નિતાંતરીત: નીતા દવે
મન ને ‘જો’અને ‘તો’ની ભૂતાવળ વળગે છે, પરંતુ જીવનના સત્યો ક્યારેય બદલી શકાતા નથી
- Advertisement -
બાદબાકીમાંથી બાદ થયા પછી
આપણે જીવનમાં ઘણા દાખલાઓ ગણ્યા હશે. સંવેદનાઓની પાટી પર આડાઅવડી રકમો માંડી ગરબડીયા અક્ષરોથી સરવાળાઓ કરવા અગણિત પ્રયાસો કર્યા હશે ગણિત શાસ્ત્રનો એક નિયમ છે કે, જેમાં ઓછાં વતાં ઓછાં વતાં..! એવું તારણ નીકળે છે. પરંતુ જીવનનું ગણિત કઈક જુદું જ હોય છે.જીવનમાં એક વત્તા એક બરાબર 11 તો કરી શકાય છે. પરંતુ એક ઓછા એક કરતાં માત્ર શૂન્ય જ બચે છે..! કોઈ ક્ષણને ગુમાવ્યા પછી, કોઈ સ્વજનના ગયા પછી, કોઈ લાગણી સભર સંબંધના તૂટ્યા પછી..જીવનમાં માત્ર ખાલીપણા ની અનુભૂતિ જ બાકી રહી જતી હોય છે. ત્યાં ગણિતનો આ નિયમ લાગુ પડતો નથી.બાદબાકી ના અંતે માત્ર ખાલી જગ્યા ઓ રહી જતી હોય છે.એવો ખાલીપો..જે બહુ જ ભરેલો હોય છે.!
કોઈ અત્યંત પ્રિય એવા સ્વજનનું મૃત્યુ અથવા કોઈ પ્રિયજન સાથે થયેલા બ્રેકઅપ બાદ જીવન ક્યારેક એક નીરવતા તરફ ધકેલાતું જાય છે. કેમ કે, મન એ સ્વજન, એ સાથીની હાજરીને શાશ્વત માની ચૂક્યું હોય છે.તેમની ગેરહાજરી સમયે જ તેમની હાજરીનો વધારે અનુભવ થતો હોય છે.એ વ્યક્તિ સાથે થયેલી વાતો તેમની સાથે વિતાવેલો સમય અને પરસ્પર વહેંચાયેલા દુ:ખ અને સધિયારોનો સાક્ષી એવો સમય જાણે સ્થિર થઈ ગયેલો ભાસે છે. દિવસ આથમે તો છે પરંતુ ઉગતો નથી.વીતેલા સમયની યાદો અને સંબંધોના લેખા જોખા કરવામાં જીવન પસાર થતું રહે છે.મન ને “જો”અને “તો” ની ભૂતાવળ વળગે છે. પરંતુ જીવનના સત્યો ક્યારેય બદલી
શકાતા નથી.
- Advertisement -
આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે સમયના વહેણમાં બધું જ વહી જતું હોય છેસાચું.! પરંતુ વહેતા સમયના વહેણમાં કાંઠા પર તરવાઈને આવેલી નું આ રેતી શું..? ક્યારેક કોઈ કાચી માટી જેવી સંવેદના કોઈ સ્વજન થી અલગ થયા બાદ તુંટતી,ઘસાતી, ધવાતી પાસાણ બની અને પથ્થરમાં પરિવર્તિત થતી જાય છે. પછી એ પથ્થરને ફરી તોડો તો એ કણ કણમાં વિખરાઈ જશે પણ ફરી એ પાછી એ માટી તો નહીં જ બની શકે.એવી જ રીતે કેટલાક સંબંધો કેટલીક લાગણીઓ અને કેટલીક બાદબાકીઓ જેવી ઘટનાઓ જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા માટે જ જાણે બનતી હોય એવું લાગે.
દરેક વ્યક્તિ પોતાના જીવન માં ઘણીવાર આ સમયને જીવતી હોય છે.ક્ષણોનાં ચાલતા આ અવિરતચક્રમાં દરેક પળ કશુક અતીત બનતું જાય છે.બાલ્યાવસ્થાથી લઇ અને જીવનના અંતિમ પડાવ સુધી માનવી ઘણું બધું ગુમાવી અને જીવતા શીખી જતો હોય છે. સમય સાથે સંબંધો, સંવેદનાઓ,અને સ્વપ્નાઓ ઘણું બધું પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બાદ થતું જતું હોય છે. આપણે આ બધી બાદબાકીઓ આપણી નજર સામે જોઈએ છીએ છતાં જીવનમાં સરવાળા નો મોહ ત્યાગ કરી શકતા નથી.સમય ના સત્યો સામે “આંખ આડા કાન” કરી અને ફરી તૂટેલી કોઈ સંવેદના ને સાંધવા અને છૂટેલા કોઈ સબંધને શોધવા નીકળી પડતા હોઈએ છીએ..! પરંતુ છેવટે તો અનંત શોધના અંતે પણ હાથમાં તો માત્ર બાદબાકી જ રહેતી હોય છે.
કહેવાય છે કે દરેક જખ્મોની દવા સમય પાસે રહેલી હોય છે. સમય દરેક સ્મૃતિને વિસ્તૃતિમાં પરિવર્તિત કરવા સક્ષમ હોય છે.પરંતુ વેદના ને સંવેદનામાં પરિવર્તિત કરવા માટે તો સમય પણ નિર્માલ્ય સાબિત થતો હોય છે..! જીવનમાં દરેક ક્ષેત્રમાં વિકલ્પો મળી રહેતા હોય છે કદાચ વ્યક્તિના વિકલ્પો પણ મળી રહે પરંતુ વિકલ્પોથી માત્ર ગેરહાજરીઓ પૂરી શકાય ખાલીપો નહિ. અને એટલે જ તો કદાચ ઈશ્વરે માનવીના મન માં એષણાઓ મૂકેલી છે. જે ક્યારેય પૂર્ણ થતી જ નથી. એવી જ રીતે જીવનમાં કેટલીક બાદબાકીઓ બાદ ફરી ક્યારે સરવાળાઓ શક્ય બની શકતા નથી.