ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના ઇલિનોઇ રાજ્યમાં સોમવારે ધૂળની ડમરી સાથે વાવાઝોડાના કારણે આંતરરાજ્ય હાઇવે પર અનેક વાહનો અથડાયાં હતાં. જેમાં 20 કોમર્શિયલ વાહનો અને 60થી વધુ કારનો સમાવેશ થાય છે. 6 લોકોનાં મોત થયાં હતાં. ઇલિનોઇ પોલીસના જણાવ્યા અનુસાર, 30થી વધુ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં 2 વર્ષનાં બાળકોથી લઈને 80 વર્ષના લોકોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધી શકે છે. વાવાઝોડું ત્રાટક્યું તે સમયે 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું ત્રાટક્યા બાદ અનેક વાહનો એકબીજા પર ચઢી ગયાં હતાં. આ અકસ્માતની માહિતી સોમવારે સવારે 11 વાગ્યે સામે આવી હતી. સેન્ટ લૂઈસ વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ધૂળની આંધી ખેતરોની માટી અને મજબૂત ઉત્તર-પશ્ચિમ પવનોના સંયોજનથી સર્જાયું હતું. જેની ઝડપ 70 કિમી પ્રતિ કલાક હતી. આ જ કારણ હતું કે વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને અનેક વાહનો અથડાયાં હતાં.