બે દિવસમાં 4 લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા, પ્રસાદ લીધો
ભેંસાણ, પરબ જવાનાં માર્ગો પર ભારે ટ્રાફીક : સંત દેવીદાસ, અમર દેવીદાસનાં નાદ ગુંજ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સોરઠમાં રકતપિત્તીયાંની સેવા તેમજ અલખની ઝોળી ફેલાવી તેમનાં માટે રોટલો એકત્રિત કરતા ‘સંત દેવીદાસબાપુ અને ‘અમર મા’ની લોકકથાઓ ગામે ગામ પ્રચલિત છે. બંને સંતોએ અષાઢી બીજનાં દિવસે ભેંસાણ નજીક સમાધિ લીધી. ત્યારથી પરબધામ તરીકે ઓળખાતા ધર્મસ્થળે દર વર્ષે અષાઢી બીજે મેળો ભરાય છે અને લાખો ભાવિકો તેમની સમાધિનાં દર્શને ઉમટી પડે છે.
કોરોનાનાં બે વર્ષ મેળાનું આયોજન થયું ન હતું. ચાલુ વર્ષે મેળો યોજાતા ભાવિકોનું ઘાડાપુર ઉમટ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકો ભેંસાણ પહોંચ્યા છે. પરબધામનાં મહંત પૂ.કરશનદાસ બાપુની આગેવાનીમાં ચાલુ વર્ષે મેળાનું આયોજન કરાયું છે. ગઇકાલથી મેળાનો પ્રારંભ થયો હતો. ગઇકાલ સવારથી જ માનવ પ્રવાહ ભેંસાણ, પરબધામ તરફ જોવો મળ્યો હતો. બપોરના ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. રાત્રીનાં ભજનની રમઝટ બોલી હતી. લોકોએ આખી રાત મેળો માણ્યો હતો. આજે અષાઢી બીજનાં ભાવિકોની સંખ્યામાં વધારો થયો હતો. સાંજ સુધીમાં ભાવિકોની સંખ્યા 4 લાખથી વધુ થવાનો અંદાજ છે. તેમજ દરેક માર્ગો પર ટ્રાફીક જોવા મળ્યો હતો.
- Advertisement -
1 લાખ લોકો એકસાથે ભોજન કરી શકે
પરબધામમાં મેળાને લઇ વિશાળ રસોડું બનાવવાનાં આવ્યું છે. અહીં એક લાખ લોકો એક જ પંગતે બેસી ભોજન કરી શકે છે. તેમજ સામગ્રીનાં વહન માટે ટ્રેકટરનો ઉપયોગ થાય છે.
રથયાત્રા બપોર બાદ નીકળશે
જૂનાગઢના દોઢસો વર્ષ જૂના ગંધ્રપવાડા સ્થિત પૌરાણિક જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળશે. પ્રથમ ભગવાને શાહી સ્નાન કરાવાશે, ભોગ હાંડી પ્રસાદ અને મહાઆરતી કરાશે. રથયાત્રા પૂર્વે પહિંદ વિધી કરવામાં આવશે જેમાં ચાંદીના સાવરણાથી રથાયાત્રાના રૂટને સંતો, મહંતો, રાજકીય- સામાજીક આગેવાનો દ્વારા સફાઇ કરવામાં આવશે. બાદમાં ભગવાન જગન્નાથ અને ભાઇ બલભદ્રના રથને પુરૂષો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવશે જ્યારે બહેન સુભદ્રાના રથને મહિલાઓ દ્વારા ખેંચી પ્રસ્થાન કરાવવામાં આવશે.