ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
જૈનોના પવિત્ર તીર્થ શત્રુંજય ગિરિરાજની ગોદમાં ચાતુર્માસની આરાધના ચાલી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાલીતાણાની મુલાકાત લીધી હતી. તેઓએ ચાતુર્માસ કરી રહેલા ગુરુભગવંતો અને આચાર્યોના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
- Advertisement -
મહારાષ્ટ્ર ભવન ધર્મશાળા ખાતે પરમ પૂજ્ય આચાર્ય શ્રી યુગપ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય ચાતુર્માસ આરાધના ચાલી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આચાર્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, હર્ષ સંઘવીના માતૃશ્રી પણ આ ચાતુર્માસની આરાધના કરી રહ્યા છે, અને ગૃહમંત્રીએ તેમના પણ આશીર્વાદ લીધા હતા.
ત્યારબાદ તેઓએ જય તળેટીએ દર્શન કર્યા અને અન્ય સ્થળોએ ચાલી રહેલા ચાતુર્માસ અંતર્ગત ગુરુભગવંતોના આશીર્વાદ મેળવ્યા. તેમણે તમામ આરાધકોને મળીને તેમની ખબરઅંતર પૂછી હતી અને ગિરિરાજના સાનિધ્યમાં અદ્ભુત ઉર્જા અને શક્તિનો અનુભવ કરી ધન્યતા અનુભવી હતી.
મહારાષ્ટ્ર ભવન ધર્મશાળા ખાતે ચાલી રહેલા ચાતુર્માસના લાભાર્થી પરિવાર શાંતાબેન કાંતિલાલ સ્વરૂપચંદ શાહ (જુના ડીસા, હાલ મુંબઈ) દ્વારા પૂણ્યનું ભાથું બાંધવામાં આવી રહ્યું છે. તેઓને શત્રુંજય ગિરિરાજની ગોદમાં આચાર્ય ભગવંતોની આજ્ઞા અને નિશ્રામાં ચાતુર્માસના આરાધકોને તપસ્યા કરાવવાનો લાભ મળ્યો છે, જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.