કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે સુરતથી હર ઘર તિરંગા યાત્રા અભિયાનનો CMના હસ્તે શુભારંભ.
PM મોદીએ ટ્વિટ કરીને લોકોને ‘હર ઘર તિરંગા અભિયાન’ને મજબૂત કરવાની અપીલ કરી છે. તારીખ 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા PMએ અપીલ કરી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં બે કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રાને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી. સુરતની આ પદયાત્રાના કાર્યક્રમમાં CR પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, દર્શના જરદોષ, પુર્ણેશ મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં છે.
- Advertisement -
સુરતની ‘હર ઘર તિરંગા પદયાત્રા’માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા છે. એ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા છે. હજારો વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાવવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે.
આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે: સંઘવી
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, ‘આઝાદીના 75માં વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે. ગુજરાતના ઘરેઘરે તિરંગા લહેરાવવાના છે. આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે. તિરંગો ભેટમાં લેવાને બદલે તિરંગો ખરીદી ઘરે લહેરાવજો. સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવા પ્રયત્નો કરજો.’
- Advertisement -
દરેક ઘરે તિરંગો પહોંચે તેવી વ્યવસ્થા મોદીજીએ કરી: CR પાટીલ
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ‘ધ્વજ લહેરવાની સ્વતંત્રતા સહેલાઇથી નથી મળી. અનેક લોકોએ ગોળીઓ ખાધી છે જેલમાં જીવન વિતાવ્યું છે. દરેક ઘરે તિરંગો પહોંચે તેવી વ્યવસ્થા મોદીજીએ કરી છે. દરેક સરકારી ઓફિસે તિરંગો લહેરાશે. વિદ્યાર્થીઓ પોતાની જાતે તિરંગો લગાવે. તિરંગાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મુકો. એક કરોડ ધ્વજ ઓછાં પડશે. દરેક ધારાસભ્યને 20 હજાર તિરંગા વિતરણની વ્યવસ્થા કરાઇ છે.’
PM મોદીએ ‘હર ઘર તિરંગા અભિયાન’ની દેશવાસીઓને કરી હતી અપીલ
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ‘હર ઘર તિરંગા અભિયાન’ને અનુલક્ષીને કહ્યું હતું કે, ‘આ મુહિમ તિરંગા સાથેના આપણા જોડાણને વધારે મજબૂત કરશે.’ તેઓએ કહ્યું કે, ’22 જુલાઇ, 1947ના રોજ તિરંગાને રાષ્ટ્રધ્વજના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો.’
PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘આપણે આજે એ તમામ લોકોના સાહસ અને પ્રયાસોને યાદ કરીએ છીએ કે જેઓએ એ સમયે સ્વતંત્ર ભારત માટે એક ધ્વજનું સ્વપ્ન જોયું હતું કે જ્યારે આપણે વસાહતી શાસન વિરૂદ્ધ લડી રહ્યાં હતા. આપણે તેઓના સપનાને પૂર્ણ કરવાનું અને તેમના સપનાને ભારતનું નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.’
બુધવારે લાલકિલ્લાથી લઈને વિજય ચોક સુધી તિરંગા બાઈક રેલીનું કરાયું હતું આયોજન
મહત્વનું છે કે, દેશ આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. જે અંતર્ગત દેશભરમાં કેટલાંય કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ જ ક્રમમાં સાંસદોએ પણ બુધવારે લાલકિલ્લાથી લઈને વિજય ચોક સુધી તિરંગા બાઈક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં સત્તા પક્ષ ને વિપક્ષના સાંસદો પણ હાજર રહ્યાં હતા. હાથમાં તિરંગો લઈને આ સાંસદોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રેલીમાં ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને પીયુષ ગોયલે લીલી ઝંડી બતાવીને રેલીને રવાના કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સાંસદો તેમાં સામેલ થયા હતા.
આ અભિયાન અંતર્ગત www.harghartiranga.com વેબસાઈટ પણ શરુ કરાઇ છે
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.
#harghartiranga સાથે અપલોડ કરવા અનુરોધ
આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે.
અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકોએ પિન કર્યો ફ્લેગ
આ અભિયાન અંતર્ગત 30 જુલાઈ સુધી 40,14,933 નાગરિકોએ પોતાના લોકેશન પર ફ્લેગ પિન કર્યો છે. જ્યારે 5,79,520 નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી છે.
ઓનલાઇન હર ઘર તિરંગા સર્ટીફિકેટ ડાઉનલોડ કરો
Step1: આ વેબસાઇટ પર જાઓ- https://harghartiranga.com/
Step 2: તમારો પ્રોફાઇલ ફોટો સેટ કરો
Step 3: તમારું નામ અને મોબાઇલ નંબર એન્ટર કરો. તમારા ગુગલ એકાઉન્ટથી કન્ટીન્યૂ કરો.
Step 4: harghartiranga.com પર તમારું લોકેશન એક્સેસ Allow કરો
Step 5: તમારા લોકેશન પર ફ્લેક પીન કરો
Step 6: પછી પીન સક્સેસફૂલ થશે અને સર્ટીફિકેટ મળશે, જેને ડાઉનલોડ કરી શકશો