લોકમેળાનો આજે છેલ્લો દિવસ: 15 લાખથી વધુ લોકોએ મેળાની રંગત માણી
પોલીસ શસ્ત્રોનું પ્રદર્શન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, રમકડાના સ્ટોલ સહિતનું આકર્ષણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાતમ આઠમના તહેવારને લઈને રેસકોર્સ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં, ખાનગી મેળામાં અને અન્ય હરવા ફરવાના સ્થળે ભારે ભીડ જોવા મળી હતી. કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી મેળાનું આયોજન થયું ન હતું. ત્યારે આ વર્ષ મેળો યોજાતા લોકોએ ઉત્સાહપૂર્વક મેળાની મોજ માણી હતી. આશરે 15 લાખથી વધુ લોકોએ પરિવાર સાથે મેળાનો આનંદ લીધો હતો. જ્યારે મેળામાં કરોડોની કમાણી કરતા વેપારીઓ માટે સાતમ આઠમ જ દિવાળી બની હતી.
ચકરડી, બ્રેક ડાન્સ, રાઈડ્ઝ, મોતના કૂવાના કરતબ નિહાળી લોકો ખુશખુશાલ
- Advertisement -
5 મોતના કૂવા
33 મોટી ફનરાઇડ્સ
4 મધ્યમકક્ષાની રાઈડ્સ
54 ચિલ્ડ્રન રાઈડ્સ
2 ફૂડ કોર્ટ
14 ખાણીપીણીના સ્ટોલ
16 આઈસસ્ક્રીમના સ્ટોલ
210 રમકડાના સ્ટોલ
ઉલ્લેખનીય છે કે શરૂઆતના સમયે નક્કી થયા મુજબ 5 દિવસનો મેળો હતો પરંતુ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી એક દિવસ વધારવા માટે નક્કી કરાયું છે. ત્યારે આજે લોકમેળાનો છેલ્લો દિવસ છે માટે લોકો આજે પણ મેળાની મોજ મન મૂકીને માણી લેશે. લોકમેળામાં ગઇકાલે રવિવારના રોજ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું બપોરના 12 વાગ્યા બાદ ધીમે ધીમે મેળામાં લોકોની ભીડ થવા લાગી હતી અને રાત્રીના 12.30 વાગ્યા સુધીમાં આ લોકમેળો લોકોથી છલકાઇ ગયો હતો જેમાં જ્યાં નજર કરો ત્યાં મેળાની મજા માણતા માણસો જ માણસો જોવા મળતા હતા. રવિવારે મેળામાં 3 લાખ થી વધુ લોકોએ દિવસ દરમિયાન મેળાની મજા માણી હોવાનું સામે આવ્યું છે જેમાં પણ રાત્રીના સમયે એટલે કે 9થી 11 વચ્ચેના સમય ગાળા દરમિયાન 1.50 લાખ લોકો મેળામાં પરિવારજનો, સગા સબંધીઓ તેમજ મિત્રો સાથે મજા માણતા નજરે પડ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આઝાદીનો અમૃત લોકમેળો એ માત્ર શહેર જ નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે, જેમાં લાખો લોકો આનંદ માણવા ઉમટી રહ્યા છે. અહીં મનોરંજન સાથે માહિતી મળે અને લોકો મેળાની સ્મૃતિઓને મોબાઇલના કેમેરામાં કંડારીને, એ સ્મૃતિને કાયમી સાચવી શકે તેવું વિશિષ્ટ આયોજન તંત્રએ કર્યું છે. મેળા મધ્યે આવેલા માહિતી ખાતાના ડોમમાં બનાવાયેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી તેમજ નડાબેટની આબેહૂબ પ્રતિકૃતિ પર સેલ્ફી લેવા લોકોનો ધસારો જોવા મળ્યો હતો.
બ્રેક ડાન્સ, ટોરાટોરા અને ફજત ફાળકાની મજા લેતાં યુવાનો
મેળાના પ્રથમ દિવસથી જ ચીક્કાર ભીડ જોવા મળી હતી. જેમાં બાળકોએ ચકરડી તો યુવાનો સહિતના મોટેરાઓએ ફજત ફાળકા, બ્રેક ડાન્સ સહિતની રાઈડ્ઝની મજા માણી હતી.
ખાણી પીણીના સ્ટોલ પર જબરી ઘરાકી
મેળામાં પાણીપુરી, ખીચુ, આઈસક્રીમ સહિતના સ્ટોલ્સમાં લોકોની ભીડ ઉમટતા વેપારીઓને જન્માષ્ટમીમાં જ દિવાળીની કમાણી થઇ ગઈ હતી. આ સિવાય રમકડાના સ્ટોલ્સ, સ્પોર્ટસના સાધનો, હાથ બનાવટની સાજ સજાવટની ચીજવસ્તુઓ, રેડીમેઈડ કપડા સહિતમાં પણ રેકોર્ડબ્રેક ખરીદી થઇ હતી.
મેળામાં જનસૈલાબ
રજાનો છેલ્લો દિવસ હોવાથી સવારથી રાત સુધી લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજે 6 વાગ્યા બાદ તો જાણે મેળાના પાંચેય એન્ટ્રી ગેઇટ પરથી લોકોનો અવિરત પ્રવાહ પ્રવેશી રહ્યો હતો. એન્ટ્રી ગેઇટથી પૂરા રેસકોર્સ મેદાનમાં જ્યાં જુઓ ત્યાં મેળાની મજા માનતો જનસમૂહ જોવા મળતો હતો.