અમેરિકન ડ્રીમ: ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
માતા-પિતા જોડે ડિપેન્ડન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશતાં બાળકોની ઉંમર વધી જતાં તેઓ ‘ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા’ મેળવવા માટે ગેરલાયક ઠરતાં, આથી ‘ધ ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ ઘડાયો
- Advertisement -
ઈ.સ. 1492માં કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી. ત્યાર બાદ છેક 1790 સુધી અમેરિકામાં પ્રવેશવા ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ નહોતો. એની ઈમિગ્રેશનની નીતિ ‘ખુલ્લા દ્વાર’ની હતી. 1790માં સૌપ્રથમ ‘નેચરલાઈઝેશન એક્ટ’ ઘડવામાં આવ્યો, જેની હેઠળ એવું ઠરાવવામાં આવ્યું કે કોઈ પણ પરદેશી અમેરિકામાં બે વર્ષ રહ્યો હોય તો નેચરલાઈઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન નાગરિક બની શકે. આ સમય વધારીને 1795માં પાંચ વર્ષનો કરવામાં આવ્યો. 1864માં ઈમિગ્રેશનને પ્રોત્સાહન આપવા માટે કાયદો ઘડવામાં આવ્યો. આગળ જણાવ્યા મુજબ 1882માં ‘ચાઈનીઝ એક્સક્લુઝન એક્ટ’ ઘડવામાં આવ્યો. જાપાનની સરકાર જોડે ‘જેન્ટલમેન્સ એગ્રિમેન્ટ’ કરવામાં આવ્યા. 1917માં ‘એશિયાટિક બારઝોન એક્ટ’ ઘડવામાં આવ્યો. એમાં જે પ્રતિબંધો લાદવામાં આવ્યા એ ‘મેકકેરન વોલ્ટર એક્ટ’, જે ‘ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ છે એની હેઠળ હટાવવામાં આવ્યા. આ દરમિયાન પણ અનેક એવા કાયદાઓ ઈમિગ્રેશનને લગતા ઘડવામાં આવ્યા, જેના દ્વારા પરદેશીઓને અમેરિકામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા. લોકો બનાવટી લગ્નો કરીને અમેરિકામાં પ્રવેશતા હતા. જો અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરવામાં આવે તો એ લગ્નના આધારે ‘ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી’ હેઠળ ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરી શકાય. આથી પરદેશીઓ અમેરિકન સિટિઝનો જોડે બનાવટી લગ્નગ્રંંથિથી જોડાતાં. ફક્ત ગ્રીનકાર્ડ મેળવવા માટે તેઓ એકબીજા જોડે જોડાતાં, પણ પતિ-પત્ની જેવા સંબંધ ન ધરાવતા. આવાં લગ્નો અટકાવવા માટે 1986માં ‘ધ ઈમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ’ ઘડવામાં આવ્યો. 9/11ના ન્યુ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરો, જે વિશ્ર્વના સૌથી ઊંચા બે મકાનો હતાં એ ઉપર જે આતંકવાદી હુમલાઓ થયા એના કારણે ‘યુએસએ પેટ્રિયોટ એક્ટ’ ઘડવામાં આવ્યો અને બીજા વર્ષે ‘હોમલેન્ડ સિક્યોરિટી એક્ટ, 2002’ ઘડવામાં આવ્યો. વર્ષો જૂના ‘ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી સર્વિસ (આઈએનએસ)’ને નાબૂદ કરીને ‘હોમલેન્ડ સિક્યોરિટી’ની સ્થાપના કરવામાં આવી. માતા-પિતા જોડે ડિપેન્ડન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશતાં બાળકોની ઉંમર વધી જતાં તેઓ ‘ડિપેન્ડન્ટ ઈમિગ્રન્ટ વિઝા’ મેળવવા માટે ગેરલાયક ઠરતાં હતાં. આવી મુશ્કેલી દૂર કરવા ‘ધ ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ’ ઘડવામાં આવ્યો. ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય, એ પ્રોસેસ થઈને એપ્રૂવ પણ થઈ ગયું હોય, પણ એની હેઠળ બેનિફિશિયરીને ઈમિગ્રન્ટ વિઝા ક્વોટાનાં બંધનોના કારણે પ્રાપ્ત થયા ન હોય, તેઓ એમનાં પિટિશનો કરન્ટ થાય એની વાટ જોતાં હોય, એ દરમિયાન જો પિટિશનરનું મૃત્યુ થાય તો એ પિટિશનનો આપોઆપ અંત આવે છે અને વર્ષાથી વાટ જોતાં બેઠેલા એ પિટિશનરના બેનિફિશિયરીને ઈમિગ્રન્ટ વિઝા મળી નથી શકતા.
આ કઠણાઈ દૂર કરવા માટે ‘ધ ફેમિલી સ્પોન્સર એક્ટ’ ઘડવામાં આવ્યો, જેની હેઠળ સબ્સ્ટિટ્યુશનની અરજી કરીને મૃત પિટિશનરની જગ્યા અન્ય સગાંવહાલાં, જેઓ અમેરિકન સિટિઝન યા ગ્રીનકાર્ડધારક હોય, તેઓ લઈ શકે અને એ પિટિશન પાછું સજીવન કરવામાં આવે અને એની હેઠળ બેનિફિશિયરીને ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે એવી સુવિધા કરવામાં આવી. આવા આવા અનેક કાયદાઓ અમેરિકાની સરકારે ઈમિગ્રન્ટોને લગતા ઘડ્યા છે. આ બધા જ કાયદાઓ એકત્ર કરીને ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’માં સમાવવામાં આવ્યા છે. આજે પણ 1952માં ઘડાયેલો કાયદો એના સુધારા-વધારા સાથે અમલમાં છે. સ્થળાંતરનો કુદરતી નિયમ છે ‘પુશ એન્ડ પુલ’. જે દેશમાં અંધાધૂંધી હોય, અરાજકતા હોય, દેશવાસીઓનું દમન થતું હોય, રાજાઓ યા સત્તાધારીઓ એમનું રક્ષણ કરતા ન હોય, કમાવવાની તકો ન હોય, રોજગારી મળતી ન હોય, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થઈ શકતું ન હોય, માંદગી હોય, રોગચાળો હોય, અતિવૃષ્ટિ થઈ હોય યા અનાવૃષ્ટિ હોય, દુષ્કાળ પડ્યો હોય, એ દેશ એના દેશવાસીઓને એમનો દેશ છોડી જવાની ફરજ પાડતો હોય છે. ‘પુશ’ કરતો હોય છે, ધક્કો મારતો હોય છે. જે દેશમાં સુખ-સાહ્યબી અને શાંતિ હોય, કમાવવાની ખૂબ તકો હોય, શિક્ષણ ઉચ્ચ પ્રકારનું પ્રાપ્ત થતું હોય, રાજા અને રાજવીઓ પ્રજાનું રક્ષણ કરતા હોય એ દેશ અન્ય દેશવાસીઓને પોતાને ત્યાં આકર્ષે છે, ખેંચે છે, ‘પુલ’ કરે છે. અમેરિકા એક એવો જ દેશ છે, જે અન્ય દેશના રહેવાસીઓને પોતાને ત્યાં આવવા ‘પુલ’ કરે છે. ખેંચે છે. અમેરિકા અત્યંત વિશાળ છે અને એની સરખામણીમાં એની વસતિ ખૂબ જ ઓછી છે. ખેતીવાડી માટે ત્યાં અફાટ જમીનો છે. વેપાર-ઉદ્યોગમાં અમેરિકાએ હરણફાળ ભરી છે. કમ્પ્યુટર ટેક્નોલોજીમાં તો અમેરિકા આજે વિશ્ર્વનો નંબર વન દેશ છે. સિલિકોન વેલીમાં આવેલ કમ્પ્યુટરની કંપનીઓ વિશ્ર્વશ્રેષ્ઠ છે.
ત્યાં રોજેરોજ નવા નવા આવિષ્કારો થતા રહે છે. લંડનની ‘ઓક્સફર્ડ’ અને ‘કેમ્બ્રિજ’ની યુનિવર્સિટીઓ, જે એક સમયે વિશ્ર્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી ગણાતી હતી એને અમેરિકાની ‘હાર્વર્ડ’ અને ‘સ્ટેનફર્ડે’ પાછી પાડી દીધી છે. આજે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રાપ્ત થતું શિક્ષણ વિશ્ર્વમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. આવા અમેરિકામાં વિશ્ર્વના બધા દેશના લોકો સ્થળાંતર કરવા ઈચ્છે છે. ટૂરિઝમ માટે પણ અમેરિકામાં પુષ્કળ જોવાલાયક અને અચરજ પમાડે એવી કુદરતી તેમ જ કૃત્રિમ જગ્યાઓ છે. અમેરિકાની ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવૂડ વિશ્ર્વની બધી જ ઈન્ડસ્ટ્રીઝમાં ટોપ ઉપર છે. આવાં આવાં અનેક કારણસર વિશ્ર્વના બધા જ લોકો અમેરિકામાં કાયમ માટે યા ટૂંક સમય માટે પ્રવેશવા ઈચ્છે છે. એમનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે. નહીં તો આખા વિશ્ર્વના માનવીઓ અમેરિકામાં ઠલવાઈ જાય. આથી જ જે ઈમિગ્રન્ટોનો દેશ કહેવાય છે એવા અમેરિકાએ ઈમિગ્રન્ટોને રોકવા, યોગ્ય વ્યક્તિઓને જ પ્રવેશ આપવા, એમના ઈમિગ્રેશનના કાયદાઓ ઘડ્યા છે. અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ વિશે વિસ્તૃત જાણકારી હવે પછીના ‘અમેરિકન ડ્રીમ’ આ લેખમાળામાં પ્રગટ થતા લેખોમાં સવિસ્તાર જણાવવામાં આવશે.