‘વન ફિલ્મ વન્ડર’ સંગીતકારને બોલિવૂડના કોઠાકબાડા અને ચાપલૂસી માફક ન આવ્યાં
મૂકેશના સર્વકાલીન સદાબહાર પચ્ચીસ ગીતોમાં હક્કથી સ્થાન પામે અને સિતેરના દશકામાં ટોપ ટેનમાં રહેલાં વો તેરે પ્યાર ગમ ગીતની લોકપ્રિયતા તો એવી છે કે સર્જનના પાંચમા દશકામાં પણ તે યાદગાર ગણાય છે પણ તેના રચયિતા દાનસિંહને કોઈ યાદ કરતું નથી!
– નરેશ શાહ
કિસ્મતના ખિલવાડ ક્યારેક માણસને એવી પછડાટ આપતાં હોય છે કે કશુંક નક્કર મેળવ્યાં પછી પણ તેની ઝોળી માત્ર વિષાદ, પછડાટ અને નિષ્ફળતાઓથી ભરી દેતી હોય છે. આજે અહીં જેની વાત આપણે કરવાના છીએ તેમના વિષે કશોય ફોડ પાડતાં પહેલાં આ ગીતો જરા ગુનગુનાગી લો : તુમ્હીં મેરે મંદિર, તુમ્હીં મેરી પૂજા (દિલ એક મંદિર), ચંદન સા બદન, ચંચલ ચિતવન (સરસ્વતીચં), કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે (પૂરબ ઔર પશ્ર્ચિમ)… આ ગીતોની ધૂન ભલે બીજા સંગીતકારોના નામે ચઢી હોય પણ તેના ઓરિજિનલ સર્જક સંગીતકાર દાનસિંહ હતા. કોણ દાનસિંહ ? વો તેરે પ્યાર કા ગમ, ઈક બહાના થા સનમ, અપની કિસ્મત હી કુછ ઐસી થી કે દિલ તૂટ ગયા અને જિક્ર હોતા હૈ જબ ક્યામત કા, તેરે જલવોં કી બાત હોતી હૈ… ગાયક મૂકેશે ગાયેલાં અને ગીતકાર હરિરામ આચાર્યએ લખેલાં માય લવ (શશી કપૂર – શર્મિલા ટાગોર) ફિલ્મના આ ગીત ઓફિશ્યિલી સંગીતકાર દાનસિંહના નામે છે અને સચ્ચાઈ એ છે કે આ ગીતો તમે ક્યારેક તો જરૂર ગણગણ્યાં છે.
- Advertisement -
આમ જૂઓ તો આ વન ફિલ્મ વન્ડર જેવા સંગીતકાર દાનસિંહ (જન્મ : 14 ઓકટોબર, 193ર. મૃત્યુ : 18 જૂન, ર011) ની કહાણી છે. મૂકેશના સર્વકાલીન સદાબહાર પચ્ચીસ ગીતોમાં હક્કથી સ્થાન પામે અને સિતેરના દશકામાં ટોપ ટેનમાં રહેલાં વો તેરે પ્યાર ગમ ગીતની લોકપ્રિયતા તો એવી છે કે સર્જનના પાંચમા દશકામાં પણ તે યાદગાર ગણાય છે પણ તેના રચયિતા દાનસિંહને કોઈ યાદ કરતું નથી. ન ત્યારે, ન આજે. અરે, લોકો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તેને એવી રીતે ભૂલી ગયેલાં કે તેમના વિષે ઈશમધુ તલવાર નામના પત્રકારે પ્રથમ વખત લખ્યું ત્યારે બધાનું રિએકશન એક જ હતું : દાનસિંહ જીવે છે ? હુન્નરના આગ્રહો, સ્વભાવની સાલસતા અને કિસ્મતના કોઠાકબાડા માણસ સાથે કેવા કેવા જુગાડ કરાવે તેની મિસાલ દાનસિંહ સ્વયં છે. સ્કૂલ ઓફ આર્ટસના પ્રોફેસર પિતાના પુત્ર દાનસિંહ જયપુર આકાશવાણીમાં કમ્પોઝર તરીકે નોકરી કરતાં હતા. માતા અવસાન પામી ત્યારે છુટૃી ન મળતાં(એ વખતે રેર્કોડીંગ નહીં, લાઈવ કાર્યક્રમો રેડિયો પરથી પ્રસારિત થતા હતા) બીજા જ દિવસે નોકરી છોડીને દાનસિંહ સાઈઠના દશકામાં મુંબઈ આવી ગયા અને સંગીતકાર ખેમચંદ પ્રકાશના આસીસ્ટન્ટ બની ગયા. પહેલી સ્વતંત્ર ફિલ્મ મળી ભૂલ ન જાના. નિર્માણ જગન શર્મા (પદમિની કોલ્હાપુરેના પતિ પ્રદિપ-ટૂટૂ-શર્માના પિતા) એ ભારત-ચીનના ખોખલા ભાઈ-ભાઈના નારાનો પર્દાફાશ કરતી આ ફિલ્મ બનાવી હતી. જેમાં ગુલઝારે લખેલું એક ગીત મૂકેશે ગાયેલું પણ…. પહેલાં આર્થિક બાબતમાં અટવાયેલી આ ફિલ્મ 1970માં પૂરી થઈ શકી ત્યારે વિદેશ મંત્રાલયે તેના પર પ્રતિબંધ મૂકી દીધો : આ ફિલ્મથી સુધરેલાં ભારત-ચીનના સંબંધ ફરી વણસવાની સંભાવના છે…
ભૂલ ન જાના કાયમ માટે સેલ્યુલોઈડના ડબ્બાના ભંગારવાડામાં અટવાઈને ભૂલાઈ ગઈ પણ દાનસિંહને એ પછી મળેલી માય લવ રિલિઝ થઈ. ફિલ્મ તો ન ચાલી પણ તેના ગીતો (આનંદ બક્ષ્ાી) એ ધમ્માલ બોલાવી દીધી પરંતુ ગીતના શબ્દોની જેમ દાનસિંહની કિસ્મત હી કુછ ઐસી થી કે દિલ તૂટ ગયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની રાજરમત, ચાપલૂસી, ગૂટબાજી તેમને રાસ ન આવી અને તેઓ તબલાંતોડ મ્યુઝિકલ સક્સેસ પછી જયપુર પત્ની ડૉ. ઉમા યાજ્ઞિક પાસે આવીને રહેવા લાગ્યા. મૂકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સુમન કલ્યાણપુર જેવા ગાયકો પાસે ગીત ગવડાવનારાં દાનસિંહ વિષે લગભગ દોઢ દશકા પછી પત્રકાર ઈશમધુ તલવારે લખ્યું ત્યારે દુનિયાને ખબર પડી કે માય લવનું લોકપ્રિય સંગીત (જેમાં લક્ષ્મીકાંતે મંડોલિન, પ્યારેલાલે વાયોલિન, પંડિત શિવકુમાર શર્માએ સંતૂર અને હરિપ્રસાદ ચૌરસીયાએ બાંસુરી વગાડેલી) આપનારાં દાનસિંહ જયપુર જઈને ગુમનામ જિંદગી જીવી રહ્યાં છે. આકાશવાણી પર કવિ દુષ્યંતકુમાર, હરિવંશરાય બચ્ચન, મહાદેવી વર્માની કવિતાઓ કમ્પોઝ કરીને પત્ની ડૉ. ઉમા યાજ્ઞિક પાસે ગવડાવીને પેશ કરનારા, જયપુરના જ હરિરામ આચાર્ય જેવા કવિને ફિલ્મો માટે ગીત લખતાં કરનારા અને પછી ખેમચંદ પ્રકાશ (આયેગા આનેવાલા – મહલ) સાથે કામ કરનારાં દાનસિંહને હિન્દ સિનેમાનો માહૌલ રાશ ન આવ્યો. આખું ભારત તેમના બે સદાબહાર ગીતો ગણગણતું હતું ત્યારે હતાશ થઈને તેઓ જયપુર આવી ગયા. અલબત્ત, જયપુર આવ્યાં પછી તેમણે એકાદી રાજસ્થાની ફિલ્મ (ભાભોર) અને જગમોહન મુાંની ભવરીદેવી પર આધારિત બવંડર ફિલ્મમાં મ્યુઝિક આપ્યું પણ…
પોતાના વિષે લખીને ફરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને લોકોને જગાડનારાં લેખક-પત્રકાર ઈશમધુ તલવાર સાથે પછીથી તેમના આત્મીય સંબંધ થઈ ગયા હતા. તલવારે તો દાનસિંહજી પર વો તેરે પ્યાર કા ગમ નામનું નાનકડું પુસ્તક પણ લખ્યું. જોકે સૌથી પહેલી વખત આભાર પ્રકટ કરવા દાનસિંહજી પત્રકાર તલવારના ઘેર સામે ચાલીને આવ્યા હતા. વિદાય વેળાએ તલવાર તેમને વળાવવા ઉભા થયા ત્યારે દાનસિંહજી નહોતા ઈચ્છતાં કે ઈશમધુ તલવાર આ ફોર્માલિટી દાખવે. તલવાર તેમ છતાં ઘરની બહાર આવ્યાં ત્યારે તેમણે જોયું કે સંગીતકાર દાનસિંહજી તેમને મળવા સાયકલ પર આવ્યા હતા. સાયકલના પંખા પર લખેલાં નામથી ખ્યાલ આવતો હતો કે સાયકલ ભાડા પર લીધેલી…. અપની કિસ્મત હી કુછ ઐસી થી કે દિલ તૂટ ગયા.