દિવાળીના મંગલમય દિવસો ચાલી રહ્યાં છે. વીતેલા વર્ષનો થાક ઉતરી રહ્યો છે અને નવલા વર્ષનો થનગનાટ તન – મનમાં પ્રસરી રહ્યો છે. સહુને એક ખાસ વિનંતી કરીશ. આખું વર્ષ ન કરી શકો તો વાંધો નથી પરંતુ આ પર્વના દિવસો દરમ્યાન અન્નપૂર્ણા સ્તોત્ર, દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્ર, ભવાની અષ્ટકમ અને ગુરુગીતાનો પાઠ. આટલુ રોજ કરજો. બધા ગાઈ ન શકો તો સંભાળજો જરૂર. જે ઘરમાં ગુરૂગીતાનો પાઠ નિત્ય થાય છે તે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સાત્વિકતા નિવાસ કરે છે. ભવાની અષ્ટકમ અને દેવી અપરાધ ક્ષમાપના સ્તોત્રમ તમને અલૌકિક ભાવ જગતમાં લઈ જશે. અન્નપૂર્ણા સ્તોત્રમ તમારા ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નહી પડવા દે. સંસ્કૃત ભાષામાં ઝાઝી સમજ ન પડે તો પણ અન્નપૂર્ણા સ્તોત્રમ સાંભળવાનું ગમશે. દેવી અન્નપૂર્ણા એ જગત જનની મા ભવાનીનું જ એક રૂપ છે જે જગતના તમામ જીવોને પોષણ પૂરું પાડે છે. મા પાર્વતી વિશે વપરાયેલા વિશેષણો તમને ભક્તિના સાગરમાં ઝબોળી દેશે. ધ્રુવ પંક્તિમાં આવર્તન પામતું એક વિશેષણ કાશીપુરાધિશ્વરી કેટલું રોમાંચક છે! વિશ્વની સૌથી પ્રાચીન નગરી કાશી. એ કાશીપુરના અધિશ્વર એટલે ભગવાન મહાદેવ અને તેની અધિશ્વરી એટલે મા પાર્વતી. જેટલી વાર આ વિશેષણ સાંભળીયે એટલી વાર ભાવવિભોર બની જઈએ અને સમાપનમાં આવતું એક વિશેષણ..શંકર પ્રાણવલ્લભે દેવી પાર્વતીને કેવા ઉચ્ચ સ્થાન ઉપર બેસાડી આપે છે!
જેમની આરાધના કરવા માટે એક આયખું ઓછું પડે એવા ભગવાન મહાદેવની પણ જે પ્રાણવલ્લભા છે એ મા પાર્વતીને જેટલી વાર વંદીએ એટલું ઓછુ છે. આ બધા સ્તોત્રો અનુરાધા પૌંડવાલના સ્વરમાં યુ ટ્યુબ પર ઉપલધ છે. એક અઠવાડિયું અવશ્ય એનો લાભ લેશો. હું તો નિત્ય શ્રવણ કરુ છુ. મનમા પ્રવેશતી ઘણી બધી મલિનતાઓ દૂર રહેશે. આ સ્તોત્રમા આદિ શંકરાચાર્ય દેવી અન્નપૂર્ણા માટે ઉમાશાંકરી અને ઓમકાર બીજાક્ષરી જેવા વિશેષણો પ્રયોજે છે ત્યારે આપણે બહારનું આચર કુચર પેટમા ઠાલવતા પહેલા એક વાર અટકીને વિચારવું જોઈએ કે જે દેવી ૐકારના નાદમાં બીજાક્ષર રૂપે રહેલી છે એના હાથે અપાયેલા પ્રસાદ શિવાય બીજું કંઈ પણ આપણાથી આરોગાય ખરું?