આજા… ફસા જા…
હનીટ્રેપ ગેંગ યુવાનોથી લઈ આઘેડો અને વેપારી વર્ગને સોશિયલ મીડિયા થકી ફસાવીને લાખો-કરોડો રૂપિયા પડાવી રહી છે
- Advertisement -
હનીટ્રેપ નામ જ તેનો અર્થ સૂચવે છે, હનીનો અર્થ મધ અને ટ્રેપ એટલે જાળ. હનીટ્રેપ એટલે એક એવી મીઠી જાળ જેમાં ફસનાર વ્યક્તિને અંદાજો પણ નથી હોતો કે તે ક્યાં ફસાઈ ગયો છે અને કોનો શિકાર બનવાનો છે. હાલ રાજકોટ સહિત રાજ્યભરમાં હનીટ્રેપના કિસ્સામાં ભયંકર વધારો નોંધાઈ રહ્યો છે. હનીટ્રેપ ગેંગ યુવાનોથી લઈ આઘેડો અને વેપારી વર્ગને સોશિયલ મીડિયા થકી ફસાવીને લાખો-કરોડો રૂપિયા પડાવી રહી છે. આજકાલ હનીટ્રેપની અનેક ફરિયાદો સામે આવી છે પરંતુ હજુ પણ અનેક એવા લોકો છે કે જેઓ હનીટ્રેપ ભોગ બન્યા હોવા છતાં પણ સમાજની શરમે અથવા તો પરિવારને જાણ થઈ જશે તેવી બીકે પોલીસની સમક્ષ આવી શકતા નથી અને ગઠિયાઓ આ જ બાબતનો લાભ લઈને અન્ય લોકો સાથે ઠગાઈ કરતા રહે છે. હવે સોશિયલ મીડિયા પર લોકોને સારી સારી વાતો કરીને કોઈને પણ પોતાની જાળમાં ફસાવવાનું સરળ બની ગયું છે. આ માટે કેટકેટલીયે ટોળકીઓ સક્રિય બની છે. ગેંગની એક મહિલા સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવે છે પછી યુવાનોથી લઈ ઘરડાંઓને ફ્રેડ રિકવેસ્ટ અને મેસેજ મોકલી મેસેન્જરમાં મીઠી મીઠી વાતો કરે છે અને આમ શરૂ થાય છે હની ટ્રેપનો સિલસિલો. આ સ્વરૂપવાન યુવતીઓ પહેલા તો સામાન્ય વાતો કરે છે,બાદમાં સામેની વ્યક્તિનો વિશ્ર્વાસ કેળવી વીડિયો કોલથી વાત કરે છે અને અનેકવાર તો વીડિયો કોલમાં આ યુવતીઓ નગ્ન થઈ જાય છે અને પુરુષોને પણ નગ્ન થવાનું કહે છે. પછી આ ટોળકી પુરુષનો નગ્ન વીડિયો રેકોર્ડ કરી લે છે અને નગ્ન થનાર વ્યક્તિને તે વીડિયો વાયરલ કરી દેવાના આધારે બ્લેકમેલ કરે છે. પરિણામે ઘણાય લોકોને પોતાની આબરૂથી લઈ આર્થિક સંપત્તિ ગુમાવી પડે છે.
હનીટ્રેપથી બચવા માટે શું કરવું?
હનીટ્રેપમાં કોઈપણને ફસાવવા માટે આરોપીઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ફેસબૂક, વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોય
છે અને જે માધ્યમ થકી અલગ અલગ યુવકોથી આઘેડો અથવા તો વેપારીઓને ટાર્ગેટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય છે, મેસેજ કરતા હોય છે. જે મેસેજ જોઈને કોઈપણ પુરુષ લલચાઈ જાય તો તે આ ષડયંત્રનો શિકાર બને છે. જો તમારે હનીટ્રેપથી બચવું હોય તો તમારે અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવાનું અને અનનોન મેસેજનો રિપ્લાય આપવાનું ટાળવું જોઈએ. અજાણ્યા વીડિયો કોલ રિસીવ ન કરવા જોઈએ અને ખાસ તો સોશિયલ મીડિયા પર પ્રોફાઈલ લોક રાખવી જોઈએ અને અંગત માહિતી ક્યાંય પણ શેર ન કરવી જોઈએ.
- Advertisement -
ઓનલાઈન કપડાં ઉતારવામાં સાવધાની ન રાખી તો જાહેરમાં તમારા કપડાં ઉતરી જશે
રાજકોટ સહિત રાજ્યભરમાં હનીટ્રેપના વધતા કિસ્સાઓ
ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વધુ ઉપયોગ હાનિકારક સાબિત થતો હોય છે. કારણ કે સાયબર ક્રિમિનલ્સ આવા જ મીડિયા થકી હનીટ્રેપ અને બ્લેકમેલીંગ અને હેકિંગનો શિકાર બનાવી રહ્યા છે. લોકો પોતાનો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાના રવાડે ચડ્યા અને હવે કેટલાકને તેનું વળગણ પણ થવા માંડ્યું છે. આ વાતનો લાભ કેટલીક હનીટ્રેપ ગેંગ ઉઠાવી રહી છે. આ ગેંગ લોકોને ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર ફેક આઈડી બનાવી રિકવેસ્ટ મોકલીને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવીને યુવક યુવતીઓને ઓનલાઇન ફસાવે છે. જે બાદ તેમને બ્લેકમેઇલ કરવામાં આવે છે. આવી ફરિયાદોમાં ઘણો વધારો થયો છે. જેથી સાયબર ક્રાઇમ વિભાગ પણ એલર્ટ થઈ ગયુ છે પણ હકીકતમાં હનીટ્રેપમાં ન ફસાવવા માટે ખુદ સોશિયલ મીડિયા યુઝર્સે જાગૃત બનવાની જરૂર છે.
હનીટ્રેપમાં ફસાઈ જાઓ તો શું કરવું?
અનેક લોકો હનીટ્રેપના નામે ફસાઈને લાખો કરોડો રૂપિયા આપી દેતા હોય છે. હનીટ્રેપ ગેંગ અલગઅલગ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવે છે. જો તમે આવા કોઈ ષડયંત્રમાં ફસાઈ જાઓ તો ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી, તમારે સૌથી પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો સાયબર ક્રાઇમમાં જઈને આ અંગે પોલીસ અધિકારીને ફરિયાદ કરવાની જરૂર છે. પોલીસ દ્વારા આ પ્રકારના કિસ્સાઓમાં કોઈપણ ભોગ બનનારની ઓળખ છતી ન થાય તે પ્રકારે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવામાં આવે છે. એટલે ભોગ બનનાર એ પરિવારને કે સમાજને જાણ થઈ જશે તે પ્રકારની ચિંતા કર્યા વગર ગુનેગારો સામે અવાજ ઉઠાવવો જોઈએ.
શું છે હનીટ્રેપ અને કેમ થાય છે?
ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરી અનુસાર, રોમેન્ટિક અને સેક્સ્યુઅલ રિલેશનશિપ દ્વારા ગુપ્ત માહિતી મેળવવાને હનીટ્રેપ કહેવાય છે. આ માહિતી રાજકીય ફાયદા અથવા કોઈ એક દેશની જાસૂસી માટે વાપરવામાં આવે છે. ઘણી વખત કોઈ વ્યક્તિને બ્લેકમેઈલ કરવા માટે હનીટ્રેપમાં ફસાવાય છે. પણ હવે તો સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિને બ્લેકમેઈલ કરી પૈસા પડાવવા હનીટ્રેપ ગેંગ સક્રિય થઈ છે. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ડેટિંગ એપના શોખીન જ આ હનીટ્રેપના શિકાર બનતા હોય છે. ફેસબૂક ઈન્સ્ટાગ્રામ અને ટિન્ડર જેવી એપ પર યુવતી સાથે સુંવાળા સબંધ કેટલાય લોકો હનીટ્રેપનો શિકાર બને છે. હનીટ્રેપ પાછળનો હેતુ કોઈપણ વ્યક્તિનો નગ્ન વીડિયો રેકોર્ડ કરી તેને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનો છે.