200 કારખાનાં સદંતર બંધ, હજુ 150 યુનિટ બંધ થવાના આરે
ટાઇલ્સો પડી રહેતાં ગોડાઉનો ફુલ: USમાં નિકાસ અટકી
- Advertisement -
આ વર્ષે અંદાજે નિકાસ 20,000 કરોડ થવાની હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
વિશ્ર્વમાં સિરામિક ઉદ્યોગમાં ચીન પછી બીજા નંબરનું સ્થાન ધરાવતા ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. હાલમાં મોરબીમાં સિરામિકનાં નાનાં-મોટાં 1,000 જેટલાં કારખાનાં આવેલાં છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં, પરંતુ 200 જેટલાં કારખાનાં સદંતર બંધ થઈ ગયાં છે અને આગામી હજુ એકાદ મહિનાની અંદર લગભગ વધુ 150 જેટલાં કારખાનાં શટડાઉન લે એવી શક્યતા સેવાઈ રહી છે. દિવસે દિવસે મોરબીના સિરામિક પ્રોડક્ટની માગમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદી હોવાના કારણે સિરામિક ઉત્પાદકોની મુશ્ર્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. એની સાથોસાથ આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોની રોજગારી પણ છીનવાઈ રહી છે. મોરબીને આજની તારીખે ભારતમાં સિરામિકનું હબ ગણવામાં આવે છે. જોકે સિરામિક ટાઇલ્સના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1991-92માં સૌપ્રથમ એસ્ટ્રોન અને અમૂલ નામનાં બે સિરામિકનાં કારખાનાં શરૂ થયાં હતાં અને ત્યાર બાદ ક્રમશ: મોરબીની આસપાસમાં સિરામિકનાં નવાં કારખાનાં આવવા લાગ્યાં હતાં અને વર્ષ 1994માં વધુ ત્રણ કારખાનાં અને ત્યાર બાદ વર્ષ 1996માં એકસાથે 15થી વધુ નવાં કારખાનાંમાં સિરામિકનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે એમાં સૌપ્રથમ ટનલ ટેક્નોલોજી મારફત વોલ ટાઇલ્સ બનાવવામાં આવતી હતી. જોકે દરેક ઉદ્યોગમાં ક્રમશ: ટેકનોલોજીમાં ફેરફાર અને સુધારા આવતા હોય છે એવી જ રીતે વર્ષ 1998-99માં રોલર હાર્થ કલીન ટેક્નોલોજી આવી હતી અને એના પ્રથમ ચાર કારખાનાં આવ્યાં હતાં, જેમાં ડેકો, સનહિલ, વૃંદાવન અને રામકો સિરામિકનો સમાવેશ થાય છે.
જોકે ત્યારે નવી ટેક્નોલોજી સાથેના વર્ષ 1992થી 99 સુધીના સમયગાળામાં ત્રણથી પાંચ કરોડના ખર્ચે સિરામિક કારખાનાં શરૂ થઈ જતાં હતાં, પરંતુ આજની તારીખે અદ્યતન ટેક્નોલોજી અને મોંઘવારી સહિતનાં પરિબળોને કારણે સિરામિકનું એક કારખાનું લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરે ત્યારે કાર્યરત થઈ શકે છે. આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 1000 જેટલા સિરામિકનાં કારખાનાં આવેલાં છે. એમાંથી 200 જેટલાં સિરામિકનાં કારખાનાંના ઉત્પાદકો દ્વારા સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં જે મંદી અને મોંઘવારીનો માહોલ છે એની વચ્ચે ઉદ્યોગકારો માટે ટકવું મુશ્ર્કેલ બની ગયું છે. બીજી બાજુ માલની ડિમાન્ડ ન હોવાથી મોટા ભાગના ઉત્પાદકોના ગોડાઉન તૈયાર માલથી છલકાઈ રહ્યા છે, જેથી આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલાં કારખાનાંની અંદર શટડાઉન લેવામાં આવે એવી શક્યતા છે. મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ હરેશભાઇ બોપલિયાએ મીડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે હાલમાં સિરામિક ઉદ્યોગ પુષ્કળ મંદીનો સામનો કરી રહ્યો છે. આશરે 200 યુનિટ એવા છે, જે સદંતરે બંધ થઈ ગયા છે, જે હવે ચાલુ થઈ શકે એમ નથી. એક્સપોર્ટમાં સારીએવી ડિમાન્ડ હતી, પરંતુ ક્ધટેનરમાં ભાડાવધારાને કારણે એ પણ બંધ થવા જેવી સ્થિતિમાં જ છે. અત્યારે આશરે 5થી 6 ગણો ક્ધટેનરમાં ભાવવધારો થયો છે એના કારણે એક્સપોર્ટ બંધ છે. જો ડોમેસ્ટિકની વાત કરીએ તો એમાં જેવી હોવી જોઈએ એટલી ડિમાન્ડ નથી. આ વખતે અમારી અંદાજે નિકાસ 20 હજાર કરોડ પર જવાની હતી, પરંતુ આ ભાડાવધારાના કારણે એ અટકી ગઈ છે. ઞજમાં જે અમારી નિકાસ થતી હતી ત્યાં અત્યારે એન્ટી ડમ્પિંગ લાગવાની છે, એની પ્રોસેસ ચાલુ થઈ છે. એના કારણે ત્યાં પણ અમારી નિકાસ સદંતર બંધ જેવી હાલતમાં જ છે. ડોમેસ્ટિકમાં જે ટર્નઓવર હોવું જોઈએ એટલું ટર્નઓવર નથી, ગોડાઉનો ફુલ થઈ ગઈ ગયાં છે, કારખાનાં બંધ થવાની આરે છે, જે શ્રમિકો અમારે ત્યાં કામ કરી રહ્યા છે તે લોકોની રોજીરોટી છીનવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે.
- Advertisement -
નવી ટેક્નોલોજી આવવાને કારણે જૂના યુનિટોને માર પડ્યો
કારખાનાં બંધ થવાનું વિશેષ કારણ વિશે મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીમાં જે બદલાવ આવે છે એના કારણે જૂનાં કારખાનાં છે એની મશીનરી જૂની થઈ ગઈ છે. સામે જે નવા પ્લાન્ટ આવતા હોય એમાં નવી મશીનરી હોય છે. એટલે બંનેમાં પડતર કોસ્ટનો ફરક જોવા મળે છે. જૂના યુનિટમાં પડતર ઊંચી આવે છે. આ ઉપરાંત રો-મટીરિયલની કોસ્ટ વધી છે, ગેસની કિંમતમાં વધારો થયો છે, પડતર કોસ્ટ ઊંચી આવી છે. એના હિસાબે જે નાના અને જૂના યુનિટો છે એ માર્કેટમાં ટકી શકતા નથી. એના હિસાબે એ યુનિટો બંધ કરવા પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે.