બળવંતરાય મહેતા પછી વિજય રૂપાણી બીજા મુખ્યમંત્રી કે જેઓ વિમાન દૂર્ઘટનાનો ભોગ બન્યા
12 જૂને રૂપાણી પોતાની લંડનમાં રહેતી પરણિત પુત્રીને ત્યાં ધાર્મિક પ્રસંગમાં જતા હતા અને દુર્ઘટના નડી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજ્યના 69 વર્ષીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રમણીકલાલ રૂપાણી અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટ નં.171માં મુસાફરોમાં સામેલ હતા. તેઓ લંડન સ્થાયી થયેલા તેમના પરિણીત પુત્રી રાધિકાબહેન અને તેમના પત્ની અંજલિબહેનને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનો પુત્ર વૃષભ યુએસમાં સ્થાયી થયો છે. જ્યારે પુત્ર પુજિતનું ખૂબ નાની વયે નિધન થયું હતું. રાજ્યના 16મા મુખ્યમંત્રી તરીકે 7 ઓગસ્ટ 2016ના રોજ શપથ લેનારા વિજય રૂપાણી તેમના કાર્યકાળ દરમિયાન સંવેદનશીલ અને નિર્ણાયક મુખ્યમંત્રી ગણાવાયા હતા. એમણે 11 સપ્ટેમ્બર, 2021 સુધી સત્તા સંભાળી હતી. જૂના બ્રહ્મદેશના રંગૂનમાં 2 ઓગસ્ટ 1956એ જૈન પરિવારમાં વિજય રૂપાણીનું કુટુંબ રાજકોટમાં સ્થાયી થયા બાદ તેઓએ ત્યાં જ બીએ-એલએલબી સુધીનો શૈક્ષણિક અભ્યાસ કર્યો હતો.
નાનપણથી આરએસએસની શિબિરોમાં ભાગ લેનારા તેઓ કોલેજકાળ દરમિયાન એબીવીપીના નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
અને યુવાનીમાં એ સમયે રાજકીય પ્રવૃત્તિઓના સાથી એના મરાઠી પરિવારના અંજલિબહેન સાથે લગ્નના બંધને બંધાયા હતા. રાજકોટમાં મેયર તરીકે રહેલા વિજય રૂપાણીને વિવિધ પદો ઉપર મૂકી વડાપ્રધાન મોદીએ એમની કાબેલિયતનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં મોદી શાસનની શરૂઆતના ગાળામાં એમને 20 મુદ્દા અમલીકરણ સમિતિ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ જેવા વિવિધ એકમોના તેમને ચેરમેન બનાવાયા હતા. ભાજપમાં મહામંત્રીપદની જવાબદારી બાદ તેઓ 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. મોદી વડાપ્રધાન પદે દિલ્હી ગયા એ પછી આનંદીબહેન પટેલના શાસનમાં એમને જળસંપત્તિ-વાહનવ્યવહાર- શ્રમરોજગાર જેવા વિભાગોના કેબિનેટ મંત્રી બનાવાયા હતા. આજે પાંચ રૂપિયામાં શ્રમિકોને ભોજન આપવાની રાજ્ય સરકાર પ્રેરિત જે અન્નપૂર્ણા યોજના ચાલે છે તે યોજના શરૂ કરનારા વિજય રૂપાણી હતા. પંજાબમાં પાર્ટીના મુખ્ય પ્રભારી તરીકે લુધિયાણાની હાલની પેટાચૂંટણીમાં પણ તેઓ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા.
રૂપાણીએ ચૂંટણી કામગીરીને કારણે 5 જૂનની ટિકીટ કેન્સલ કરાવી, 12મીની ટીકીટ ફાઇનલ કરી
- Advertisement -
રૂપાણીએ એક સપ્તાહ પૂર્વે લંડનની ટિકીટ બુક કરી હતી તે તેઓએ કેન્સલ કરાવી 12 જૂનની ફલાઈટમાં લંડન જવા રવાના થયા હતા ત્યારે અરેપોર્ટ પાસે જ પ્લેન તૂટી પડતા તેમનું નિધન થયુ હતુ. લંડનમાં રહેતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈની પુત્રીના ઘરે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી તેઓ આ પ્રસંગમાં હાજરી આપવા માટે ગત તા.પના રોજ લંડનની ફલાઈટની ટિકીટ બુક કરાવી હતી. પરંતુ વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચૂંટણી તેમજ પંજાબની કામગીરીના કારણે તેઓએ આ ટિકીટ કેન્સલ કરાવી તા.12ના રોજ કરાવી હતી. જો વિજ્યભાઈ પત્ની સાથે તા.5ના રોજ લંડન આવી ગયા હોત તો આ દુર્ઘટનામાં બચી ગયા હોત તેવો વસવસો તેમના નજીકના મિત્રોએ વ્યક્ત કર્યો હતો. તેમના અન્ય મિત્રો અને સ્વજનો નિતીનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી ગત તા.10ના રોજ લંડન પહોચી ગયા હતા
વિજય રૂપાણીને લગ્ન પહેલાં જ પ્રેમ થઈ ગયો
વિજય રૂપાણીની જેમ તેમનાં પત્ની અંજલિબેન પણ પહેલેથી રાજકારણ સાથે જોડાયેલાં હતાં. તેઓ જનસંઘના કાર્યકર પણ હતાં. વિજયભાઇ કાર્યકર-કમ-સંઘના જૂના પ્રચારક હતા. એ સમયે પ્રચારકો જે કોઇ ગામમાં પ્રચાર કરવા જાય ત્યાં મુખ્ય કાર્યકરના ઘરે જમવા જાય. વિજયભાઇ અમદાવાદ અવારનવાર પ્રચાર અર્થે જતા. અંજલિબેનના પિતા પણ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર. આ વાતને લઇ વિજયભાઇ ત્યાં અનેક વખત જમવા ગયા હતા. આ સમયગાળામાં વિજયભાઇ અને અંજલિબેન વચ્ચે પ્રેમ પાંગર્યો. અંતે, વડીલોની સહમતી અને મંજૂરી લઇ વિધિવત લગ્ન કર્યા.
એક દીકરાનું ત્રણની ઉંમરે અવસાન થયું હતું
વિજયભાઈના પહેલા દીકરા પુજિતનું માત્ર સાડાત્રણ વર્ષની ઉંમરે મૃત્યું થયું હતું. સહપરિવાર અમદાવાદ સસરાની ઘરે ગયા હતા એ વખતે થર્ડ ફ્લોરની ગેલરીમાંથી નીચે ઝૂક્યા પછી બેલેન્સ નહીં રહેતાં દીકરો પુજિત પડી ગયો અને તેનું મૃત્યુ થયું. તેની યાદમાં વિજયભાઈએ શ્રી પુજિત મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. મુખ્યમંત્રી હતા એ દરમિયાન પણ તેમણે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે સમય આપ્યો હતો તો પુજિતના જન્મદિવસે ગરીબ બાળકો સાથે પગંતમાં બેસીને તેમણે ભોજન લેવાનું સદ્કાર્ય ચાલુ રાખ્યું હતું.