અમદાવાદના કુબેરનગરની ઘટના: બ્યૂટીપાર્લરની દુકાનમાં આરોપીએ પત્ની અને સાસુને જીવતી સળગાવી દીધી-સાસુ ગંભીર: આરોપી અશોકની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના સરદારનગરમાં આવેલા કુબેરનગર નજીકના આઝાદ ચોક પાસેની બ્યૂટિપાર્લરની દુકાનમાં આગના ધુમાડા વચ્ચે બૂમો સંભળાતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. લોકો ત્યાં પહોંચતાં જાણ થઈ હતી કે પતિએ જ પત્ની અને સાસુને પેટ્રોલ નાખી સળગાવ્યાં છે. ઘટના બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જ્યાં સારવાર દરમિયાન પત્નીનું મોત થઈ ગયું છે. જ્યારે સાસુ 70% દાઝી ગયા છે અને હાલ તેમની હાલત ગંભીર છે. સમગ્ર મામલે સરદારનગર પોલીસે ગુનો નોંધી આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી છે.
કુબેરનગરમાં રહેતી અને બ્યૂટિપાર્લરનું કામકાજ કરતી પરિણીત મહિલાને તેના પતિ અશોક રાજપૂત સાથે છેલ્લા ઘણા મહિનાઓથી માથાકૂટ ચાલી રહી હતી. મંગળવાર(23 સપ્ટેમ્બર)ની રાત્રે અશોક પત્નીના બ્યૂટિપાર્લરે આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ સમયે પાર્લરમાં હાજર તેનાં સાસુ વચ્ચે પડતાં ત્રણેય વચ્ચે ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન અશોકે પત્ની અને સાસુ પર પેટ્રોલ નાખીને આગ ચાંપીને ફરાર થઇ ગયો હતો. થોડીવારમાં જ બૂમાબૂમ થતાં કોમ્પ્લેક્સના વેપારીઓ અને આસપાસના રાહદારીઓ એકઠા થઇ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં આરોપી અશોક નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ સળગી રહેલાં માતા-પુત્રી પર પાણીનો મારો ચલાવીને આગને ઓલવી નાખીને માતા-પુત્રીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયાં હતાં.
બીજી તરફ બનાવ અંગેની જાણ પોલીસને થતાં સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઇ મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે પતિએ ઘરકંકાસમાં પત્ની અને સાસુને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ મામલે આરોપી અશોકની ધરપકડ કરી છે.
યુવતીએ 4 મહિના અગાઉ જ આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા
યુવતીના 5 વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા. જેના થોડા સમય બાદ યુવતી આરોપી અશોક સાથે પ્રેમસંબંધમાં હતી. યુવતીએ 4 મહિના અગાઉ જ આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતીના પતિ સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આરોપી મોટાભાગે ઘર જમાઈ તરીકે જ રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. થોડા દિવસ અગાઉ ઝઘડો થતા યુવતી આરોપીથી અલગ રહેવા જતી રહી હતી, જે બાદ સમાધાન થયું હતું.