સાંજ સુધી દ્વારકામાં ભારે વરસાદની આગાહી
પંચમહાલના હડફ ડેમમાં નવા નીરની આવક; આજે 29 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ
- Advertisement -
ગઈકાલે રાજ્યના 160 તાલુકામાં વરસાદ ખાબક્યો
રાજ્યમાં 16 જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજદિન સુધીમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. 29 જૂને અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યના 160 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કડીમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 189 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.6 અને અમદાવાદના વિરમગામમાં 3.3 ઇંચ વરસાદ ખાબકતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે આજે 4 વાગ્યા સુધી દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 29 જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે વહેલી સવારથી દેવભૂમિ દ્વારકા, પાટણ, દાહોદ, તાપી અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. એને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. બીજી તરફ અમદાવાદ-ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે.
હવામાન વિભાગે આજે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના અનેક તાલુકાઓમાં રસ્તાઓનું ધોવાણ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજપીપળા-ડેડિયાપાડા હાઈવે પર ધોવાણ થતાં 259 ગામના લોકોને 30 કિલોમીટર વધારાનો ફેરો ફરવો પડે છે.
જ્યારે આવતીકાલે એટલે કે 1 જુલાઈના રોજ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- Advertisement -
ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. ઉકાઈ ડેમમાં હાલ 44,257 ક્યૂસેક પાણીની આવક આવી થઇ રહી છે. એને લઇ ડેમની જળસપાટી 318.23 ફૂટ પર પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ પર છે. એને લઇને ડેમમાંમાંથી 800 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં સરેરાશ 32.73% વરસાદ
રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 32.73 ટકા નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 35.75 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 24.77 ટકા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પૂર્વમધ્ય ગુજરાત ઝોનમાં 34.66 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79 ટકા અને કચ્છ ઝોનમાં 24.77 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.