સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ કડક જોગવાઈ છે: લોકો ફોન કે મેઈલથી ફરિયાદ કરી શકશે
છેલ્લા કેટલાક સમયથી હોટલોમાં ખાવાની વસ્તુમાંથી જીવ-જંતુ મળી આવવાના બનાવ વધતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ઊંઘ ઊડી હોય તેમ હોટલો-રેસ્ટોરન્ટ અને ધાબા વિગેરે માટે ચેતવણી જાહેર કરી છે. જેમાં આવી હોટલ-રેસ્ટોરન્ટ સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરે તો લાયસન્સ કે રજિસ્ટ્રેશન રદ કરવાની જોગવાઇ હોવાનું જણાવ્યું છે.
- Advertisement -
તાજેતરમાં કેટલીક હોટલમાંથી ખાદ્ય ચીજ વસ્તુ કે તૈયાર ખોરાકમાં વંદો-દેડકા-ઉંદર વિગેરે જીવ-જંતુ મળતા હોવાનું ગ્રાહકો બહાર લાવી રહ્યા છે. જો કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આવા કેટલા કિસ્સામાં અત્યાર સુધી પગલા લીધા કે ચેકિંગ કરીને હોટલ-રેસ્ટોરન્ટ બંધ કરાવ્યા અને દંડ કર્યો તે સવાલ છે. આવા બનાવો વધતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જણાવ્યું છે કે હાયજીન અને સેનિટેશનની જોગવાઇનું પાલન થાય તે માટે ઇન્સ્પેક્શન કરાય છે.
હોટલ-રેસ્ટોરન્ટ માટેની ગાઇડ લાઇનમાં તંત્ર દ્વારા જણાવાયું છે કે તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ, ધાબા-કેન્ટીન અને ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. તે માટે રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એકઝોસ્ટ પંખા નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા અને યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા જરૂરી છે. હોટલ-રેસ્ટોરન્ટ ને તંત્ર દ્વારા ફૂડ હાયજીન રેટિંગ અપાય છે તેની પસંદગી કરવા અને રસોડાની સ્વચ્છતા જોઇ જમવાનો આગ્રહ રાખવા પણ ગ્રાહકોને જણાવાયું છે.
જો કોઇ ગ્રાહકને હોટલ-રેસ્ટોરન્ટ વિગેરેમાં પિરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળે તો જે તે કોર્પોરેશન કે જીલ્લાની ફૂડ વિભાગની ઓફીસને ફરિયાદ કરી શકાય છે. તે ઉપરાંત રાજ્ય કક્ષાએ કાર્યરત ફૂડ સેફ્ટી હેલ્પ ડેસ્કના ટોલ ફ્રી નંબર: 18002335500 તથા મોબાઇલ નંબર 9099013116, 9099012166 અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdcagmail.com પર ફરિયાદ નોંધાવી શકાશે.