ગઈકાલે રવિવાર હતો એટલે મોર્નિંગ મંત્રમાં રજા પાડી હતી. એના આગલા દિવસે એટલે કે શનિવારે હિમ્મત નગર ગયો હતો. ત્યાં સમસ્ત બ્રહ્મ સમાજનું સંમેલન હતું. ત્યાંનો પ્રખ્યાત વિશાળ સભાખંડ ચિક્કાર ભરાઈ ગયો હતો. હું મુખ્ય વક્તાની ભૂમિકામાં હતો. મારે બ્રાહ્મણો વિશે બોલવાનું હતું અને મેં કેટલીક મહત્ત્વની ઉપયોગી વાતો ત્યાં કરી.
આખા સભાગૃહમાં મારી જ જ્ઞાતિના ભાઈઓ-બહેનો અને બાળકો ઉપસ્થિત હોય એ સમયનાં ટુકડામાં જીવવાનું મને ખૂબ ગમ્યું. હું જ્ઞાતિ ભેદમાં માનતો નથી પરંતુ સમાન રુચિ વાળા, સમાન સંસ્કાર વાળા, વાણી, વિવેક અને વર્તન વાળા, સમાન ઇષ્ટદેવમાં આસ્થા ધરાવતા અને એક સરખી પૂજા પદ્ધતિ ધરાવતા સમૂહની વચ્ચે રહેવાનું મને ખૂબ જ ગમ્યું. મંચ ઉપર મારી સાથે હિમ્મત નગરના ડિસ્ટ્રિક કલેકટર દવે સાહેબ પણ હતા. મારી જિંદગીમાં હું અનેક રાજકારણીઓને, ઉચ્ચ આઇ.પી.એસ. ઓફિસરોને અને કલેકટરો તેમ જ મામલતદાર સાહેબોને મળ્યો છું, પણ દવે સાહેબ જેવા વિનમ્ર, સાલસ અને મળતાવડા કલેકટર મેં ક્યારેય જોયા નથી. આટલા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ આટલી નિર્ભાર કેવી રીતે હોઈ શકે?
સાંજે કાર્યક્રમ પૂરો થયા પછી ભોજન સમારંભ હતો. વરસાદી માહોલના કારણે ખુલ્લા મેદાનમાં કે મંડપ નીચે ભોજન સમારંભ યોજવાને બદલે સામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન કર્યા પછી મંદિરના સેવકો અને પૂજારીઓ આવી અને આદર સહિત મને માતાજીના દર્શન માટે લઈ ગયા. હરસિદ્ધિ માતાની બે મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે. ઉપરના ભાગમાં પીઠિકા ઉપર અત્યંત રમણીય આરસની મૂર્તિ ભલભલા નાસ્તિકના હૃદયમાં પણ શ્રદ્ધાનો સંચાર કરે એવી પ્રભાવક છે. એ પીઠિકાની નીચે સહેજ ભોંયરા જેવા ભાગમાં માતાજીની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે.
એવું કહેવાય છે કે આ પ્રાચીન પ્રતિમા લગભગ બે હજાર વર્ષ જેટલી જૂની છે અને રાજા વિક્રમાદિત્ય દ્વારા એ અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. હું શિવજીનો પરમ ઉપાસક છું અને શિવજીમાં શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે જગત જનની મા ભવાનીમાં પણ એટલી જ શ્રદ્ધા ધરાવવી. માતાજીના વિવિધ રૂપોમાંનું એક એટલે હરસિદ્ધિ મા સ્વયં. મેં ભાવ પૂર્વક પ્રણામ કર્યા, આંખો બંધ કરીને માતાજીની સ્તુતિ કરી, અચાનક મારા હૃદયમાંથી સંકલ્પનો આવેગ ઉછળ્યો અને મારાથી સહજ પણે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ. જિંદગીના ઘણા બધા સુખોનો અને તૃષ્ણાઓનો ત્યાગ હું કરી ચૂક્યો છું પણ એક તૃષ્ણા થોડા ઘણા અંશે બાકી રહી ગઈ હતી એને પણ નિર્મૂળ કરવા માટેની ભીષ્મ પ્રતિજ્ઞા મેં માતાજીની સમક્ષ લીધી.
કોઈ પણ વાતનો સંકલ્પ તમારા મનને મજબૂત બનાવે છે, એમાં પણ એમને એમ લીધેલા સંકલ્પ કરતાં ઈશ્વરની સાક્ષીએ લીધેલો સંકલ્પ આપણને વધારે મજબૂત બનાવે છે. સૌથી અગત્યની વાત કોઈ પણ મૂર્તિની પ્રાચીનતા આપણાં મન ઉપર વધારે અસર કરે છે. આ જ સંકલ્પ કદાચ મેં નવી બનાવેલી શિલ્પાકૃતિ સમક્ષ લીધો હોત તો મારા મનને આટલી દૃઢતા ન મળી હોત, પણ માતાજીની મૂર્તિ બે હજાર વર્ષ જેટલી જૂની છે એ વાત મારા માટે મોટો આધાર બની ગઈ છે.
શિવજીમાં શ્રદ્ધા હોવી એનો અર્થ એ કે જગત જનની મા ભવાનીમાં પણ એટલી જ શ્રદ્ધા
