નડિયાદના શ્રેયસ ગરનાળામાં કોલેજ-બસ ફસાતાં વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા; ગોધરામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો
ખાસ-ખબર સંવાદદાતા
બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મધ્ય, ઉત્તર, પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 25થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.
- Advertisement -
પંચમહાલ જિલ્લાના ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડામાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં શહેરનાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. ગામડાઓમાં અનેક કોતરોમાં બે કાંઠે પાણી વહેતા થયા છે. અનરાધાર વરસાદથી વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. તો બીજી બાજુ વીજ કરંટથી 4 પશુઓના મોત નિપજ્યા છે. ધારાસભ્ય સી.કે. રાઉલજી માર્કેટિંગ યાર્ડ ખાતે મુલાકાતે આવ્યા હતા અને ખેડૂતો સાથે બેઠક કરીને નુકસાન વિશે ચર્ચાઓ કરી હતી.
તો બીજી તરફ વલસાડ, ખેડા, નડિયાદ, ડાકોર, માતર સહિતના પંથકોમાં સવારથી જ વરસાદ પડતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. જ્યારે નડિયાદ શહેરના શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાતા દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. સવાર સુધીમાં વડોદરામાં 1 ઇંચ, સાવલીમા 2 અને ડેસર તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ સવારના 6થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગોધરા, વડોદરાના દેસર, આણંદ, પંચમહાલના કાલોલ, ઉમરેઠ, હાલોલ, ઠાસરા, સાવલી, ધોધંબા, ગળતેશ્વર, ધાનપુર, દેવગઢબારીયા, પેટલાદ, વડોદરા, પાદરા, બોરસદ,ડભોઈ, ગરબાડા અને નડિયાદ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. સૌથી વધારે 4 ઈંચ વરસાદ ગોધરામાં પડ્યો છે. વડોદરાના દેસરમાં પણ ત્રણ ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. આણંદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ગરનાળામાં અધવચ્ચે બસ ખોટકાતા વિદ્યાર્થીઓ ફસાયા
નડિયાદ શહેરમાં શનીવારે વહેલી સવારે વરસેલા વરસાદના કારણે શ્રેયસ ગરનાળામાં દિનશા પટેલ નર્સિંગ કોલેજની બસ ફસાતા વિદ્યાર્થીઓને બસની બારીમાંથી બહાર કઢાયા હતા. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસના ચાલકે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા હતા. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા. આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બસની બારીમાંથી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા.
- Advertisement -
પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
આગામી પાંચ દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે સરેરાશ મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી ઘટે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર અમદાવાદમાં આગામી 28 જૂનથી વરસાદની સંભાવના 60 ટકાથી 75 ટકા વચ્ચે છે.