્રણસો વરસ પહેલાં સુધીની જે ખૂનામરકી થઈ છે, તેનાથી કશુંજ બદલ્યું નથી. ફ્રાંસ આજે પણ ફ્રાંસ છે. ઈટલી, ઈટલી જ રહ્યું છે. જર્મની પણ જર્મની જ છે. આજના જર્મનીની, બીજા રાષ્ટ્રો પર વિજય મેળવવાની રતિભાર પણ આકાંક્ષ્ાા નથી, આ મારો દાવો છે.
ગળે ન ઉતરે એવા આ શબ્દો ક્રુરતમ સરમુખત્યાર તરીકે નામચીન હિટલરના છે અને જર્મનીના સર્વેસર્વા બન્યાના ચાર-ચાર વરસ સુધી તેના ભાષણોમાં આવો સૂર રહેતો હતો. શબ્દોની આવી ગળચટૃી જબાનને કારણે જ બ્રિટન, ફ્રાંસ સહીતના રાષ્ટ્રો હિટલરના ઓસ્ટ્રિયા – ચેકોસ્લેવિક્યા જેવા દેશો પરની ચઢાઈ પછી પણ શાંતિદૂત શાસક હોવાની ગફલતમાં રહ્યા હતા. અલબત્ત, એ ભ્રમ 1938 આસપાસ તૂટવાનો શરૂ થયો પણ ત્યારે અડધો ડઝનથી વધારે દેશ જીતી ચૂકેલાં જર્મની (હિટલર વાંચો) નો પારો સાતમા આસમાને ચઢી ગયો હતો અને હિટલરના ગુમાને આખી દુનિયાને (1939માં) બીજા વિશ્ર્વયુદ્ધમાં હોમી દીધી. ટ્રેજેડી એ હતી કે 1933માં 46ની ઉંમરે જર્મનીના ચાન્સેલર બન્યા પછી શામ, દામ, દંડ, ભેદથી તેના સરમુખત્યાર બનીને બાર વરસ અને આઠ મહિનામાં દુનિયાને ઊંધીચતી કરી દેનારા હિટલરે (જર્મનીને પ્રથમ વિશ્ર્વયુદ્ધ પછી થયેલાં ઘોર અન્યાયનો બદલો લેવા) જે કંઈ ર્ક્યું તેમાંની ઘણી બધી વાતોનો ખુલાસો તેણે અગિયાર વરસ પહેલાં(19ર4માં) જ કરી દીધો હતો, કરુણતા એ રહી કે ત્યારે કે એ પછી પણ કોઈએ તેને ગંભીરતાથી લીધી નહોતી.
- Advertisement -
જર્મનીના સર્વેસર્વા બન્યા પછી એક બાહોશ રાજનીતિકારની જેમ ચાર જ વરસમાં જર્મનીને જોમવંતુ અને જોરદાર બનાવી દેનારા હિટલરે આ વરસો દરમિયાન દુનિયા આખીના આકાઓને ભ્રમમાં જ રાખ્યા પણ 1937 પછી તેણે દુનિયા જીતવા નીકળેલા યોદ્ધાની જેમ પાંખો ફેલાવવાની શરૂ કરી અને સૌથી પહેલાં ઓસ્ટ્રિયા (હંગેરી)ને જર્મનીની મુઠ્ઠીમાં લઈ લીધું. હિટલરના પ્રચંડ જર્મન-પ્રેમ અને યહૂદી-નફરતને જ જાણતાં લોકોને સ્મરણ રહે કે હિટલરનો જન્મ ઓસ્ટ્રિયામાં થયો હતો. પોતાની જ માતૃભૂમિ સિફતપૂર્વક ગલોફામાં લીધા બાદ હિટલરે ચેકોસ્લાવેક્યિા, પોલેન્ડ, નોર્વે, ડેન્માર્ક, હોલેન્ડ, બેલ્જીયમ અને ફ્રાંસને જર્મન સોલ્જરના બૂટ હેઠળ ચગદી નાખ્યા પછી તેણે રશિયા અને બ્રિટનને કચડવા માટેના પણ ભરપુર આક્રમણ ર્ક્યા હતા. (રશિયાના સ્તાલિન સાથેનું યુધ્ધ તો લાગલગાટ છ વરસ ચાલ્યું હતું) હિટલરના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે એનો અહેસાસ અને પ્રતિ લડત આપવાની જાગૃતતા તો મિત્રદેશોને (રશિયા, બ્રિટન, અમેરિકા) બહુ મોડી આવી પણ જર્મનીએ આ રીતે ચઢાઈ કરીને પોતાનો ફેલાવ કરીને એકચક્રી શાસન કરવું જોઈએ એવું તો ખુદ હિટલર 1924માં જ લખી ચૂક્યો હતો.
1925માં એ તમામ વાતો મે કેમ્પફ (મારો સંઘર્ષ) નામથી તેની આત્મકથામાં પ્રગટ થઈ ચૂકી હતી. આ આત્મકથામાં હિટલરે અનેક ઠેકાણે જર્મનીએ શું અને કેમ કરવું જોઈએ તેની સંભવિત રૂપરેખા આપી હતી. હિટલરે લખ્યું છે કે, આજે જર્મનીમાં આઠ કરોડ લોકો છે. મારી વિદેશ નીતિની સફળતા એ હશે કે સો વરસ પછી પચ્ચીસ કરોડ જર્મનીઓ ફ્રાંસથી રશિયા સુધી રહેવા માંડશે. સૌથી પહેલાં આપણે પોલેન્ડ અને ફ્રાંસને કચડી નાખવા પડશે, એ પછી મોટી સંખ્યામાં જર્મનીઓ રશિયામાં પોતાની જમીન મેળવી લેશે.
મિત્રરાષ્ટ્રોની પચાસ લાખની સેના અને શસ્ત્રસરંજામ સામે જર્મની અડિખમ રહી શક્યું નહીં : બેશક, તેમ છતાં કોઈ હિટલરને ઝૂકાવી શક્યું નહોતું, કારણકે જર્મની પર પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવાની મમત ધરાવતાં હિટલરે આત્મહત્યા કરી કરી લીધી હતી.
- Advertisement -
1923ના એક નિષ્ફળ બળવા પછી પકડાયેલા આ નાઝી નેતાને પાંચ વરસની ઓપન એર જેલની સજા થઈ હતી, જે નવ મહિના પછી રદ કરી નાખવામાં આવેલી. જેલવાસના એ દિવસોમાં લખેલી આત્મકથા 1925માં પ્રસિદ્ધ થઈ ત્યારે હજુ હિટલરનો ખાસ દબદબો નહોતો. એ વરસે તેની આત્મકથાની 6900 જેટલી જ કોપી વેચાઈ હતી (1930માં તેમાં એક ચેપ્ટર ઉમેરાયું અને હિટલર તેમજ તેની નાઝી પાર્ટીનું પ્રભુત્વ વધ્યા પછી) 1930માં તેની પ4000 કોપી વેચાઈ હતી. આ આત્મકથામાં તેણે અનેક વાતો એવી કરી છે કે જેમાં તેની છૂપી મહત્વાકાંક્ષા અને મનોબળ ઉપરાંત માતબર નોલેજ પણ વ્યક્ત થાય છે. એક જગ્યાએ તેણે લખ્યું છે કે, રશિયા સાથે સંધિ કરવી એ જર્મની માટે વિશ્વયુધ્ધે આમંત્રણ આપવા જેવું થશે. આના પરિણામે, જર્મનીનો સર્વનાશ પણ થઈ શકે છે.
આમ જૂઓ તો થયું પણ એવું જ. પોલેન્ડને કોઈપણ રીતે જીતવા માટે હિટલરે (પોતાની જ વાત ભૂલીને) રશિયાના સ્તાલિન સાથે નમતું જોખીને સંધિ કરી હતી પણ ખેપાની સ્તાલિને ગુલાબની સામે આખો બગીચો માંગી લેવા જેવી શરતો રાખેલી. કમને, હિટલરે તે માન્ય રાખેલી અને જર્મનીના જોખમે-હિસાબે પોલેન્ડ જીતીને (કરાર પ્રમાણે) તેનો કિંમતી હિસ્સો રશિયાને આપી દેવો પડયો હતો. સ્તાલિન અને રશિયા સામેની મજબૂરીવશની દાઝ કાઢવા માટે પછી હિટલરે રશિયા પર આક્રમણ કરેલું. વિરાટ અને વિકરાળ રશિયા પર જર્મન સૈન્ય મોકલીને છેક મોસ્કોની નજીક પહોંચી જનારા હિટલરના સૈન્યને સ્તાલિનની ખડતલ સેના અને રશિયાના થીજાવી દેતા શિયાળાએ પાછુંપાડી દીધું દરમિયાન મિત્રરાષ્ટ્રોની પચાસ લાખની સેના અને શસ્ત્રસરંજામ સામે જર્મની અડિખમ રહી શક્યું નહીં. બેશક, તેમ છતાં કોઈ હિટલરને ઝૂકાવી શક્યું નહોતું, કારણકે જર્મની પર પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેવાની મમત ધરાવતાં હિટલરે આત્મહત્યા કરી કરી લીધી હતી પણ એ અંતિમ દિવસોમાં હિટલરે શું કરેલું અને હિટલરના એ આખરી દિવસો કેવા હતા, એનો ખુલાસો થશે આવતાં સપ્તાહે.