લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શન પાછળ હિંદુઓને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે! હિંદુ મતદારોએ ઓછું મતદાન કર્યું એટલે લોકસભા ચૂંટણીમાં ભાજપને ભયંકર નુકસાન થયું એવું કહેવામાં – માનવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોએ સેટ કરેલો આ નેરેટિવ હિંદુઓની છબી ખરડી, મોદી-ભાજપની ભૂલ છુપાવવાનો ખેલ છે.
હકીકતમાં ભાજપની હાર પાછળનું મુખ્ય કારણ સ્થાનિક નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનો ભ્રષ્ટાચાર છે. આ ચૂંટણીમાં હિંદુઓ ન જાગ્યા એટલે નહીં પરંતુ મતદારો જાગૃત બન્યા એટલે કમળ કરમાયું છે. અન્ય સરકારોની જેમ જ મોદી સરકાર ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવામાં તદ્દન નિષ્ફળ રહી છે એ સ્વીકારવું પડે. પત્રકારોએ ભ્રષ્ટાચારના અનેક પુરાવાઓ આપ્યા છતાં કોઈ પગલાં ભરાયા નહીં એટલે પછી પ્રજાએ જ મમરા ભરી દીધા.
- Advertisement -
ફક્ત ગુજરાત જ નહીં, દેશભરની જનતા સ્થાનિક રાજકારણ અને ભ્રષ્ટાચાર વચ્ચે પીસાઈને પરેશાન બની છે. આ ચૂંટણી પરિણામોમાં પ્રજાની પીડાનું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકાય છે. હવે સત્તામાં ટકી રહેવા ભાજપ માટે સૌ પ્રથમ સ્થાનિક કક્ષાએ નેતાઓ, પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગતથી ચાલતા ભ્રષ્ટાચાર પર નિયંત્રણ મેળવવું પડશે. મોદીએ હું ખાતો નથી અને ખાવા દેતો નથી એ ખરા અર્થમાં સાબિત કરી બતાવું પડે. જેમ મોદી-ભાજપે વિપક્ષના ભ્રષ્ટાચારી નેતાઓ સાથે કર્યું છે તેમ પોતાના પક્ષના ભ્રષ્ટાચારી નેતાઓ અને કચેરીઓના અધિકારીઓને જેલમાં ધકેલી એકાદ દાખલો બેસાડી શકે તો પણ ઘણું છે.
ભાજપના શીર્ષનેતૃત્વ દ્વારા જો ભ્રષ્ટાચારથી લઈ મોંઘવારી જેવા સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો એક દિવસ એવો પણ આવશે કે ગુજરાતમાં પણ ભાજપ હારશે, મોદી મેજીક જરીકે નહીં ચાલે. સર્વાંગી વિકાસ એટલે અન્ય કેટલીક બાબતો સાથે ખાઈકી અને ગરીબીનો પણ વિકાસ ન હોવો જોઈએ. ટૂંકમાં નેતાઓ સાથેના ન્યાય-અન્યાય મામલે ગુજરાત બહારની જનતા ક્રૂર છે, તે જેમને સિંહાસન પર બેસાડે છે તે સેવક કામ સરખું ન કરે તો સજા પણ આપે છે. મોદી-ભાજપથી પણ ભૂલ થઈ છે, મોદી-ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં એ પ્રજાએ તેમને આપેલી સજા છે.
બેશક ભાજપ ભક્ત કે મોદી પ્રસંશક માટે લોકસભા ચૂંટણીના પરિણામો અકળાવનારા છે, આ સમયે આત્મમંથન જરૂરી છે. મોદીની લોકપ્રિયતા અને ભાજપના ગ્રાફમાં જબરદસ્ત ઘટાડો આવી રહ્યોં છે. આ પાછળનું મુખ્ય કારણ હરામખાયાઓ જ છે, હિંદુઓ નહીં. હિંદુ પ્રજા સહનશીલ છે, મોદી-ભાજપે છેલ્લા દસ વર્ષમાં ભારતીયોની સહનશીલતાની કસોટી લઈ લીધી હતી. તેમનો સ્થાનિક કક્ષાએ પોતાના પક્ષ કે તંત્ર પર નિયંત્રણ રહ્યો નહતો. આ એક દિવસ થવાનું જ હતું, વહેલું થઈ ગયું. અને એટલે જ હવેના પાંચ વર્ષ ખાસ તો ગુજરાતમાં મોદી-ભાજપ પ્રજાની પીડા નહીં સમજે અને ભ્રષ્ટાચારી નેતા-અધિકારીને જેલ ભેગા નહીં કરે કે પછી લોકોના જીવનમાં બે સવલત ઓછી આપે પણ તેમનું જીવન સરળ નહીં બનાવે તો તેના પરિણામ શું આવશે એ સમજી શકાય છે.