જો દિખતા હૈ વોહ હીં લિખને કા આદી હૈ,
વોહ ઇસ શહેર કા સબસે બડા ફસાદી હૈ!
વોહ ઇસ શહેર કા સબસે બડા ફસાદી હૈ!
એક એવા દબંગ-દિલદાર ગુજરાતી લેખક-પત્રકારની વાત – જે કોઈપણ મોટા અખબારમાં નથી લખતા કે એકપણ માતબર ટી.વી. ચેનલમાં નથી દેખાતા કે કશે પણ મહાનુભાવોનાં જાહેર જગ્યા-જલસામાં હાજરી નથી આપતા છતાં સૌથી વધુ વંચાય છે, ચર્ચાય છે, જાણીતા છે. જેની ઝપટમાં ન ચઢી જવાય તેવી માણસો આગોતરી માનતા રાખે છે
આ નિડર લેખક-પત્રકારને લખવા-બોલવા માટે ધાકધમકીઓ મળી છે, તેની પર જાનલેવા હુમલાઓ થયા છે. બીજા લેખક-પત્રકારો સાથે આવું થાય છે ત્યારે કલેકટરને નિવેદન અપાય છે, સોશિયલ મીડિયામાં ફલાણા-ઢીકણા આઈ સપોર્ટ કેમ્પેઈન ચાલે છે, પણ આ માણસ એકલો લડ્યો છે. એકલો જોવા મળ્યો છે. તેની પાસે કોઈ ટિમ કે ટોળું નથી, એ એવો એકલવીર છે જેણે પોતાની પીઠ મજબૂત કરી લીધી છે. ગાળો, ધમકીઓની અસર ન થાય એટલો જાડી ચામડીનો બની ગયો છે
- Advertisement -
ભવ્ય રાવલની કલમે એક નોખા-અનોખા કલમનાં મશાલચીને બર્થડે ગિફ્ટ
તેઓ નિખાલસતાથી એકરાર કરે છે કે, હું ગુજરાતી ભાષાનો નંબર 1 લેખક નથી. પરંતુ એ એવો પણ દાવો કરે છે કે, બિનસંસદીય શબ્દોનો પ્રયોગ કર્યા વગર મારા જેટલું સ્પષ્ટ લખનાર મને કોઈ ધ્યાનમાં નથી. દુન્વયી વ્યાખ્યામાં હું તટસ્થ નથી, હું દ્રેષીલો, પક્ષપાતી છું. મને સારા-નરસા, દેવ-દાનવ, પ્રતિબદ્ધ-રેઢિયાળ લોકો વચ્ચેનો ભેદ નરી આંખે દેખાય છે અને જે દેખાઈ છે એ લખું છું અને બોલુ છું. એ કહે છે કે, હું એક એવો લેખક-પત્રકાર છું જે રોજ કમસે કમ બે-ચાર વ્યક્તિને ઉજાગરો કરાવું તો જ મને મીઠી ઊંઘ આવે.
જે વિષય-વ્યક્તિ બાબતે મોટાભાગનાં લેખક-પત્રકાર મૌન રહેવાનું પસંદ કરે છે, એવા મુદ્દે એમણે હંમેશા કઠિન માર્ગ પસંદ કરી બોલ્યું છે. સાચું બોલવું, ઊંચા અવાજે બોલવું, તર્કસંગત દલીલો, ઊંડા અભ્યાસો સાથે લખવું. લાંબુ-લાંબુ નહીં ટૂંકમાં લખવું પણ ટુ ધી પોઈન્ટ લખવું એ એમની આવડત છે, ખાસિયત છે. એ ભલે કહેતા હોય કે, તેઓ ગુજરાતી ભાષાનાં નંબર 1 લેખન નથી પરંતુ તેમનું લખાણ ગુજરાતી ભાષાનું નંબર 1 લખાણ છે. તેઓ ગુજરાતીઓમાં સર્વાધિક વંચાતા લેખક-પત્રકાર છે. તેમની ભાષા અને લેખન જ તેમની ઓળખાણ છે. એમને વધુ કોઈ પહેચાન કે પ્રસિદ્ધિની જરૂર નથી.
ચોટદાર વાક્યરચના, ધારદાર રજૂઆત, શબ્દે-શબ્દે ટપકતું સત્ય, ભલભલા ચમરબંધીથી નહીં ડરવાની હિંમત અને ઈર્ષા જન્માવે એવી ક્રિએટિવિટી. જ્યાં એક ફકરાની જરૂર હોય ત્યાં એક લીટી જ લખવી અને જ્યાં એક લીટીની જરૂર હોય ત્યાં એક શબ્દ જ લખવો પણ એ એવો લખવો કે વાંચનાર હલબલી ઉઠે, હચમચી જાય, હોબાળો મચાવી દે. આ છે એમનાં લેખનની તાકાત. એક જ વિષય પર દસ લખાણો નામ વિનાનાં હોય તેમાંથી તેમનું લખાણ આસાનીથી ઓળખી શકાય. આજની પેઢીનાં તેઓ ચંદ્રકાંત બક્ષી અને હસમુખ ગાંધી છે. તેમની ભાષાશૈલી-લેખનશૈલી અદભૂત છે તો વિષય-વ્યક્તિ પસંદગી આલ્હાદક. તેમને વાંચી આફરીન થઈ જવાય. તેમની ભાષાશૈલી-લેખનશૈલી અનુસરવાની ઈચ્છા થઈ ઉઠે. એમની વિચારધારા કટ્ટર નહીં કાતર જેવી છે. જે સારાસારાને ચીરી નાંખે, ફાડી કાઢે. તેઓ વિચારોથી બહુ જ સ્પષ્ટ છે અને વ્યવહારમાં સત્યને વળગી રહે એવા છે. તેમનું લેખન લાઈફ ચેન્જિંગ અને પોઝિટિવ જર્નાલિઝમનું બેસ્ટ એક્ઝામ્પ્લ છે.
- Advertisement -
કોઈપણ મોટા અખબારમાં ન લખતા કે એકપણ માતબર ટી.વી. ચેનલમાં ન દેખાતા કે કશે પણ મહાનુભાવોનાં જાહેર જગ્યા-જલસામાં હાજરી ન આપતા છતાં સૌથી વધુ વંચાતા, ચર્ચાતા, જાણીતા અને ખાસ તો એ એક એવા દબંગ-દિલદાર લેખક-પત્રકાર છે જેની ઝપટમાં ન ચઢી જવાય તેવી માણસો આગોતરી માનતા રાખે છે. એ જાહેર જીવન સાથોસાથ સોશિયલ મીડિયાનાં એવા ખૂંખાર સિંહ છે જેની પોસ્ટ પર અવારનવાર શૈતાનોનો શિકાર થતો રહે છે અને સારા કાર્યોની સરાહના. એક મોટા કદનાં અખબાર જેટલો તેમનો ફેલાવો અને વ્યાપ છે. તેમના લેખનની એ તાકાત છે કે તેમનું લખાણ સ્વયંભુ વાયુવેગે વાયરલ થઈ જાય છે.
એ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી કે, જેમ રામ નામનો પથ્થર તરે તેમ તેમનાં નામવાળું લખાણ સોશિયલ મીડિયામાં આપોઆપ લાખો લોકો સુધી વાઈરલ થઈ જાય છે, ફેલાઈ જાય છે. તેમની પાસે કોઈ એવું નેટવર્ક કે ચોક્કસ વાંચક વર્ગ નથી જે તેમનું લખાણ વાયરલ કરી આપે પરંતુ એકવાર તેઓ લખે પછી જે-જે વાંચે એ અચૂક ફોરવર્ડ કરે. જેમ મોદી વિરોધીઓ પણ અંદરખાને મોદીને દાદ આપ્યા વિના રહેતા નથી તેમ તેમનાથી વિરોધી વિચારધારા ધરાવતા લોકો પણ તેમનાં લખાણ વાંચી આંખ આડા કાન અને કાન આડા હાથ કરી શકતા નથી. આથી જ જાહેરમાં કે ખાનગીમાં તેઓ કહેવાય છે – અસરદાર અને દમદાર લેખક-પત્રકાર.
એમના લખાણની વિશ્વનિયતા વિરાટ છે. કોઈને પણ ટોકટા-ટિકા કરતા પહેલા સંપૂર્ણ તપાસ-અભ્યાસ કરે. કોઈની પણ વાહવાહી કરતા પહેલા બરાબર પારખે-સમજે અને પછી જ લખે. એમણે ઔષધ, દવા, ખાણીપીણી, રેસ્ટોરાં, પ્રવાસન જેવા વિષયો પર લખ્યું હોય અને ઘણા ધન્ય થઈ ગયા હોય એવા દાખલા છે તો અમુકનાં ધનતપનત નીકળી ગયા હોય એના પણ ઉદાહરણ છે. સોશિયલ મીડિયાનાં સૌથી વધુ વંચાતા તથા જાહેરમાં થોડાઘણા વખોડાતા અને અંદરખાને બહુંબધા વખણાતા આ ચર્ચાસ્પદ લેખક-પત્રકાર માટે એવું કહી શકાય કે, મુદ્દો કે માણસ કોઈપણ હોય એણે લખ્યું હોય એટલે પૂરું હોય. પોતાનું કે પોતાની પ્રોડક્ટ્સનું બ્રાન્ડીંગ-માર્કેટિંગ કરાવવા માટે મોટા-મોટા માણસો દિવસ-રાત તેમની પાછળ પડ્યા રહ્યા છે છતાં તેઓ યોગ્ય લાગે અને જરૂર જણાય તેમનું જ બ્રાન્ડીંગ-માર્કેટિંગ કરી આપે છે એ પણ નિ:સ્વાર્થભાવે, નિ:શુલ્ક.
ઘર બેઠા સોશિયલ મીડિયાનાં માધ્યમથી લેખન વડે લોકપ્રિય થઈ લોકોનાં માનસ પરિવર્તિત કરી શકવાની તેમની કુનેહ કાબિલેદાદ છે. અવનવા દ્રષ્ટાંતો વડે વાંચકોને નિતનવા દ્રષ્ટિકોણ આપવામાં પણ તેમને મહારથ હાંસલ છે. વિષય અને વ્યક્તિ પસંદગીનું વૈવિધ્ય પણ વખાણવા લાયક છે. તેમનું લખાણ એ બાબતની સાબિતી આપે છે કે, આજે પણ ગુજરાતી ભાષા-સાહિત્ય સો ટચનાં સોના જેવું સત્ય, સમૃદ્ધ, સ્વતંત્ર, શક્તિશાળી છે. કલમ અને કિ-બોર્ડની તાકાત હજુ આજે પણ એટલી જ અકબંધ છે. જ્યાં જરૂર જણાય ત્યાં તટસ્થતાની તલવાર છોડી એકતરફા એકે-૫૬ની જેમ ક્ષણભરમાં વીંધી નાખતી દલીલો અને રજૂઆતો કેમ કરી શકાય એ પણ આ લેખક-પત્રકારનાં અક્ષરેઅક્ષરમાં અનુભવવા મળશે. જેમના લેખ વાંચી ભલભલાનાં પરસેવા છૂટી જાય છે એ લેખક-પત્રકારે પરસેવો પાડી જન્મવેલા પોતીકા કન્ટેન્ટ – ક્રિએટિવિટી પણ જબરદસ્ત છે. આજકાલ તો ગુજરાતી સાહિત્ય-પત્રકારિત્વમાં તેમનો ડંકો વાગી રહ્યો છે, દસકો ચાલી રહ્યો છે એમ કહી શકાય. જોકે આજકાલનાં નહીં વર્ષોથી તેમણે પત્રકારત્વનાં ક્ષેત્રમાં ઘણાની કેરિયર બનાવી આપી છે, ઘણાને તન-મન-ધનથી મદદરૂપ થતા આવ્યા છે. કોઈની અંદર છુપાયેલું ટેલેન્ટ કે કોઈની અંદર પડેલું પોઈઝન તે તરત પારખી જાય. અને જેવાને તેવું સ્થાન અપાવે છૂટકો કરે.
IAS, IPS કે CS કક્ષાનાં અધિકારી સામે જ્યારે-જ્યારે તેઓ ન્યાયનાં કાજે જંગે ચઢ્યા હોય ત્યારે-ત્યારે એ તમામ અધિકારીઓને ઝૂકવું પડ્યું છે અને પોતાની ભૂલ સ્વીકારવી પડી છે, સુધારવી પડી છે. ભક્તો જેના ચરણોમાં પડ્યા રહેતા એવા સ્વામી ધર્મબંધુ અને મહેશગિરી ઉઘાડા પાડ્યા ત્યારે સ્વામી ધર્મબંધુ, મહેશગિરી જેવા ધૂતારાઓ આ લેખક-પત્રકારની પગે પડી ગયા હતા. હાર્દિક-અલ્પેશ-જીજ્ઞેશ આંદોલન, ખોડલધામનો રાજકીય ઉપયોગ, મોરારીબાપુને સુરત કથામાં પાસ દ્વારા મળેલી ધમકી, મોરારીબાપુ વર્સિસ સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદ, કેશુબાપાએ જ્ઞાતિવાદનાં નામે મોરચો માંડ્યો હોય કે કોઈ લેખકડાએ લીલા કરી હોય.. જ્યારે-જ્યારે બૌદ્ધિકો, સમજુઓ કે સેલિબ્રિટીઓ સાચું સ્ટેન્ડ લેતા ડર્યા કે ફર્યા છે ત્યારે-ત્યારે આ લેખક-પત્રકારે સાચું સ્ટેન્ડ લીધું છે. જ્યારે કોઈ બોલી-લખી ન શકે છે ત્યારે માત્ર એક વ્યક્તિ બોલે છે, ફક્ત એક વ્યક્તિની કલમ ચાલે છે અને એ એકમાત્ર લેખક-પત્રકાર આ છે. લેફટીસો, સેક્યુલરો, ગુંડાઓ, ત્રાસવાદીઓ, વિધર્મીઓની ગેંગ વગેરે એક તરફ અને આ લેખક-પત્રકાર એક તરફ. છતાં આ લેખક-પત્રકાર બધા પર ભારે પડે.
દર વર્ષે અસ્મિતા પર્વમાં રસ-પુરી ઝાપટી જતા મફતિયાવ સુરતની કથા વખતે મોરારીબાપુને પાસ દ્વારા ધમકી મળી ત્યારે મૌન થઈ ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયનાં વિવાદ વખતે પણ મોરારીબાપુનાં ગુણગાન દિવસ-રાત ગાતા ગરજુડાઓ ગાયબ થઈ ગયા હતા. આવા વખતે એ લેખક-પત્રકાર મોરારીબાપુનાં હનુમાન બન્યા હતા. અને આ ઘટનાઓ પછી જ મોરારીબાપુની આંખો ઉઘડી અને એમણે રોટલિયાઓને રવાના કરી દીધા. આવા તો અનેકોનેક કિસ્સાઓ છે અને હા, ફક્ત હમણાંથી જ તેઓ આવું લખતા નથી. આજથી 10 વર્ષ અગાઉ ખેડૂતોનાં ઈમોશનલ બ્લૅકમેલિંગ પર સૌ પ્રથમવાર લખવાની શરૂઆત તેમણે કરી હતી. ખેડૂતોને હંમેશા એમણે આયનો દર્શાવ્યો છે. વાસ્તવિકતાથી પરિચિત કરાવ્યા છે. જગતનાં તાત વિશે કલમનાં આ બાપે સત્ય જ ઉચ્ચાર્યું છે.
2017 વિધાનસભા ચૂંટણીમાં જ્યારે હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશ મતદારોને છેતરવા નિકળા હતા ત્યારે મતદાનનાં થોડા દિવસ અગાઉ તેમના ત્રણ-ચાર લેખોએ મતોનું એવું ધ્રુવીકરણ કર્યું કે નોન પાટીદાર મતદારોએ ભાજપને મત આપ્યા હતા. એ સમયે એમણે લખેલા ત્રણ લેખોની નોંધ આઈબી અધિકારીઓએ પણ લીધી અને અંદરખાને એમને પણ સ્વીકારવું પડ્યું કે હા આ ત્રણ લેખોએ મતદાન અગાઉ બાજી પલટી નાખી. વિધાનસભા ચૂંટણી વખતે માત્ર ત્રણ લેખોથી હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશની ત્રિપુટીને ભોય ભેગી કરનાર એ લેખક-પત્રકારનાં મુખ્યમંત્રી પણ તેમના જૂના ફ્રેન્ડમાંથી ફેન બની ગયા છે. આજે ભાજપ-કોંગ્રેસનાં ઘણા નેતાઓ પણ તેમના વાંચક-વિવેચક છે.
ગુજરાતનાં રાજકરણમાં રાજકોટનું સ્થાન મજબૂત બન્યું ત્યારથી કે મુખ્યમંત્રી રાજકોટનાં થયા ત્યારથી નહીં એ અગાઉથી તેમણે બેબાક, બોલ્ડ, બિન્દાસ, બેધડક લખ્યું છે. ઈસ્લામિક ટેરેરીઝમ પરનાં તેમના લેખો તંત્રી-સંપાદકો છાપતા ડરે છે એ મેં નજરે જોયું છે તો એમની ફેસબૂક પોસ્ટ પર લાઈક-કોમેન્ટ કરતા પણ ઘણા કાંપે છે એનો પણ મને ખ્યાલ છે. રાજકરણ, સાહિત્ય, પત્રકારત્વ, ભાષા, ધર્મ, પ્રવાસ, રાષ્ટ્રવાદ, દેશસેવા, ભારતીય સેના-સુરક્ષા, કૃષિ, ટેકનોલોજી, ખાનપાન જેવા અનેક વિષયો પર તેમણે અઢળક લખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાહુલ ગાંધીથી લઈ અંબાણી-અદાણી જેવી હસ્તીઓ પરનાં તેમના લેખો ગુજરાતીઓમાં સુપરહીટ ગયા છે. જેણે એ લેખક-પત્રકારને લોકપ્રિય પણ બનાવ્યા અને કેટલાક ચોક્કસ વર્ગમાં અપ્રિય પણ…
આ નિડર લેખક-પત્રકારને લખવા-બોલવા માટે ધાકધમકીઓ મળી છે, તેની પર જાનલેવા હુમલાઓ થયા છે. બીજા લેખક-પત્રકારો સાથે આવું થાય છે ત્યારે કલેકટરને નિવેદન અપાય છે, સોશિયલ મીડિયામાં ફલાણા-ઢીકણા આઈ સપોર્ટ કેમ્પેઈન ચાલે છે. પણ આ માણસ એકલો લડ્યો છે. એકલો જોવા મળ્યો છે. તેની પાસે કોઈ ટિમ કે ટોળું નથી. એ એવો એકલવીર છે જેણે પોતાની પીઠ મજબૂત કરી લીધી છે. ગાળો, ધમકીઓની અસર ન થાય એટલો જાડી ચામડીનો બની ગયો છે. માર-ગાળ હવે તેમને અસરકર્તા નથી. એ બસ કોઈની પણ પરવાહ કર્યા વિના લખ્યે જાય છે, એ બસ કોઈની પણ સાડીબાર રાખ્યા વિના બોલ્યે જાય છે. એ એન્ટીટ્રોલ અને એન્ટીક્રિટિક્સ બની ગયો છે. તેમનો વિરોધ જ તેમની પ્રેરણા છે. આજે એક મોટા કદનાં મીડિયા હાઉસ જેટલો ફેલાવો અને ઈંપેક્ટ ધરાવતા આ લેખક-પત્રકારનું નામ છે વન એન્ડ ઓન્લી.. યસ.. કિન્નર આચાર્ય. જેઓ વારંવાર કહેતા રહે છે કે,
જો દેખતા હું વહી લિખનેકા આદિ હું,
મેં અપને શહેર કા સબસે બડા ફસાદી હું!