ખાસ-ખબર સંવાદદાતા
હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાન શરૂ થઈ ચૂકી છે જ્યારે હવે ઇન્ટરનેશનલ ફ્લાઇટને ટેકઓફ કરાવવા માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ઉડાન જલ્દીથી શરૂ થાય તે માટે મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું કામ હવે પૂર જોશમાં ચાલી રહ્યું છે. 28 ફેબ્રુઆરી સુધીમાં મુખ્ય બિલ્ડીંગ નું કામ પૂરું કરી દેવા માટે કોન્ટ્રાક્ટ કંપનીને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે આ દરમિયાન હાલમાં સ્ટ્રક્ચર બની રહ્યું છે. મુખ્ય બિલ્ડીંગ નું કામ જેટ ગતિએ પૂર્ણ થાય તે માટે 24 કલાક નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગની સાથે સાથ એરોબ્રિજ નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલમાં ફ્લાઈટ ના પેસેન્જર માટે જર્મન ટેકનોલોજીથી હંગામી ધોરણે ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેની બાજુમાં જ મુખ્ય બિલ્ડીંગ નિર્માણાધિન છે. ત્રણસો વીસ કરોડના ખર્ચે બની રહેલા આ અધ્યતન મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગમાં અનેકવિધ સુવિધાઓ આપવામાં આવશે. સમગ્ર એરપોર્ટ સંકુલ 1025.50 હેક્ટર (2534 એકર)માં ફેલાયેલું છે, જેમાં 1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ 3040 મીટર (3.04 કિમી) લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે 14 વિમાનો પાર્ક થઈ શકશે. 50,800 ચોરસ મીટરમાં એપ્રન બેય્ઝ બનાવવામાં આવ્યો છે. 23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરી શકાશે.આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ ક્ધવેયર બેલ્ટ અને 8 ચેક-ઇન કાઉન્ટર્સ (ભવિષ્યમાં બીજા 12 ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે) નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે. એર ટ્રાફિક કંટ્રોલર, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન ઉપરાંત 524 એકરમાં ફેલાયેલા સિટી સાઇડ એરિયામાં લેન્ડસ્કેપિંગ, કાર, ટેક્સી અને બસ પાર્કિંગની સુવિધાઓ બનાવવામાં
આવી છે.