ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મહાશિવરાત્રીના મેળાની મુલાકાત લઇ સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા. ગૃહરાજ્યમંત્રીશ્રીએ ગિરનારના સાનિધ્યમાં ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.ભવનાથ મંદિર અને મૃગીકુંડના દર્શન કરી મંત્રીએ ભવનાથના મહંત હરિગીરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ભવનાથ મંદિર બાદ મંત્રીશ્રીએ અગ્નિ અખાડામાં જઇ દર્શન કર્યા હતા. જ્યાં અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ લઇ શ્રી ગાયત્રી માતાના દર્શન કર્યા હતા.
મંત્રીશ્રી એ રોપવેમાં સફર કરી અંબાજી માતાના મંદિરે દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જ્યાં ભાવિકોએ પણ મંત્રીશ્રીને આવકાર્યા હતા. મંદિરના પૂજારી અને મહંત દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ મંત્રીએ ભવનાથમાં ગોરક્ષનાથ આશ્રમની મુલાકાત લઇ ગુરુ ગોરખનાથના ધુણાના દર્શન કર્યા હતા. મહંત શ્રી શેરનાથ બાપુ અને સેવક ગણ દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મંત્રી શ્રી એ નારાયણ સ્વામીના ઉતારા ની મુલાકાત લીધી હતી. શ્રી ભારતી આશ્રમની મુલાકાત લઇ મંત્રીશ્રી પૂજા આરતીમા સહભાગી બન્યા હતા. ભારતી આશ્રમના મહામંડલેશ્વર શ્રી હરિહરાનંદ બાપુએ ગૃહ રાજ્ય મંત્રીને સાફો પહેરાવી શોર્યતાના પ્રતિક રૂપ તલવાર અર્પણ કરી મંત્રીશ્રીને આવકાર્યા હતા.ગૃહ રાજ્યમંત્રીએ ગિરનાર સાધુ સંત મંડળના અધ્યક્ષ અને મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમની પણ મુલાકાત લીધી હતી. રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મંદિરના દર્શન કર્યા હતા.ગૃહ રાજય મંત્રીએ ભવનાથના મેળામાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સલામતી અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું.
ગિરનારમાં અંબા અને ભવનાથ મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવતા ગૃહમંત્રી



