જી.આઇ.ડી.સી.ના એમ.ડી. થેન્નારસન અને ઉદ્યોગ કમિશનર રાહૂલ ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ – કોરાના સમયકાળમાં ઉદ્દભવેલી પરિસ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક પરિસ્થિતિની સમીક્ષા કરવા તથા તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મેટોડા ખાતે ઔદ્યોગિક અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચે ઉચ્ચસ્તરીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઝ કમિશનરેટ, સૂક્ષ્મ-લઘુ-મધ્યમ ઉદ્યોગો(એમ.એસ.એમ.ઈ.), ગુજરાત અને ગ્લિયા(જી.આઇ.ડી.સી. લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન)ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ અને ભૂજ પ્રદેશની ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન મીટ મેટોડાની જી.આઇ.ડી.સી. ખાતે યોજાઇ હતી, જેમાં લોધિકા જી.આઇ.ડી.સી.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ પીવાનું પાણી, બાંધકામની મર્યાદા, એફ.એસ.આઇ. ટ્રાન્સફર ફી, પેનલ્ટી, કેટેગરી બદલવી, જમીન ફાળવણી, ફાયર સેફટી, સબસિડી, સોલાર પોલિસી, વીજ કનેક્શન વગેરે બાબતો અંગે ઉપસ્થિત અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. જે અંગે યોગ્ય કરવા થેન્નારસને રાજ્ય સરકારના વિવિધ વિભાગોને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તાએ નીતિ વિષયક પ્રશ્નો વિષે રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. જ્યારે એમ.એસ.એમ.ઈ.ના કમિશનર રણજીત કુમારે નાના ઉદ્યોગકારોની પી.જી.વી.સી.એલ. જેટકો, ગોંડલ ખાતે નવી જી.આઇ.ડી.સી.ની ફાળવણી વગેરે અંગેની રજૂઆતો બાબતે સત્વરે કાર્યવાહી કરવા ખાત્રી આપી હતી. અગ્રણી ઔદ્યોગિક એકમોએ કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકારે દીધેલા હકારાત્મક ઔદ્યોગિક વલણની સરાહના કરી હતી.
આ પરિસંવાદમાં જી.આઇ.ડી.સી.ના અધિકારી પી.ટી. તેલંગ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સભ્ય સચિવ એ.વી.શાહ, ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડીપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરીશ્રી એમ. ડી. શાહ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પી.વી. વૈષ્ણવ, જી.આઇ.ડી.સી.ના ચીફ એન્જિનિયર બી.સી. વારલી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિરણ મોરી, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ ટીલાળા, પરાક્રમસિંહ જાડેજા, ચેતનભાઈ પટેલ, સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખો, વેપારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.