રવિવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ દરમિયાન હરભજન સિંહે કંઈક એવું કહ્યું જેના કારણે તે વિવાદમાં ફસાઈ ગયો છે. ભારતીય ક્રિકેટરની આ ટિપ્પણી ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પર કરવામાં આવી હતી. જે બાદ વિવાદ વકરી રહ્યો છે.
મેચમાં હૈદરાબાદની ઇનિંગ્સની 18મી ઓવર દરમિયાન આર્ચર બોલિંગ કરી રહ્યો હતો અને તે સમયે હેનરિક ક્લાસેન અને ઇશાન કિશન ક્રીઝ પર હતા. આ દરમિયાન બંને બેટ્સમેન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા. ક્લાસેન-કિશન આર્ચરને મારવાનું શરૂ કરતા જ હરભજને પોતાની કોમેન્ટ્રીમાં કહ્યું, લંડનમાં કાળી ટેક્સીનું મીટર ઝડપથી ચાલે છે અને અહીં આર્ચર સાહેબનું મીટર પણ ઝડપથી ચાલે છે. હવે તેમના આ નિવેદન પર ચર્ચા તેજ થઈ ગઈ છે. કેટલાક લોકો એવું પણ માને છે કે તેમને તાત્કાલિક કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવા જોઈએ. જોકે, અત્યાર સુધી આ સમગ્ર મામલે હરભજન સિંહ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
- Advertisement -
મેચની વાત કરીએ તો ઈશાન કિશનની તોફાની સદીના આધારે હૈદરાબાદની ટીમે પહેલા બેટિંગ કરતા 286 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો. ઈશાને માત્ર 46 બોલમાં 106 રનની તોફાની ઈનિંગ રમી. તેમના સિવાય ટ્રેવિસ હેડે માત્ર 31 બોલમાં 67 રન બનાવ્યા. 287 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન ટીમ નિર્ધારિત ઓવરમાં માત્ર 242 રન જ બનાવી શકી અને 44 રનથી મેચ હારી ગઈ. ટીમ તરફથી વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે સૌથી વધુ 70 રન બનાવ્યા, જ્યારે સંજુ સેમસને 66 રન બનાવ્યા હતા.