હિમાની શિવપુરી લગભગ દોઢ મહિના પછી સેટ પર પાછી ફરી છે. ‘હપ્પુ કી ઉલટન પુલટન’નું શૂટિંગ હાલમાં ગુજરાતમાં થઈ રહ્યું છે. આ શોમાં તે કટોરીઅમ્માનું પાત્ર ભજવી રહી છે. દોઢ મહિના બાદ તેમણે શોનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. આ વિશે વાત કરતાં હિમાની શિવપુરીએ કહ્યું કે ‘સેટ પર ફરી પાછાં આવવાની હંમેશાં ખુશી હોય છે. ‘હપ્પુ કી ઉલટન પુલટન’નો સેટ એક ફૅમિલીથી દૂર હોવા છતાં બીજી ફૅમિલી સાથે હોવા જેવો છે. અમે હાલમાં ફાઇવસ્ટાર હોટેલમાં રહીએ છીએ. બાયો-બબલ સિસ્ટમને સ્ટ્રિક્ટલી ફૉલો કરવામાં આવે છે અને મૉનિટર પણ કરવામાં આવે છે. હોટેલની અંદર જ અમને બધું મળી રહે છે. તાપી નદીની આસપાસની ગ્રીનરી કામ કરવા માટે ખૂબ જ આહ્લાદક જગ્યા છે.’
શોના પાત્ર વિશે વાત કરતાં હિમાની શિવપુરીએ કહ્યું કે ‘શરૂઆતમાં હું આ સિરિયલ કરવા માટે તૈયાર નહોતી, પરંતુ મેં જ્યારે આ પાત્ર પસંદ કર્યું ત્યારે મને અહેસાસ થયો કે એનાં ઘણાં લેયર્સ છે. આ શોની ક્રીએટિવ ટીમ ખૂબ જ સારું કામ કરી રહી છે. અમ્મા એક મમ્મી, સાસુ, પત્ની અને દાદી પણ છે. આથી એના ઘણા શેડ્સ છે. ઘણી વાર મારા લુક પણ બદલવામાં આવે છે જે એક આર્ટિસ્ટ માટે ખૂબ સારી વાત છે.’
- Advertisement -
૩૭ વર્ષથી બોલીવુડમાં કામ કરનાર હિમાની શિવપુરીએ કહ્યું કે ‘નામ, ફેમ અને પૈસા કાંઈ હંમેશ માટે નથી હોતાં. આજે જે મળ્યું એમાં ખુશ રહેવું. ખાસ કરીને આ કોવિડના ટાઇમમાં લાઇફમાં શું થવાનું છે એની કોઈને ખબર નથી. દરેક દિવસને સેલિબ્રેટ કરો.’